રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક સોમવારે વહેલી સવારે શ્રદ્ધાળુઓ ભરેલી ખાનગી બસ પલટી જતાં બે મહિલાના ઘટનાસ્થળે મોત થયા છે. પ્રાથમિક અહેવાલો મુજબ મૃતક બંને એક જ પરિવારની સાસુ-વહુ હોવાનું જાણવા મળે છે, જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને પાંચ ગંભીર ઘાયલોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
ટ્રકને સાઇડ આપવા જતાં અકસ્માત
માહિતી અનુસાર, ગોંડલના ભોજરાજપરા વિસ્તારથી ખાનગી બસ નંબર GJ18U 9985 રવિવારે વહેલી સવારે બગદાણા, ઊંચા કોટડા, રાજપરા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળોના દર્શન માટે નીકળી હતી. દર્શન પૂર્ણ કરીને પરત ફરતી બસ સોમવારે આશરે સવારે 4:30 વાગ્યે વોરા કોટડાથી બાંદરા તરફના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી આવતા ટ્રકને જગ્યા આપવા બસને રિવર્સમાં લેતાં ચાલકે કાબૂ ગુમાવ્યો અને બસ રોડ કિનારે ખાડામાં પલટી ગઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
બસમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત કુલ 62 મુસાફરો સવાર હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે. અંધકાર અને અચાનક પલટી ગયેલી બસને કારણે મુસાફરોમાં અફરાતફરી મચી હતી. આસપાસના ગ્રામજનો અને સેવાભાવી યુવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા અને બસના કાચ તોડી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી.
આ પણ વાંચો: સુરત ક્રાઇમ બ્રાંચનો મોટો પર્દાફાશ : પુણે જ્વેલર્સ ચોરી કેસના માસ્ટરમાઇન્ડ સહિત બે ઝડપાયા
108 એમ્બ્યુલન્સથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસાયમ બાદ 108 એમ્બ્યુલન્સ, નગરપાલિકાની એમ્બ્યુલન્સ અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ઈજાગ્રસ્તોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ પાંચ લોકોને રાજકોટ રિફર કરાયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હાલમાં પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ, બસની સ્થિતિ, રસ્તાની પરિસ્થિતિ અને ડ્રાઇવરની ભૂમિકાની તપાસ કરી રહી છે.
આ ઘટના ફરી એકવાર સિંગલ પટ્ટી ગ્રામ્ય માર્ગો, વહેલી સવારના અંધકારમાં લાંબી મુસાફરી અને ખાનગી બસોની સલામતી વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ધાર્મિક પ્રવાસોમાં ખાસ કરીને રાત્રિ અથવા પરોઢિયે મુસાફરી કરતી વખતે વાહનચાલકની સતર્કતા, બસની ફિટનેસ, મુસાફરોની ક્ષમતા અને માર્ગ સુરક્ષા અત્યંત મહત્વની બની જાય છે.
આ પણ વાંચો: છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ વિવાદ : વિજયોત્સવમાં સાંસદ જશુભાઈ રાઠવા બંદૂક સાથે ઝૂમ્યા, વીડિયો વાયરલ થતાં ચકચાર
પરિવાર પર આભ તૂટી પડ્યું
પુરુષોત્તમ માસ જેવા ધાર્મિક અવસરે દર્શન માટે નીકળેલા પરિવારો માટે આ દુર્ઘટના આઘાતજનક બની છે. એક જ પરિવારની બે મહિલાના મોતથી ભોજરાજપરા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને કેટલાક મુસાફરોના નિવેદનો બાદ અકસ્માતની વધુ સ્પષ્ટ વિગતો સામે આવી શકે છે.
પોલીસ તરફથી સત્તાવાર નિવેદન, મૃતકના નામ અને ઈજાગ્રસ્તોની અંતિમ તબીબી સ્થિતિ જાહેર થયા બાદ આ ઘટનામાં વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.





