દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ તાજેતરના એક આંતરરાષ્ટ્રીય અભ્યાસે ચોંકાવનારી હકીકત બહાર પાડી છે. યુરોપિયન જીઓસાયન્સ યુનિયન (EGU) દ્વારા પ્રકાશિત થયેલા નવા અભ્યાસ મુજબ દિલ્હીની હવા ગુણવત્તામાં થયેલો સુધારો સરકારની નીતિઓનું પરિણામ નથી, પરંતુ હવામાનની પરિસ્થિતિઓ પર આધારિત છે.
અહેવાલ મુજબ, પવનની ઝડપ અને વરસાદના કારણે કણો અને ધુમાડો સમયસર વિખેરાઈ જાય છે, જેના કારણે હવા થોડા દિવસો માટે શુદ્ધ દેખાય છે. જોકે, હવામાન સામાન્ય થતાની સાથે જ પ્રદૂષણનું સ્તર ફરી વધી જાય છે. એટલે કે દિલ્હીની હવા ગુણવત્તા હવામાનની કૃપા પર ટકી છે, નીતિગત સુધારાઓ પર નહીં.
પાંચ વર્ષના ડેટા પર આધારિત વિશ્લેષણ
અભ્યાસમાં 2019થી 2024 સુધીના હવા ગુણવત્તા સૂચકાંક (AQI) અને હવામાનના ડેટાનું તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ તાપમાન, ભેજ, વરસાદ અને પવનની ગતિ જેવા પરિબળોને અલગ કર્યા બાદ પણ જોયું કે પ્રદૂષણમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી.
શિયાળામાં PM 2.5 નો સ્તર પ્રતિ ઘન મીટર 140 થી 145 માઇક્રોગ્રામ વચ્ચે રહ્યો, જ્યારે PM 10 નો સરેરાશ સ્તર 270 માઇક્રોગ્રામ રહ્યો. આ આંકડા પાંચ વર્ષ પહેલા જેટલા જ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર સલામત મર્યાદા માત્ર 15 માઇક્રોગ્રામ છે, જેની સામે દિલ્હીની હવામાં પ્રદૂષણ હજુ પણ જોખમી સ્તરે છે.
વરસાદ અને પવન પછી હવા સ્વચ્છ લાગે છે
અભ્યાસમાં જણાવાયું છે કે ચોમાસા દરમિયાન તીવ્ર પવન અને વરસાદ ધૂળકણોને ધોઈ નાખે છે, જેના કારણે હવા તાત્કાલિક શુદ્ધ બને છે. આ દરમિયાન PM 2.5 નું પ્રમાણ ઘટીને પ્રતિ ઘન મીટર 60-70 માઇક્રોગ્રામ સુધી પહોંચી જાય છે. જોકે, આ અસર લાંબી નથી રહેતી. પવનની ગતિ ઓછી થતાં જ કણો ફરી હવામાં ભળીને ધુમ્મસ સર્જે છે.
નીતિગત પ્રયાસો છતાં વાસ્તવિક સુધારો ન નોંધાયો
દિલ્હી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પહેલો હાથ ધર્યો છે — જેમ કે Graded Response Action Plan (GRAP), બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, પાણીનો છંટકાવ અને જૂના વાહનો પર નિયંત્રણ. છતાં, હવામાન સ્વચ્છ દેખાય ત્યારે જ પ્રદૂષણ ઘટે છે, જે દર્શાવે છે કે મૂળ ઉત્સર્જન સ્ત્રોતો હજુ યથાવત છે.
2020 ના લોકડાઉન દરમિયાન વાહન અને ઔદ્યોગિક પ્રવૃત્તિ બંધ થતાં હવા થોડા અઠવાડિયાં માટે શુદ્ધ થઈ ગઈ હતી, પરંતુ એક વર્ષ પછી ફરી જૂના સ્તરે પરત આવી. આ પરથી સ્પષ્ટ થાય છે કે ટકાઉ સુધારો ત્યારે જ શક્ય છે જ્યારે નીતિઓ હવામાન પર નહીં પરંતુ પ્રદૂષણના વાસ્તવિક સ્ત્રોતો પર કેન્દ્રિત થાય.




















