2024ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા ભાષણ બદલ તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભાજપને ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું કે કોર્ટને રાજકારણનો અખાડો બનાવવો યોગ્ય નથી. જો તમે નેતા છો, તો તમારી પાસે જાડી ચામડી પણ હોવી જોઈએ. સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચે સુપ્રીમ કોર્ટના જ આદેશને પડકારતી અરજી ફગાવી દીધી. સીજેઆઈ બીઆર ગવઈ, જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ અતુલ એસ ચાંદુરકરની બેન્ચે કહ્યું કે તે આ મામલે હસ્તક્ષેપ કરવા તૈયાર નથી. બેન્ચે કહ્યું, 'અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ કોર્ટનો ઉપયોગ રાજકીય લડાઈ માટે ન કરો. અરજી ફગાવી દેવામાં આવે છે. જો તમે નેતા છો, તો તમારી પાસે જાડી ચામડી હોવી જોઈએ.'
2024માં ફરિયાદ નોંઘાવી હતી
તેલંગાણા હાઈકોર્ટે 1 ઓગસ્ટના રોજ હૈદરાબાદની ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ કેસની સુનાવણી રદ કરવાની માંગ કરતી રેડ્ડીની અરજી પર સુનાવણી કરી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના તેલંગાણા એકમના મહાસચિવે મે 2024માં રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પાર્ટી વિરુદ્ધ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રેડ્ડીએ તેલંગાણા કોંગ્રેસ સાથે મળીને એક ખોટી અને શંકાસ્પદ રાજકીય કહાની રચી હતી કે, જો ભાજપ સત્તામાં આવશે તો તે અનામત નાબૂદ કરશે.
ફરિયાદીએ શું દાવો
ફરિયાદીએ દાવો કર્યો હતો કે કથિત બદનક્ષીભર્યા ભાષણથી રાજકીય પક્ષ તરીકે ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, એક ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે રેડ્ડી વિરુદ્ધ તત્કાલીન ભારતીય દંડ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 125 હેઠળ કથિત બદનક્ષીના ગુનાઓ માટે પ્રથમદર્શી કેસ બનાવવામાં આવ્યો હતો.