ગુજરાતમાં બાળકોના રક્ષણ માટે સરકાર દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાંથી એક છે, અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના. આ યોજના હેઠળ અનાથ બાળકોને વાર્ષિક 36,000 રૂપિયા તેમના ખાતામાં DBT મારફતે ચૂકવવામાં આવે છે. તો ચાલો આ યોજના વિશે અને તેનો લાભ લેવા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તે વિશે જાણીએ...
પાલક માતા-પિતા યોજના માટે પાત્રતા
ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો, માતા-પિતા બંને હયાત નથી તેવા બાળકો અને પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુનઃલગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધીઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે.
કેટલી સહાય મળે છે?
પાલક માતા-પિતા યોજના હેઠળ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે અરજી કરીને સહાયનો લાભ મેળવી શકો છે. આ યોજના હેઠળ અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- સહાય મળે છે.
અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી?
બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ
જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃલગ્ન કર્યા હોય એવા કિસ્સામાં માતાનું પુનઃલગ્ન કર્યા અંગેનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર કે સોગંદનામું કે તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ જરૂરી છે.
માતાએ પુનઃલગ્ન કરેલાનો પુરાવો
ગ્રામીણ વિસ્તાર માટે 27,000 થી વધુ અને શહેરી વિસ્તાર માટે 36,000 થી વધુની આવકના દાખલાની નકલ
બાળક શિષ્યવૃત્તિનું બેંક એકાઉન્ટની પાસબુક
બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
બાળકના આધારકાર્ડની નકલ
પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
મહત્વનું છે કે, દર મહિને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના અધ્યક્ષ સ્થાને SFCAC કમિટીમાં આવેલ અરજીઓ મંજુર કરવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી સહાય મળે છે. સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટી મારફતે આ યોજનાની સહાય મંજુર કરવાની કાર્યવાહી થાય છે. પાલક માતા-પિતા યોજનાની અરજી https://esamajkalyan.gujarat.gov.in પર કરવી. અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે ફોર્મ ભરીને કરી શકાશે.




















