મધ્યપ્રદેશની એક કોર્ટમાં એક મહિલા હથિયાર સાથે પહોંચી ત્યારે અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તેને માંડમાંડ કાબૂમાં લીધી હતી. મહિલાએ કહ્યું કે 'તેને જેલમાં જવું છે, તેથી તે જાણી જોઈને હથિયાર લઈને આવી છે'.
હથિયાર સાથે મહિલા કોર્ટ પહોંચી
સોમવારે મધ્યપ્રદેશના મુરેના જિલ્લા કોર્ટ પરિસરમાં એક મહિલા ગેરકાયદેસર હથિયાર સાથે પહોંચી ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ. જ્યારે મહિલાએ હાથ ઉંચો કરીને હવામાં હથિયાર લહેરાવ્યું, ત્યારે ત્યાંના વકીલો અને સામાન્ય લોકોમાં અફરાતફરી મચી ગઈ. પોલીસે સતર્કતા દાખવી અને મહિલાને પકડી લીધી અને હથિયાર જપ્ત કરી લીધું.
'મારે જેલમાં જવું છે'
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મહિલાનું નામ રેખા રાઠોડ છે. તે એક કેસની તારીખે તેના પતિ સાથે જિલ્લા કોર્ટમાં આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ ચોંકાવનારું નિવેદન આપ્યું. તેણીએ કહ્યું કે, મને મારા પતિ દ્વારા હેરાન કરવામાં આવે છે અને જાણી જોઈને ગેરકાયદેસર હથિયાર લઈને આવી છું કારણ કે મારે જેલમાં જવું છે.
'મારો પતિ મને હેરાન કરી રહ્યો છે'
મહિલાના આ નિવેદનથી પોલીસ અને કોર્ટ પરિસરમાં હાજર લોકોને આશ્ચર્ય થયું. જ્યારે પોલીસે મહિલા સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે મારો પતિ મને હેરાન કરી રહ્યો છે. હું આ અંગે સતત કોર્ટમાં તારીખો પર આવી રહી છું, પરંતુ મને ન્યાય મળી રહ્યો નથી. હું કોર્ટમાં જઈને કંટાળી ગઈ છું, તેથી હું જેલમાં જવા માંગુ છું.
પોલીસે મહિલાને છોડી દીધી!
પોલીસ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને બાદમાં તેના પરિવારના સભ્યોને બોલાવ્યા. ત્યારબાદ પોલીસે તેના પતિને ફોન કર્યો, પરંતુ તે પોલીસ સ્ટેશન આવ્યો નહીં. હાલમાં પોલીસે મહિલાને છોડી દીધી છે. પોલીસે મંગળવારે જાહેર સુનાવણી દરમિયાન મહિલા અને તેના પતિ બંનેને બોલાવ્યા છે.