Home Gujarat Rajkot Rajkot Trp Game Zone Fire Case Two Years Trial Update

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ : ટ્રાયલમાં હજુ પણ અવરોધોના આક્ષેપ, કેસ સૌથી પહેલા ટ્રાયલ તબક્કે પહોંચ્યો

રાજકોટ TRP કાંડના દ્રશ્યો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: May 25, 2026, 10:17 AM IST

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે, છતાં પીડિત પરિવારોને હજુ સંપૂર્ણ ન્યાયની રાહ જોવી પડી રહી છે. ગુજરાતને ઝંઝોળી નાખનાર આ માનવસર્જિત દુર્ઘટનામાં ગેમઝોનના માલિક પ્રકાશ હિરણ સહિત કુલ 27 લોકોના મોત થયા હતા. ઘટનાએ રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા, ફાયર NOC અને મનપાની જવાબદારીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા.

આ કેસમાં કુલ 16 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી બે આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. બાકીના આરોપીઓમાં રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સહિત 14 આરોપીઓ હાલ જામીન પર બહાર છે. કેસની ટ્રાયલ શરૂ થઈ હોવા છતાં કાર્યવાહી ધીમી ગતિએ આગળ વધી રહી હોવાના આક્ષેપ ફરિયાદી પક્ષ તરફથી કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: "મને મયંક નાયકથી નફરત છે, પહેલાં પ્રશાંત કોરાટ અમને પગે પડતો" : "તારી છઠ્ઠીનું ધાવણ તું બતાવજે, તારા જેવા 17 દુશ્મનોને પિન્ટુભાઈ પી ગયા" વાયરલ ઓડિયોથી ભાજપમાં ભૂકંપ

ડે ટુ ડે ટ્રાયલની માંગ છતાં વિલંબ

પીડિત પરિવારો વતી નિઃશુલ્ક કાનૂની લડત લડી રહેલા એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, નવેમ્બર 2024માં કેસની ટ્રાયલ રોજબરોજ ચાલે તે માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી. જોકે આરોપી પક્ષ દ્વારા સતત કાનૂની અવરોધો ઉભા કરવામાં આવ્યા હતા. તેમ છતાં આરોપીઓને કોઈ મોટી રાહત મળી નહોતી અને અંતે ટ્રાયલ શરૂ થઈ હતી.

ફળદુએ જણાવ્યું કે, આરોપીઓએ લાંબા સમય સુધી વકીલ રાખવાનું ટાળ્યું હતું અને ત્યારબાદ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલી તોહમતને પણ પડકારવામાં આવી હતી. આ તમામ પ્રયાસોનો હેતુ ટ્રાયલ મોડું કરાવવાનો હતો એવો આક્ષેપ તેમણે કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, “અમારો પ્રથમ પ્રયત્ન એવો હતો કે ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ સૌથી પહેલા શરૂ થાય અને પીડિત પરિવારોને ઝડપથી ન્યાય મળે. ડ્રાફ્ટ ચાર્જ સૌપ્રથમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તોહમત ફરમાવવામાં આવી, પરંતુ આરોપીઓએ તેને પણ ચેલેન્જ કરી.”

પાંચ ડોક્ટરોની જુબાની પૂર્ણ

કેસની કાર્યવાહી અંગે માહિતી આપતાં એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ કરનાર કુલ છ ડોક્ટરોમાંથી પાંચ ડોક્ટરોની જુબાની અદાલતમાં નોંધાઈ ગઈ છે. એક ડોક્ટરની જુબાની હવે 12 જૂન 2026ના રોજ લેવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, ટ્રાયલના આગામી તબક્કામાં અનેક સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. જોકે પ્રોસીક્યુશન તરફથી માત્ર સંખ્યાબંધ નહીં પરંતુ મજબૂત અને અસરકારક સાક્ષીઓ રજૂ કરીને ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ફળદુએ વધુમાં કહ્યું કે, “આરોપી પક્ષ તરફથી ટ્રાયલ ડીલે થાય તે માટે આગળ પણ કાનૂની મુદ્દાઓ ઉભા કરવામાં આવશે. પરંતુ પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય મળે તે માટે પ્રોસીક્યુશન પ્રતિબદ્ધ છે.”

આ પણ વાંચો: રાજકોટમાં ભયાનક અકસ્માત : ગોંડલ નજીક યાત્રાળુઓ ભરેલી બસ પલટી, 2નાં મોત; 5 ગંભીર

ગુજરાતની ચાર મોટી દુર્ઘટનાઓમાં TRP કેસ આગળ

એડવોકેટ સુરેશ ફળદુએ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં બનેલી ચાર મોટી માનવસર્જિત દુર્ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. જેમાં સુરતનું તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબીનો ઝૂલતો પુલ અકસ્માત અને રાજકોટનું TRP ગેમ ઝોન અગ્નિકાંડ સામેલ છે.

તેમણે દાવો કર્યો કે, આ ચારેય કેસોમાંથી TRP અગ્નિકાંડનો કેસ સૌથી પહેલા ટ્રાયલ તબક્કે પહોંચ્યો છે. આ કારણે પીડિત પરિવારોમાં ન્યાય પ્રત્યે આશા જીવંત રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: 119 કરોડના બેંક કૌભાંડમાં ત્રાટક્યું CBI! : અમદાવાદ સહિત 7 સ્થળોએ દરોડા, અનેક મહત્વના અને શંકાસ્પદ દસ્તાવેજો

સુરક્ષા વ્યવસ્થાને લઈને હજુ પ્રશ્નો યથાવત

TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી, ગેમ ઝોન અને કોમર્શિયલ મનોરંજન સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી હતી. અનેક જગ્યાએ નિયમોના ભંગ, ગેરકાયદેસર બાંધકામ અને ફાયર NOC વગર કામગીરી ચાલતી હોવાના ખુલાસા થયા હતા. તેમ છતાં, બે વર્ષ બાદ પણ સુરક્ષા ધોરણોના કડક અમલીકરણ અંગે પ્રશ્નો યથાવત છે.

પીડિત પરિવારો માટે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટ્રાયલ ક્યારે પૂર્ણ થશે અને જવાબદારો સામે અંતિમ સજા ક્યારે જાહેર થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now