તમને તો ખબર જ હશે કે વર્તમાન સમયમાં વધતી મોંઘવારીને કારણે ઘર બનાવવું કેટલું અઘરું છે. કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિને સારું ઘર બનાવવું એ તો ફક્ત સપના સમાન જ લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે ઘર બનાવવા માટે કેન્દ્ર સરકાર આર્થિક સહાય આપી રહી છે. હા... તમે સાચું વાંચ્યું, 'સૌના માટે આવાસ' યોજના હેઠળ દેશના નાગરિકોને મકાનના બાંધકામ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. તો ચાલો આ યોજના વિશે વિગતે જાણીએ...
કેન્દ્ર સરકાર દ્વારા “સૌના માટે આવાસ” મિશન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ દેશના દરેક પરિવારમાં પોતાનું પક્કું ઘર હોવાનો છે. આ યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને નવા મકાન બાંધવા માટે સરકાર ₹350000 ની સહાય આપે છે.
યોજનાના નિયમ મુજબ લાભાર્થી તરીકે પતિ, પત્ની અને અપરણિત બાળકોને મળીને એક પરિવાર ગણવામાં આવે છે. આવક મર્યાદા તરીકે 3.3 લાખ રૂપિયા સુધીની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ સહાય મળવાપાત્ર છે. અરજદાર પાસે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે.
લાભાર્થી પોતાની માલિકીની જમીન પર 30 ચોરસ મીટર સુધીનું નવું પક્કું મકાન બાંધી શકે છે. ઘર પરિવારની મુખ્ય સ્ત્રીના નામે અથવા પતિ-પત્નીના સંયુક્ત નામે બનાવવાનું રહેશે. મકાનનું બાંધકામ સ્થાનિક નિયમો મુજબ અને મજબૂત રીતે કરવું ફરજિયાત છે.
આ યોજના માટે અરજદાર પાસે પોતાની જમીન હોવી જરૂરી છે અને કુટુંબના કોઈ સભ્ય પાસે ભારતમાં ક્યાંય પણ પક્કું મકાન ન હોવું જોઈએ. ઉપરાંત અરજદારે અગાઉ કોઈ અન્ય આવાસ યોજના હેઠળ સહાય મેળવી ન હોવી જોઈએ.
અરજી કરવા માટે અરજદારે જમીનના માલિકીના પુરાવા, આવકનો દાખલો, નોટરાઈઝ્ડ સોગંદનામું, આધાર કાર્ડ, મતદાન કાર્ડ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝ ફોટો જેવા દસ્તાવેજો આપવા જરૂરી રહેશે.
આ યોજના માટે મહાનગર પાલિકા વિસ્તારના લોકો પોતાની મહાનગર પાલિકાની સ્લમ અપગ્રેડેશન કચેરીમાં, નગરપાલિકા વિસ્તારના લોકો પોતાની નગરપાલિકા અથવા જિલ્લા પંચાયત કચેરીમાં, જ્યારે ગામના લોકો ગ્રામ પંચાયત કચેરીમાં સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmaymis.gov.in/ પર મુલાકાત લઈ શકાય છે.




















