બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ માટે પ્રચાર કરી રહેલા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય ધનંજય કન્નૌજિયાને બિહાર પોલીસે બિયર સાથે ઝડપી પાડ્યા છે. તેમના ડ્રાઇવર દિલીપ સિંહને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી શુક્રવારે સાંજે પશ્ચિમ ચંપારણ જિલ્લાના મંગલપુર ડેમ નજીક બારિયારપુર ચેકપોસ્ટ પર વાહન તપાસ દરમિયાન કરવામાં આવી હતી.
ચૂંટણી અને તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને બિહાર પોલીસ અને સશસ્ત્ર સીમા બળ (SSB) હાઇ એલર્ટ પર છે. મેજિસ્ટ્રેટ વિકાસ કુમારની હાજરીમાં ગોપાલગંજ તરફથી આવતી કાળા રંગની KIA Seltos કાર (UP60BF7153) ને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારના ટ્રંકમાંથી 500 મિલી બડવાઇઝર બિયરના ત્રણ કેન મળ્યા હતા. પૂછપરછ દરમિયાન ધનંજય કન્નૌજિયા અને તેમના ડ્રાઇવર બિયર અંગે કોઈ માન્ય દસ્તાવેજ કે સમજૂતી રજૂ કરી શક્યા ન હતા.
ધનંજય કન્નૌજિયા 2017થી 2022 દરમિયાન ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના બેલ્થરા રોડ મતવિસ્તારથી ભાજપના ધારાસભ્ય તરીકે રહ્યા હતા. તેમની ધરપકડ પછી તપાસ ટીમ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર કાર્યવાહીનું વિડીયોગ્રાફી કરવામાં આવ્યું હતું. પોલીસએ વાહન અને બિયર જપ્ત કરીને બંને આરોપીઓને નૌતન પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા.
નૌતન પોલીસ સ્ટેશનમાં કેસ નંબર 519/25 હેઠળ બંને સામે ગુનો નોંધાયો છે. બંનેને કોર્ટમાં હાજર કર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલવામાં આવ્યા છે.
બિહારમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પશ્ચિમ ચંપારણના અધિકારીઓએ જણાવ્યું કે કાયદા આગળ કોઈ પણ વ્યક્તિ સમાન છે અને ચૂંટણી દરમિયાન દારૂ, રોકડ કે પ્રતિબંધિત સામાનના પરિવહન સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે.




















