આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ભોપાલ અને દિલ્હીમાં ધાડ પાડીને ISIS (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા) સાથે જોડાયેલા બે શખ્સોને કાબૂમાં લીધા છે. તપાસ મુજબ, બંને આતંકી દિલ્હી શહેરના ભીડવાળા વિસ્તારોમાં IED વિસ્ફોટ કરવાની યોજના ઘડી રહ્યા હતા.
બંને આરોપી ‘અદનાન’ તરીકે ઓળખાય, આત્મઘાતી હુમલાની તૈયારીમાં હતા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બંને આરોપીઓનું નામ અદનાન છે અને બંનેને આત્મઘાતી હુમલાની તાલીમ આપવામાં આવી રહી હતી. પોલીસે તેમના કબજામાંથી સંશયાસ્પદ સામગ્રી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. હાલ બંનેને અલગ-અલગ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ નેટવર્ક એવી જગ્યાઓ શોધી રહ્યું હતું જ્યાં જમીન ખરીદી સંગઠનનું આધાર કેન્દ્ર ઊભું કરી શકાય. આ ઉપરાંત તેઓ નાણાં એકત્રિત કરીને હથિયારો બનાવવાની તૈયારીમાં પણ હતા.
ભોપાલમાંથી ધરપકડ દરમિયાન ઉગ્રવાદી સાહિત્ય અને ટેકનિકલ સાધનો જપ્ત
દિલ્હી પોલીસની ટીમે 18 ઓક્ટોબરના રોજ ભોપાલના નિશાતપુરા વિસ્તારમાં આવેલ ઘર નંબર A-46, ઇન્ડસ રિજન્સીમાંથી એક અદનાનને કાબૂમાં લીધો હતો. તેની પાસે ધાર્મિક ઉગ્રવાદ સંબંધિત પુસ્તકો, દસ્તાવેજો અને લેપટોપ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે અદનાને “ખિલજી” નામથી ખોટી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બનાવી હતી, જેના માધ્યમથી તે અન્ય કટ્ટરપંથી વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહેતો હતો.
જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને ધમકી આપનાર જ અદનાન
ભોપાલમાં ઝડપાયેલા અદનાન ઉર્ફે અબુ (ઉંમર 20)ને દિલ્હી પોલીસને અન્ય આરોપી અદનાન ઉર્ફે મુહરિદ પાસેથી મળેલી માહિતીના આધારે પકડ્યો હતો. આ જ અદનાનને ઉત્તર પ્રદેશ ATSએ 2024માં જ્ઞાનવાપી કેસની સુનાવણી કરતા ન્યાયાધીશને ધમકી આપવાના આરોપમાં ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને જામીન પર મુક્ત કરાયો હતો. તે હાલ ભોપાલમાં રહી CA પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
ISIS પ્રચાર માટે વોટ્સએપ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ
પોલીસની માહિતી મુજબ, અદનાન ISIS સમર્થક વોટ્સએપ ગ્રુપમાં સક્રિય હતો અને સોશિયલ મીડિયા મારફતે યુવાનોને કટ્ટર વિચારધારામાં ખેંચવાનો પ્રયાસ કરતો હતો. તેના ઘરમાંથી વિવિધ ગેજેટ્સ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે.
સ્થાનિક લોકો કહે છે કે અદનાન છેલ્લા છ વર્ષથી તેના પરિવાર સાથે ત્યાં રહેતો હતો. તેના પિતા ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ છે અને માતા થિયેટર કલાકાર છે. પાડોશીઓનું કહેવું છે કે તે હંમેશા શાંત અને અભ્યાસુ રહ્યો હતો અને તાજેતરમાં CAની તૈયારી કરી રહ્યો હતો.
ભોપાલ પોલીસ, NIA અને દિલ્હી પોલીસ વચ્ચે સહકાર
દિલ્હી પોલીસ અને NIAની સંયુક્ત ટીમ ભોપાલમાં પહોંચી તે પહેલા ભોપાલ પોલીસને માહિતી આપી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે પણ તપાસ શરૂ કરી અને ધરપકડ કરાયેલા શખ્સના સંપર્કોને શોધવાનું શરૂ કર્યું. નોંધનીય છે કે ભૂતકાળમાં ભોપાલમાંથી PFI, HuT અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
સપ્ટેમ્બરમાં પણ ખુલ્યો હતો મોટો ISIS નેટવર્ક
સપ્ટેમ્બર 2025માં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અલગ-અલગ રાજ્યોમાંથી પાંચ શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. તેમની ઓળખ ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને મધ્યપ્રદેશના રહેવાસી તરીકે થઈ હતી.
તપાસમાં ખુલ્યું હતું કે આ નેટવર્કનો મુખ્ય સુત્રધાર અશર દાનિશ હતો, જે પોતાને “ગઝવા લીડર” અને “CEO” કહેતો હતો. બાકીના સભ્યો આતંકવાદી લક્ષ્યો નક્કી કરવાના, હથિયાર બનાવવાના અને સોશિયલ મીડિયા મારફતે યુવાનોને કટ્ટર વિચારધારામાં ખેંચવાના જવાબદાર હતા.
પોલીસનું નિવેદન
દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “આ ધરપકડો એ સૂચવે છે કે ISIS ભારતમાં ફરીથી પોતાના નેટવર્કને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલ બંને શંકાસ્પદો પાસેથી મળેલી માહિતીના આધારે અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.”





















