છઠ પૂજાના પવિત્ર તહેવાર નિમિત્તે બિહાર જતી તમામ ફ્લાઇટ્સ ભરાઈ ગઈ છે, જ્યારે ભાડામાં 50થી 60 ટકાનો વધારો થયો છે. આમ છતાં, લાખો બિહારી સ્થળાંતર કરનારાઓ પોતાની શ્રદ્ધાને પ્રાથમિકતા આપીને ગામડે પરત ફરી રહ્યા છે. ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાંબું થઈ ગયું છે, અને બસ ઓપરેટરો પણ મોંઘા ભાડા વસૂલી રહ્યા છે.
બુકિંગમાં ભાડું વધુ મોંઘું
ટ્રાવેલ પોર્ટલના ડેટા મુજબ, દિલ્હી-પટના એકતરફી ફ્લાઇટ ભાડું, જે સામાન્ય રીતે ₹4,000-₹6,000 હોય છે, તે 25થી 27 ઓક્ટોબર દરમિયાન ₹8,000-₹10,000 થઈ ગયું છે. દિલ્હી-દરભંગા રૂટ પર ભાડું ₹13,000 અને દિલ્હી-ગયા રૂટ પર ₹12,000 સુધી પહોંચ્યું છે. છેલ્લી ઘડીના બુકિંગમાં ભાડું વધુ મોંઘું થઈ રહ્યું છે.દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા મહાનગરોમાંથી બિહારી પ્રવાસીઓ છઠની ઉજવણી માટે ગામડે પરત ફરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે તહેવારોની મોસમમાં માંગ અને પુરવઠાનું અસંતુલન ભાડામાં વધારાનું કારણ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ અને એર ઇન્ડિયા જેવી એરલાઇન્સે વધારાની ફ્લાઇટ્સ ઉમેરી હોવા છતાં, ભાડામાં ઘટાડો થયો નથી.
બુકિંગમાં 200% વધારો
બસ ભાડામાં પણ ઉછાળો ટ્રાવેલ પોર્ટલના આંકડા દર્શાવે છે કે ગયા અઠવાડિયે બુકિંગમાં 200%નો વધારો થયો છે. દિલ્હીમાં રહેતા પટનાના એક વ્યકિતએ જણાવ્યું કે ગયા વર્ષે ₹5,500માં મળેલી ટિકિટ આ વર્ષે ₹9,800માં ખરીદવી પડી. બસ ભાડામાં પણ વધારો થયો છે; દિલ્હી-દરભંગા નોન-એસી બસનું ભાડું ₹1,000-₹1,500થી વધીને ₹2,599-₹4,999 થઈ ગયું છે.
ભાડા નિયંત્રણની માંગ
ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશને સરકારને ભાડા નિયંત્રણની માંગ કરી છે. રેલ્વેએ ખાસ ટ્રેનો શરૂ કરી હોવા છતાં, પટના જતી ટ્રેનો ભરાઈ ગઈ છે, અને વેઇટિંગ લિસ્ટ હજારોમાં છે. નિષ્ણાતો સૂચવે છે કે મુસાફરોએ મહિનાઓ અગાઉ બુકિંગ કરાવવું જોઈએ. લખનૌ કે વારાણસીથી કનેક્ટિંગ ફ્લાઇટ્સ કે બસો સસ્તી હોઈ શકે છે, પરંતુ છેલ્લી ઘડીની યોજના બનાવનારાઓ માટે આ મુશ્કેલ છે.




















