Ahmedabad News: આગામી 26 તારીખે સમગ્ર ગુજરાતમાં જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગ્રામીણ મતદારોને રિઝવવા માટે કોંગ્રેસનું 'ગ્રામ્ય ગુજરાત વિઝન' જાહેર કરવામાં આવ્યું છે. આ વિઝન દસ્તાવેજમાં ગામડાઓના તૂટતા માળખાને બચાવવા અને પંચાયતી રાજની સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
પંચાયતી રાજની પડતી અને સત્તાનું વિકેન્દ્રીકરણ
અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વ. બળવંતરાય મહેતાએ પંચાયતી રાજનું જે આદર્શ મોડેલ આપ્યું હતું, તેને ભાજપની કેન્દ્રીય નીતિઓએ નબળું પાડ્યું છે. ભાજપના શાસનમાં પંચાયતી રાજની વ્યવસ્થામાં ગુજરાત ૧૮માં ક્રમે ધકેલાઈ ગયું છે. અત્યારે પંચાયતોમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર અધિકારીઓ હાવી છે. ચૂંટાયેલા સભ્યોને સસ્પેન્ડ કરવાની સત્તા અધિકારીઓ પાસે હોવાથી લોકશાહીનું હનન થઈ રહ્યું છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ કરશે અને પંચાયતોમાં અધિકારી રાજ ખતમ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓને માન-સન્માન આપશે.
આ પણ વાંચો: ગુજરાતમાં રાજનીતિનું સ્તર કથળ્યું? : હર્ષ સંઘવીના 'ચૌદશ'વાળા નિવેદન પર અમિત ચાવડાનો પલટવાર
ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ
ગામડાઓમાં વધી રહેલા ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતા કોંગ્રેસે નીચે મુજબના સુધારાની ખાતરી આપી છે. ભ્રષ્ટાચાર જે અત્યારે 'શિષ્ટાચાર' બની ગયો છે તેની સામે લડવા માટે ખાસ વિજિલન્સ ટીમ બનાવવામાં આવશે. ગુજરાતના 18000 ગામડાઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા વીસીઈ કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતોમાં ગ્રાન્ટ ફાળવણીમાં થતા રાજકીય ભેદભાવને દૂર કરી તમામ પંચાયતોને ન્યાયી રીતે ભંડોળ આપવામાં આવશે.
મહિલા સશક્તિકરણ અને જમીનના હકો
કોંગ્રેસે તેના વિઝનમાં મહિલાઓ અને ગામની મિલકતોના રક્ષણની વાત કરી છે. રાજીવ ગાંધીએ મહિલા અનામતની શરૂઆત કરી હતી, તેને આગળ વધારી મહિલા સશક્તિકરણ માટે વિશેષ પગલાં લેવાશે. સરકારી કે ગૌચર જમીન અંગેના નિર્ણયો હવે ગાંધીનગરથી નહીં, પણ ગ્રામસભામાં લેવામાં આવશે. ગામના લોકો જે ઈચ્છશે તે મુજબ જ વિકાસ થશે.
ગ્રામીણ સુવિધાઓ અને આવાસ
ગામડાના લોકોને સામાન્ય કામ માટે તાલુકા કે જિલ્લામાં દોડવું ન પડે તે માટે. દરેક ગામમાં આધુનિક સુવિધાવાળા કેન્દ્રો બનાવાશે જેથી ખાનગી એજન્સીઓની ઉઘાડી લૂંટ બંધ થાય. ગ્રામ પંચાયતના સભ્યોને કામ અર્થે તાલુકા મથકે જવા માટે બજેટમાંથી ટ્રાવેલિંગ ખર્ચ આપવામાં આવશે. પ્લોટ વિહોણા ગ્રામીણ પરિવારોને રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવશે. આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ માટે જ્યાં ગ્રાન્ટની અછત હોય, ત્યાં દરેક તાલુકા માટે એક અલગ 'ઇમરજન્સી ફંડ' ઊભું કરાશે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું લક્ષ્ય છે કે ગામડાનો વિકાસ ગામડાના લોકો નક્કી કરે. અમે સત્તા ભોગવવા માટે નહીં, પણ પંચાયતી રાજને ફરીથી ધબકતું કરવા માટે આ વિઝન લાવ્યા છીએ.





