અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના ભૂતપૂર્વ અધિકારી જોન કિરિયાકોઉએ પાકિસ્તાનને લઈને એક ગંભીર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 2002માં જ્યારે તેઓ પાકિસ્તાનમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને અનૌપચારિક રીતે જણાવવામાં આવ્યું હતું કે પેન્ટાગોન પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગાર પર વાસ્તવિક નિયંત્રણ ધરાવે છે. કિરિયાકોઉના જણાવ્યા મુજબ, તે સમયના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફએ આ શસ્ત્રોનું નિયંત્રણ યુનાઇટેડ સ્ટેટ્સને સોંપ્યું હતું, કારણ કે તેમને ભય હતો કે આ હથિયાર આતંકવાદીઓના હાથમાં ન પડી જાય.
જોન કિરિયાકોઉએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનની રાજકીય અને પ્રશાસનિક વ્યવસ્થામાં એટલો ભ્રષ્ટાચાર હતો કે સામાન્ય નાગરિકો ગરીબીમાં જીવતા હતા, જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો વિદેશમાં વૈભવી જીવન જીવી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે અમેરિકાએ મુશર્રફની સરકારને કરોડો ડોલરની સહાય આપી, જેનો હેતુ પાકિસ્તાનના સમર્થનને “ખરીદવાનો” હતો.
15 વર્ષ સુધી CIAમાં સેવાઓ આપનાર કિરિયાકોઉએ જણાવ્યું કે તે સમય દરમિયાન અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત નજીક હતા. તેમના અનુસાર, “અમેરિકા હંમેશાં એવા નેતાઓ સાથે કામ કરવાનું પસંદ કરે છે, જેઓ જાહેર દબાણથી મુક્ત હોય. મુશર્રફ એ જ પ્રકારના નેતા હતા. તેમણે અમેરિકા જે ઈચ્છતું હતું તે બધું કરવાની મંજૂરી આપી.”
કિરિયાકોઉએ દાવો કર્યો કે અમેરિકા તરફથી પાકિસ્તાનને લશ્કરી અને આર્થિક સહાયના કરોડો ડોલર આપવામાં આવ્યા હતા. “અમે અઠવાડિયામાં અનેક વખત મુશર્રફ સાથે બેઠક કરતાં હતાં અને તેમણે અમારા મોટાભાગના નિર્ણયોને મંજૂરી આપી હતી,” તેમ કિરિયાકોઉએ જણાવ્યું. તેમ છતાં, મુશર્રફે પોતાના સૈન્યને ખુશ રાખવા માટે આતંકવાદ વિરોધી કામગીરીમાં સહયોગ આપવાનું નાટક કર્યું, જ્યારે હકીકતમાં ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને મંજૂરી આપતા રહ્યા.
કિરિયાકોઉએ વધુમાં કહ્યું કે 2002માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી. 2001માં ભારતીય સંસદ પર થયેલા હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ ઉગ્ર બન્યો હતો. તેમણે જણાવ્યું કે તે સમયે પાકિસ્તાનની અંદર ચાલી રહેલા રાજકીય વિવાદો રસ્તાઓ પર ફાટી નીકળે તેવી શક્યતા હતી. “પાકિસ્તાની સમાજમાં આંતરિક ઉશ્કેરણી ઝડપથી ફેલાય છે, જેના કારણે વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા, રાજકીય નેતાઓ પર હુમલા અને હત્યાઓ સામાન્ય બાબત બની જાય છે,” તેમ તેમણે ચેતવણી આપી.
અલ જઝીરાના અહેવાલ મુજબ, મુશર્રફની આત્મકથા “In The Line of Fire” માં પણ આ સમયગાળાની કેટલીક વિગતોનો ઉલ્લેખ છે. તેમાં મુશર્રફે સ્પષ્ટ કર્યું છે કે કેવી રીતે તેમણે તાલિબાનને ટેકો આપવાનો નિર્ણય બદલીને અમેરિકાની તરફેણમાં વલણ અપનાવ્યું. તેમની આત્મકથામાં લખ્યું છે કે એક સમયે તેમણે અમેરિકા સામે લડવાનું પણ વિચાર્યું હતું, પરંતુ પછી પાકિસ્તાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તે વિચાર છોડી દીધો.




















