ટેક વર્લ્ડમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. એપલના સીઈઓ ટિમ કૂક ટૂંક સમયમાં પોતાનું પદ છોડશે એવી અટકળો તેજ થઈ રહી છે. આવતા મહિને 65 વર્ષના થનારા કૂક 2011થી એપલનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. હવે તેમના ઉત્તરાધિકારી અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પ્રખ્યાત ટેક પત્રકાર માર્ક ગુરમેનના જણાવ્યા અનુસાર, જોન ટર્નસ એપલના આગામી સીઈઓ બની શકે છે. ટર્નસ હાલમાં કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ (Hardware Engineering) તરીકે કાર્યરત છે અને છેલ્લા 24 વર્ષથી એપલ સાથે જોડાયેલા છે.
કંપનીના અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં ટર્નસની ભૂમિકા
ટર્નસ છેલ્લા ઘણા વર્ષોથી એપલના મુખ્ય ટેકનિકલ નિર્ણયોનો ભાગ રહ્યા છે. તેમની ઉંમર પણ તેમના પક્ષમાં છે. માત્ર 50 વર્ષના ટર્નસ આગામી દાયકા સુધી કંપનીને સ્થિર નેતૃત્વ આપી શકે છે. રસપ્રદ વાત એ છે કે ટિમ કૂક પણ જ્યારે સીઈઓ બન્યા હતા ત્યારે 50 વર્ષના હતા.
ગુરમેનના અહેવાલ અનુસાર, એપલના અન્ય વરિષ્ઠ અધિકારીઓ કાં તો ખૂબ નાના છે અથવા નિવૃત્તિની ઉંમર નજીક છે. આવી સ્થિતિમાં ટર્નસ સૌથી યોગ્ય ઉમેદવાર તરીકે આગળ વધી રહ્યા છે.
iPhone Air રજૂ કરીને ટર્નસ ચર્ચામાં આવ્યા
તાજેતરમાં 9 સપ્ટેમ્બર, 2025ના રોજ એપલએ iPhone 17 સિરીઝ લોન્ચ કરી હતી. આ પ્રસંગે જોન ટર્નસે iPhone Air રજૂ કર્યો હતો. તેઓ લોન્ચ બાદ લંડનની રીજન્ટ સ્ટ્રીટ સ્ટોર પર પણ જોવા મળ્યા હતા, જ્યાં તેમણે ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી.
ટર્નસ એપલની આંતરિક ટીમમાં ખૂબ લોકપ્રિય છે અને ટિમ કૂકને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ છે. જો કે, ટિમ કૂક દ્વારા સત્તાવાર રાજીનામાની કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ ટેક જગતમાં ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લઈ શકે છે.