CSK vs DC : ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જ્યારે દિલ્હી કેપિટલ્સ લક્ષ્યનો પીછો કરી રહી હતી, ત્યારે મેદાન પર અચાનક ગરમાગરમી જોવા મળી. દિલ્હીના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે રમતની મહત્વની ક્ષણે પોતાના ગ્લોવ્સ બદલવાની માંગ કરી હતી. જોકે, ચોથા અમ્પાયરે આ વિનંતી ફગાવી દીધી હતી. આ નિર્ણયથી દિલ્હીનો કેમ્પ નારાજ થયો અને ડગઆઉટમાં રહેલા કોચ હેમાંગ બદાણી, નીતિશ રાણા અને કરુણ નાયર અમ્પાયર સાથે દલીલ કરતાં જોવા મળ્યા હતા.
ગ્લોવ્સ બદલવાનો ઇનકાર અને હાર
જ્યારે આ વિવાદ થયો ત્યારે દિલ્હીને જીતવા માટે 10 બોલમાં 29 રનની જરૂર હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે ગ્લોવ્સ બદલવા માટે વિનંતી કરી પણ તેને મંજૂરી ન મળી. નવાઈની વાત એ છે કે, આ ઘટનાના તરત જ પછીના બોલ પર સ્ટબ્સ આઉટ થઈ ગયો. ટ્રિસ્ટન સ્ટબસે 38 બોલમાં 60 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તેના આઉટ થતાં જ દિલ્હીની જીતની આશા ધૂંધળી થઈ ગઈ. દિલ્હી 213 રનના ટાર્ગેટ સામે માત્ર 183 રન જ બનાવી શક્યું.
CSK ની રણનીતિ અને જીત
આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. ચેન્નાઈએ આપેલા 213 રનના મોટા લક્ષ્ય સામે દિલ્હીએ કે. એલ રાહુલ અને પથુમ નિસાન્કાની મદદથી 5 ઓવરમાં 61 રન બનાવીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ મિડલ ઓવરોમાં ચેન્નાઈના બોલરો ઓવરટન, ખલીલ અને કંબોજે ધારદાર બોલિંગ કરી. લાલ માટીની પીચ પર મળતા ઉછાળાનો ફાયદો ઉઠાવીને ચેન્નાઈએ દિલ્હીના બેટ્સમેનોને રન કરતાં રોકી રાખ્યા હતા.
આ પણ ખાસ વાંચો : ડગઆઉટમાં ફોન વાપરતા ઝડપાયા RR ના મેનેજર! : મોબાઇલ ઉપયોગથી રાજસ્થાનની ટીમ પર BCCI લેશે એક્શન?
ફાફ ડુ પ્લેસિસનો ખુલાસો
પૂર્વ CSK ખેલાડી ફાફ ડુ પ્લેસિસે આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, દિલ્હી કેપિટલ્સનો કેમ્પ એટલે ગુસ્સે હતો કારણ કે, સ્ટબ્સને સમયસર ગ્લોવ્સ બદલવા દેવામાં આવ્યા નહોતા. આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે અને ક્રિકેટ ફેન્સ અમ્પાયરના નિર્ણય પર સવાલો ઉઠાવી રહ્યા છે.





