Rajasthan Royals : IPL 2026 માં મેદાન પર તો રાજસ્થાન રોયલ્સ (RR) શાનદાર પરફોર્મન્સ કરી રહી છે, પરંતુ હવે મેદાનની બહાર એક વિવાદે ટીમની મુશ્કેલી વધારી દીધી છે. સતત ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં આગળ વધી રહેલી આ ટીમ હવે BCCI ના નિયમોના ભંગ બદલ તપાસના ઘેરામાં આવી શકે તેમ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થતાં સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
ડગઆઉટમાં મોબાઈલ વાપરતા ઝડપાયા મેનેજર
10 એપ્રિલના રોજ ગુવાહાટીમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં બેસીને મોબાઈલ ફોન વાપરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમની બાજુમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ બેઠેલો જોવા મળે છે. આ ઘટના ત્યારે બની જ્યારે વૈભવ આઉટ થઈને ડગઆઉટમાં પરત ફર્યો હતો.
શું છે BCCI ના કડક નિયમો?
IPL ના 'પ્લેયર એન્ડ મેચ ઓફિશિયલ એરિયા' (PMOA) પ્રોટોકોલ મુજબ, ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમ જેવા એરિયામાં ખેલાડીઓ કે સ્ટાફ મોબાઈલ ફોન અથવા કોઈ પણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરી શકતા નથી. નિયમ મુજબ, સ્ટેડિયમ પહોંચતા જ દરેક ખેલાડીએ પોતાના ફોન સિક્યુરિટી ઓફિસર પાસે જમાં કરાવવાના હોય છે. જોકે, ટીમ વિશ્લેષકોને ટેબલ પર મર્યાદિત ઉપયોગની છૂટ હોય છે, પરંતુ મેનેજર માટે ડગઆઉટમાં ફોન વાપરવો એ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
એન્ટી કરપ્શન યુનિટની નજર
આ મામલાને BCCI નું ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એકમ (ACSU) ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. PMOA વિસ્તારમાં ફોનનો ઉપયોગ મેચની પ્રામાણિકતા પર સવાલ ઉભા કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, રોમી ભિંડરને આ મામલે પૂછપરછ માટે મેચ રેફરી સમક્ષ બોલાવવામાં આવી શકે છે. જો દોષિત સાબિત થાય, તો ટીમ અને મેનેજર સામે કડક શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ ખાસ વાંચો : દિગ્ગજ ઈન્ડિયા ખેલાડીની ભવિષ્યવાણી! : IPL માં તરખાટ મચાવનાર 15 વર્ષનો આ છોકરો હવે ટીમ ઈન્ડિયામાં દેખાશે!
લલિત મોદીની પ્રતિક્રિયા અને તપાસ
IPL ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે અને તરત પગલાં લેવાની માંગ કરી છે. રાજસ્થાન રોયલ્સ અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે, પરંતુ આ પ્રકારના વિવાદથી ટીમની છબી ખરડાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે, IPL ગવર્નિંગ કાઉન્સિલ આ બાબતે શું નિર્ણય લે છે.





