ટેક દુનિયામાં એક વધુ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. થોડા વર્ષો પહેલા નવા ફોન સાથે બોક્સમાં ચાર્જર આપવાનું બંધ થઈ ગયું હતું, અને હવે તેના પછી USB કેબલનો વારો આવ્યો છે. મોટાભાગની મોબાઇલ કંપનીઓએ નવા સ્માર્ટફોન સાથે USB કેબલ આપવાનું બંધ કરી દીધું છે. ઉત્પાદકોનું કહેવું છે કે આ પગલું ઈ-વેસ્ટ ઘટાડવા અને ખર્ચ નિયંત્રણમાં રાખવા માટે લેવામાં આવ્યું છે. પરંતુ ગ્રાહકો માટે આ વધારાનો ખર્ચ સાબિત થઈ શકે છે, કારણ કે હવે તેમને કેબલ અલગથી ખરીદવો પડશે.
સોનીએ શરૂ કર્યો નવો ટ્રેન્ડ
આ ટ્રેન્ડની શરૂઆત Sony કંપનીએ કરી છે. તેના નવા સ્માર્ટફોન Sony Xperia 10 VII સાથે હવે બોક્સમાં ચાર્જર કે USB કેબલ સામેલ નથી. એટલે કે ગ્રાહકને માત્ર ફોન જ મળશે. જો કે Sony સ્માર્ટફોન બજારમાં Apple અથવા Samsung જેટલી મોટી કંપની નથી, પરંતુ તેણે નવા ટ્રેન્ડની શરૂઆત કરી છે. વિશ્લેષકોનું કહેવું છે કે અન્ય કંપનીઓ ટૂંક સમયમાં આ મોડલ અપનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે Appleએ પહેલાથી જ તેના નવા AirPods સાથે કેબલ આપવાનું બંધ કરી દીધું છે, એટલે Sony આ દિશામાં ચાલનારી નવી કંપની બની છે.
કંપનીઓના દાવા, પર્યાવરણ અને ખર્ચ બંને બચત
સ્માર્ટફોન કંપનીઓ આ નિર્ણય માટે બે મુખ્ય કારણો આપે છે:
પર્યાવરણની સુરક્ષા, મોટાભાગના ગ્રાહકો પાસે પહેલેથી જ એકથી વધુ USB-C કેબલ હોય છે. તેથી નવો કેબલ આપવાની જરૂર નથી. આ પગલાથી ઈ-વેસ્ટ (E-waste) ઘટાડવામાં મદદ મળે છે.
પરિવહન અને ખર્ચ ઘટાડો, ચાર્જર અને કેબલ બોક્સમાં ન હોવાથી ફોનનું પેકેજિંગ નાનું બને છે, જેના કારણે એક જ શિપમેન્ટમાં વધુ બોક્સ મોકલવા શક્ય બને છે. આ પરિવહન ખર્ચ અને કાર્બન ઉત્સર્જન બંને ઘટાડે છે.
કંપનીઓને ફાયદો, ગ્રાહકોને વધારાનો ખર્ચ
બીજી તરફ, ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે આ નિર્ણયનો સૌથી મોટો લાભ કંપનીઓને થશે. USB કેબલ ન આપવાથી તેમને ઉત્પાદન ખર્ચમાં બચત થાય છે. ગ્રાહકોને હવે અલગથી મૂળ કેબલ ખરીદવી પડશે, જેના કારણે કંપનીઓને વધારાનો નફો થાય છે.
એપલે ચાર્જર આપવાનું બંધ કરીને આ પ્રથાની શરૂઆત કરી હતી, અને હવે Sony એ USB કેબલ દૂર કરીને નવી દિશામાં પગલું ભર્યું છે. ટેક વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય હવે ધીમે ધીમે સમગ્ર સ્માર્ટફોન ઉદ્યોગમાં ફેલાઈ શકે છે — એટલે આગામી સમયમાં નવા ફોન સાથે “ફક્ત ફોન” જ મળવાનો સમય દૂર નથી.