Home Gujarat Kutch Aap Leader Sanjay Bapat Extortion Case

કચ્છમાં AAP નેતાની મુશ્કેલી વધી : સંજય બાપટ સહિત ત્રણની ખંડણી અને લૂંટના ગુનામાં ધરપકડ

કચ્છમાં ઝડપાયેલા આપ નેતા સહિત 3 આરોપી
Published by: Chintan Chavda
Last Updated: May 25, 2026, 07:15 AM IST

કચ્છમાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવનાર એક ગંભીર ઘટનામાં આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન પ્રમુખ સંજય બાપટ સહિત ત્રણ લોકો સામે ખંડણી, લૂંટ અને ધમકીના ગુનામાં કાર્યવાહી થતાં ભારે ચર્ચા જાગી છે. પ્રાગપર પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે, જ્યારે સમગ્ર મામલો હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

વેપારીની ફરિયાદમાં ગંભીર આક્ષેપ

મળતી માહિતી મુજબ આદિપુર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ અને પ્લાસ્ટિકના ખાલી ઓઈલ બેરલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી અબ્દુલા ગફૂર હાલેપોત્રાએ ફરિયાદ નોંધાવી છે કે મુંદરા નિવાસી સંજય બાપટ લાંબા સમયથી તેમના ધંધા પર દબાણ બનાવી રહ્યો હતો. વેપારીએ પોલીસને આપેલી માહિતી અનુસાર બાપટ દ્વારા ધંધો શાંતિથી ચલાવવો હોય તો રૂપિયા ચૂકવવાની માંગણી કરવામાં આવતી હતી. શરૂઆતમાં પરિચિત મારફતે સંપર્ક સાધવામાં આવ્યો હતો અને બાદમાં સીધા ફોન દ્વારા દબાણ વધારાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ : ટ્રાયલમાં હજુ પણ અવરોધોના આક્ષેપ, કેસ સૌથી પહેલા ટ્રાયલ તબક્કે પહોંચ્યો

ફરિયાદ અનુસાર સંજય બાપટે વેપારીને પોતાની ઓળખ અને પ્રભાવનો ઉપયોગ કરીને ધમકીભર્યા શબ્દોમાં પૈસાની માંગ કરી હતી. વેપારીએ રૂપિયા આપવાનો ઈન્કાર કરતાં તેને ધંધો બંધ કરાવી દેવાની ચેતવણી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. થોડા દિવસ બાદ બાપટે પોતાના બે સાગરીતોને વેપારીના ગુંદાલા નજીક આવેલા ધંધાના સ્થળે મોકલ્યા હોવાનો આક્ષેપ છે.

ઘટનાના દિવસે બે શખ્સો બુલેટ મોટરસાયકલ પર ધંધાના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. ફરિયાદ મુજબ એક કર્મચારીના ખિસ્સામાંથી રોકડ રકમ છીનવી લેવામાં આવી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વેપારી અને અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. એક આરોપી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે બીજા આરોપીને લોકોએ પકડી લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાંસીની સજા પામેલા ફરાર ગુનેગારને ઝડપી પાડ્યો : 1994 નો સનસનાટીભર્યો અરવિંદ શાહ હત્યા કેસ

પકડાયેલા વ્યક્તિ પાસેથી સંજય બાપટના નામે કામ કરવા મોકલવામાં આવ્યા હોવાની કબૂલાત લેવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવાયો હોવાનું કહેવાય છે. બાદમાં વેપારીએ આરોપીને પોલીસ હવાલે કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પ્રાગપર પોલીસે સંજય બાપટ, માણેક ગઢવી, હરિ ગઢવી અને આરીફ ખલીફા સામે લૂંટ, ખંડણી અને ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સંજય બાપટ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

વળતી ફરિયાદથી કેસમાં નવો વળાંક

જોકે મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરીફ ખલીફાએ પણ વળતી ફરિયાદ નોંધાવી. તેણે આરોપ મૂક્યો કે તેઓ ઓઈલ ચોરી સંબંધિત પ્રવૃત્તિ અંગે માહિતી એકત્ર કરવા અને વીડિયો રેકોર્ડિંગ કરવા ગયા હતા, ત્યારે વેપારી પક્ષના લોકોએ તેમને પકડીને માર માર્યો અને દબાણ હેઠળ ખોટી કબૂલાત કરાવતો વીડિયો બનાવ્યો હતો.

આ સમગ્ર ઘટનાએ રાજકીય માહોલમાં પણ ગરમાવો લાવ્યો છે. સંજય બાપટ અગાઉ પણ વિવાદોમાં ઘેરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકીય ક્ષેત્રે એવી ચર્ચા ઉઠી રહી છે કે સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ વચ્ચે આવા વિવાદાસ્પદ ચહેરાઓને કારણે પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. હાલમાં સમગ્ર મામલાની પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને બંને પક્ષોની ફરિયાદોને આધારે પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now