Home Gujarat Surat Surat Crime Branch Pune Jewelers Theft Gang Arrested

સુરત ક્રાઇમ બ્રાંચનો મોટો પર્દાફાશ : પુણે જ્વેલર્સ ચોરી કેસના માસ્ટરમાઇન્ડ સહિત બે ઝડપાયા

ચોરી કરતી ગેંગના સભ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 24, 2026, 11:50 AM IST

સુરત શહેર ક્રાઇમ બ્રાંચ અને અમરોલી પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલી જ્વેલર્સ દુકાનમાં લાખોની ચોરીના કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સહિત બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે મુખ્ય આરોપી સુમિત રાજુભાઈ બંગાળી માત્ર 22 વર્ષનો છે, છતાં તેના વિરુદ્ધ પહેલાથી જ 14 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ અનુસાર મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાંચ અને અમરોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ સુરતના અમરોલી વિસ્તારમાં છુપાયા છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે અમરોલી વેણીનાથ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી.

આ ઓપરેશન દરમિયાન પોલીસે મુખ્ય આરોપી સુમિત રાજુભાઈ બંગાળી અને તેના સાગરીત રાહુલ ઉર્ફે કાલુ બહાદુર ગૌડને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

પુણેની જ્વેલર્સ દુકાનને બનાવ્યું હતું નિશાન

તપાસમાં સામે આવ્યું છે કે ગત 23 એપ્રિલ, 2026ની મધરાતે પુણેના ચાકણ વિસ્તારમાં આવેલી “ક્ષમતા જ્વેલર્સ” નામની દુકાનને આ ગેંગે નિશાન બનાવી હતી. આરોપીઓએ પૂર્વ આયોજન સાથે જ્વેલર્સનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
પ.બંગાળમાં રોહિંગ્યા ઘુસણખોરો સામે સરકાર એક્શનમાં: 'હોલ્ડિંગ સેન્ટર' બનાવશે સરકાર

પોલીસ મુજબ સુમિત બંગાળી, રાહુલ ગૌડ, મુકેશ ઉર્ફે અજય સાલવી સહિત અન્ય સાગરીતો સાથે મળીને દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ચાકણ ઉત્તર પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. 77.22 લાખની ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો.

9.40 લાખનો મુદ્દામાલ કબજે

સુરત પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા દાગીના અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂ. 9,40,580નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને ગેંગના અન્ય ફરાર સભ્યોની શોધખોળ હાથ ધરાઈ છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ સુમિત રાજુભાઈ બંગાળી અને રાહુલ ઉર્ફે કાલુ બહાદુર ગૌડ તરીકે થઈ છે. બંને મજૂરી કામની આડમાં રહેતા હતા અને રાત્રિના સમયે રેકી કરીને મોટી ચોરીઓને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

22 વર્ષની ઉંમરે ગુનાખોરીનો લાંબો ઇતિહાસ

મુખ્ય આરોપી સુમિત બંગાળીનો ગુનાખોરીનો ઇતિહાસ પોલીસ માટે પણ ચોંકાવનારો રહ્યો છે. વર્ષ 2018થી લઈને અત્યાર સુધીમાં સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ઘરફોડ ચોરી, ચોરી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

અમરોલી પોલીસ સ્ટેશનમાં જ તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે સરથાણા, કતારગામ, વરાછા અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ તે ચોરીના કેસોમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2024 માં પણ નવા BNS કાયદા હેઠળ તેની સામે ગુનો નોંધાયો હતો.

બીજી તરફ તેનો સાગરીત રાહુલ ગૌડ પણ ચોરી અને જુગારના કેસોમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ બંને લાંબા સમયથી ગુનાખોરીમાં સક્રિય હતા.
UPSCમાં મોટો બદલાવ: હવે પ્રિલિમ્સ પછી તરત જ જાહેર થશે ઓફિશિયલ Answer Key

મહારાષ્ટ્ર પોલીસને સોંપાશે આરોપીઓ

સુરત પોલીસે આ કેસની જાણ મહારાષ્ટ્રના પુણે પોલીસને કરી દીધી છે. ટૂંક સમયમાં ટ્રાન્સફર વોરંટના આધારે બંને આરોપીઓને પુણે પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાશે.

પોલીસ અધિકારીઓનું માનવું છે કે વધુ પૂછપરછ દરમિયાન સુરત, પુણે તેમજ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં થયેલી અન્ય ચોરીઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે. હાલ આરોપીઓની મેડિકલ તપાસ અને કાયદાકીય કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now