Ahmedabad Crime News: એક તરફ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલાં તણાવને કારણે સોના-ચાંદી, ક્રૂડ ઓઇલ, ગેસ સહિત તમામ વસ્તુઓની કિંમતમાં અધધ વધારો થઇ રહ્યો છે. જેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પણ પડી રહી છે. જેને પગલે પ્રધાનમંત્રી મોદીએ હાલમાં જ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરતા ગોલ્ડ માર્કેટમાં હડકંપ મચી ગયો છે. એવામાં અમદાવાદના એક જ્વેલર્સના ત્યાંની તેમના જ સ્ટાફમાં કામ કરતી એક સેલ્સ ગર્લે 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સોની બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ ઘટના છે અમદાવાદના નિકોલ વિસ્તારની. જ્યાં આભૂષણ નામનો એક જ્વેલર્સ શોરૂમ આવેલો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ શોરૂમમાં લગભગ 11 મહિના પહેલાં હર્ષિદા શેટ્ટી નામની એક અતિમહત્વાકાંક્ષી યુવતી નોકરી પર લાગે છે. દેખાવે સુંદર અને બોલચાલમાં કોઈની પણ સાથે સરળતાથી ભળી જાય એવા સ્વભાવની આ યુવતી અત્યાર સુધી સરસ રીતે પોતાનું કામ કરતી હતી. થોડા જ મહિનાઓમાં તેણે સારી કામગીરી અને પોતાની સારી વર્તણૂંકને કારણે માલિક અને જ્વેલર્સના જૂના સ્ટાફનો વિશ્વાસ જીતી લીધો હતો. તે હંમેશા સમયસર નોકરી પર પહોંચી જતી અને ક્યારેય પોતાના કામને લઈને કોઈ ફરિયાદનો મોકો નહોંતી આપતી.
અમદાવાદમાં કરોડોના દાગીનાની ચોરીના CCTV: હસતા-હસતા શો રૂમમાંથી સોનાના ઘરેણાં પર હાથ સાફ કરી ગઇ સેલ્સ ગર્લ
પણ કોણ જાણે તેના મનમાં શોરૂમમાં ચોરીનો પ્લાન કંઈ કેટલાંય સમયથી ચાલતો હશે. યુવતીના સોશિયલ મીડિયા સ્ટેટસ પર જે પ્રકારના લખાણો સાથે તેની તસવીરો મુકવામાં આવેલી છે તેનાથી એક વાત તો સ્પષ્ટ થાય છેકે, તે યુવતી ખુબ ઝડપથી અમીર બનવા માંગતી હતી. તે કંઈક મોટું કરવાની ફિરાકમાં હોવાની આશંકા પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરની વિવિધ પોસ્ટ પરથી સેવાઈ રહી છે. પોલીસ પણ હવે એ જ થિયરી પર તપાસ કરી રહી છે. ચોરીની ઘટનાને અંજામ આપ્યાં બાદ યુવતી ઇમરજન્સી કામ હોવાનું બહાનું કાઢીને શોરૂમમાંથી રફ્ફુચક્કર થઈ જાય છે. અને ત્યાર બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ જાય છે.
માલિક જ્યારે જમીનને ઘરેથી શોરૂમ પર પરત આવે છે ત્યાર બાદ બીજા ગ્રાહકને બતાવવા દાગીના ટ્રેમાં કાઢવામાં આવે છે. એવા સમયે જૂના સ્ટાફમાંથી એક વ્યક્તિને દાગીનાની ટ્રેમાં સોનાની એક લકી ઓછી દેખાય છે ત્યાર બાદ તેને શંકા જાય છે અને તે આ અંગેની જાણ માલિકને કરે છે. પહેલાં ગણતરી કરવામાં આવે છે દાગીનાની...અને ત્યાર બાદ આ યુવતી વિશે પૂછવામાં આવે છે અને પછી સીસીટીવી ચેક કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે.
શહેરના કૃષ્ણનગર વિસ્તારની નયનનગર સોસાયટીમાં રહેતા દર્શનભાઈ શાહ નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં “આભૂષણ” નામનો સોના-ચાંદીનો શોરૂમ ચલાવે છે. શોરૂમમાં મેનેજર, સેલ્સમેન અને માર્કેટિંગ સ્ટાફ સહિત કુલ 19 લોકો કામ કરે છે. આ શોરૂમમાં લગભગ 11 મહિના પહેલા હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હતી. 11 મે 2026ના રોજ બપોરે દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા. તે સમયે શોરૂમમાં મેનેજર અને અન્ય સ્ટાફ હાજર હતા. આ દરમિયાન હર્ષિદાએ તકનો લાભ લઈને મોટી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવે છે.

"જિંદગીમેં જો હોના થા હો ચુકા, અબ વો હોગા જો હમ ચાહેંગે": આવું સ્ટેટસ મુકી હસીનાએ કેવી રીતે આપ્યો કરોડોના દાગીનાની ચોરીને અંજામ?
હાલ નિકોલ વિસ્તારમાં આવેલા એક જાણીતા જ્વેલરી શોરૂમમાં બનેલી કરોડોની ચોરીની ઘટનાએ સમગ્ર ગુજરાતના સોની બજારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે. સામાન્ય રીતે ગ્રાહકોની અવરજવર, વિશ્વાસ અને આંતરિક વ્યવસ્થાપન પર ચાલતા જ્વેલરી વ્યવસાયમાં આ પ્રકારની અંદરની ચોરીનો મામલો વેપારીઓ માટે ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને, એક સેલ્સ ગર્લ દ્વારા અંદાજે 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો થતાં વેપારીઓમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
નિકોલ વિસ્તારમાં આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં “આભૂષણ” નામનો સોના-ચાંદીનો શોરૂમ ચલાવતા દર્શનભાઈ શાહ માટે 11 મે 2026નો દિવસ સામાન્ય હતો. બપોરના સમયે તેઓ રોજની જેમ ઘરે જમવા ગયા હતા. શોરૂમમાં મેનેજર સહિત અન્ય કર્મચારીઓ હાજર હતા અને કામકાજ નિયમિત રીતે ચાલી રહ્યું હતું. પરંતુ થોડા કલાકો પછી બનેલી ઘટનાએ આખા સ્ટાફને ચોંકાવી દીધા હતા.
એક લકી ઓછી દેખાતાં શંકાનો દોર શરૂ થયો
સાંજે લગભગ પાંચ વાગ્યે દર્શનભાઈ શોરૂમ પર પરત આવ્યા હતા. તે દરમિયાન એક ગ્રાહક દાગીના ખરીદવા માટે આવ્યો હતો. ખરીદી દરમિયાન સ્ટાફના કાનજીભાઈએ ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી હોવાનું ધ્યાન દોર્યું હતું. શરૂઆતમાં તેને ગેરસમજ માનવામાં આવી હતી. જ્વેલરી શોરૂમોમાં સતત માલની હેરફેર થતી હોવાને કારણે આવી ભૂલો ક્યારેક સામાન્ય ગણાતી હોય છે. પરંતુ ગ્રાહક જતા સ્ટાફે ફરી ચકાસણી કરતાં મામલો ગંભીર હોવાનું સામે આવ્યું. ટ્રે ઉપરાંત અન્ય દાગીનાની ગણતરી કરવામાં આવતા મોટી માત્રામાં સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું. આ દરમિયાન સ્ટાફે નોંધ્યું કે શોરૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટી હાજર નહોતી. પૂછતાં જાણવા મળ્યું કે તેણે “ઇમરજન્સી કામ” હોવાનું કહીને સાંજે લગભગ 4:30 વાગ્યે રજા લઈને નીકળી ગઈ હતી. સૌથી મહત્વની વાત એ હતી કે શોરૂમ માલિકે તેને કોઈ સત્તાવાર રજા મંજૂર કરી નહોતી. આ જ બિંદુએ સમગ્ર ઘટનામાં શંકા વધુ ઘેરી બની હતી.
હવેથી પોલીસ જાહેરમાં સરઘસ નહીં કાઢી શકે!: DGP દ્વારા તમામ પોલીસ અધિકારીઓ માટે કડક લેખિત આદેશ
CCTV ફૂટેજે ખોલી ચોરીની આખી પોલ
પ્રાથમિક તપાસ બાદ જ્યારે શોરૂમના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા ત્યારે સમગ્ર ઘટનાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફૂટેજ મુજબ હર્ષિદા શેટ્ટી ખૂબ શાંતિથી અને આયોજનબદ્ધ રીતે દાગીના ચોરતી જોવા મળી હતી. તેણે પહેલા તિજોરી અને કબાટમાંથી કિંમતી દાગીના કાઢ્યા હતા. ત્યારબાદ તે દાગીનાને પોતાના બ્લેઝરના ખિસ્સામાં સેરવતી જોવા મળી હતી. ચોરી કર્યા બાદ પણ તેની હાવભાવમાં કોઈ ગભરાટ કે ઉતાવળ દેખાતી નહોતી. તે સ્ટાફ સાથે સામાન્ય રીતે હસતાં-બોલતાં વર્તન કરતી રહી હતી જેથી કોઈને શંકા ન જાય. તપાસકર્તાઓના મતે આ વર્તન દર્શાવે છે કે આરોપીએ ઘટનાને ખૂબ શાંતિપૂર્વક અને માનસિક તૈયારી સાથે અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં રહેલું પાસું એ રહ્યું કે આરોપી યુવતી સોશિયલ મીડિયા પર “Stay Loyal” જેવા સ્ટેટસ મૂક્તી હતી, જ્યારે બીજી તરફ શોરૂમમાંથી કરોડોના દાગીના ગાયબ કરી રહી હતી. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
અંદરની ચોરીઓ કેમ વધતી જાય છે?
ગુજરાતના જ્વેલરી વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અંદરની ચોરીના કેસોમાં વધારો નોંધાયો છે. મોટાભાગના શોરૂમોમાં કર્મચારીઓ પર વિશ્વાસના આધારે કામ ચાલતું હોય છે. લાંબા સમય સુધી સાથે કામ કરતાં કર્મચારીઓ પર શંકા કરવી વેપારીઓ માટે સહેલી બાબત નથી રહેતી. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કરોડોના માલ સાથે જોડાયેલા વ્યવસાયમાં માત્ર વિશ્વાસ પૂરતો નથી. વિશેષજ્ઞોના મતે, મોટા જ્વેલરી શોરૂમોમાં “ડ્યુઅલ વેરિફિકેશન સિસ્ટમ”, બાયોમેટ્રિક એક્સેસ, લાઈવ સ્ટોક ઓડિટ અને AI આધારિત સર્વેલન્સ જેવી વ્યવસ્થાઓ જરૂરી બની રહી છે. માત્ર CCTV લગાવવાથી પૂરતું નથી, પરંતુ તેની સતત મોનિટરિંગ અને આંતરિક ઓડિટિંગ પણ એટલી જ જરૂરી છે. આ ઘટનાએ એ પણ બતાવ્યું છે કે કેવી રીતે નાના સ્તરે થયેલી ગડબડ- જેમ કે ટ્રેમાં એક લકી ઓછી દેખાવું- કરોડોની ચોરી સુધી પહોંચાડતી કડી સાબિત થઈ શકે છે.
પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આરોપી યુવતી ફરાર થઈ ગઈ છે અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ, કોલ રેકોર્ડ અને સંભવિત સંપર્કોની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીએ અગાઉથી કોઈ આયોજન કર્યું હતું કે નહીં, તેમજ તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
જ્વેલરી એસોસિએશન સાથે જોડાયેલા વેપારીઓ હવે પોતાના સ્ટાફની વેરિફિકેશન પ્રક્રિયા વધુ કડક બનાવવા પર ભાર મૂકી રહ્યા છે. ઘણા વેપારીઓ સ્ટાફના બેકગ્રાઉન્ડ ચેક, પોલીસ વેરિફિકેશન અને દૈનિક સ્ટોક ચેકને હવે ફરજિયાત બનાવવાની ચર્ચા કરી રહ્યા છે. આ ઘટના માત્ર એક શોરૂમની ચોરી પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર સોની બજાર માટે ચેતવણીરૂપ કિસ્સો બની ગઈ છે. વિશ્વાસ, સુરક્ષા અને ટેક્નોલોજી - આ ત્રણેય બાબતો વચ્ચેનું સંતુલન જ હવે જ્વેલરી વ્યવસાય માટે સૌથી મોટો પડકાર બની રહ્યું છે.





