ગાંધીનગર: ગુજરાત પોલીસ તંત્રમાં આરોપીઓ સાથેના વર્તનને લઈને હવે મોટો નીતિગત ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના વડા (DGP) દ્વારા રાજ્યભરના તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ માટે કડક લેખિત આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આરોપીઓ સાથે માનવ અધિકારો અને આત્મસન્માન જળવાય તેવો વ્યવહાર કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
નવી માર્ગદર્શિકા મુજબ હવે કોઈપણ સંજોગોમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં. સાથે જ, આરોપીઓને જાહેરમાં અપમાનિત કરતી અથવા શારીરિક અને માનસિક ત્રાસ સમાન ગણાતી અનેક પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આરોપીઓનું આત્મસન્માન જાળવવા સૂચના
DGP દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે પોલીસ કસ્ટડીમાં રહેલી દરેક વ્યક્તિ સાથે કાયદેસર અને માનવ અધિકારોને અનુરૂપ વર્તન થવું જોઈએ. આરોપી સામે ગંભીર ગુનો હોવા છતાં તેનું આત્મસન્માન જળવાય તે પોલીસની જવાબદારી ગણાશે.
ખાસ કરીને આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે પોલીસ તંત્રને વધારાની સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. આરોપી પર કોઈ હિંસક ટોળું હુમલો ન કરે તેની સંપૂર્ણ જવાબદારી પણ હવે પોલીસ તંત્રની રહેશે.
તાજેતરના સમયમાં કેટલાક વિસ્તારોમાં આરોપીઓને જાહેરમાં ફરવવા, માર મારવા અથવા માફી મંગાવવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કયા વર્તન પર મૂકાયો પ્રતિબંધ?
DGPના આદેશ મુજબ હવે પોલીસ કર્મચારીઓ અથવા અન્ય કોઈપણ દ્વારા આરોપી સાથે નીચે મુજબનું વર્તન કરવામાં આવશે તો તે ગંભીર શિસ્તભંગ ગણાશે:
જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી
ઘૂંટણીએ ચલાવવો
જાહેરમાં લાત, થપ્પડ અથવા લાકડીથી માર મારવો
હાથ જોડાવી અથવા કાન પકડાવી માફી મંગાવવી
આરોપીને જાહેરમાં “મુર્ગો” બનાવવો
જાહેર અપમાન કે માનસિક હેરાનગતિ સમાન કોઈપણ વર્તન કરવું
આ તમામ પ્રથાઓને “અમાનવીય અને કાયદા વિરુદ્ધ” ગણાવી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી છે.
પોલીસની ભૂમિકા કાયદા સુધી મર્યાદિત રહેવી જોઈએ
કાનૂની નિષ્ણાતો લાંબા સમયથી એવો મુદ્દો ઉઠાવતા રહ્યા છે કે આરોપી દોષિત સાબિત થાય ત્યાં સુધી કાયદાકીય રીતે માત્ર “આરોપી” જ ગણાય છે. આવા સમયમાં જાહેરમાં અપમાનજનક વર્તન વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન બની શકે છે.
DGP ના નવા આદેશને કાનૂની અને માનવ અધિકારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે પોલીસની ભૂમિકા કાયદો અમલમાં મૂકવાની છે, જાહેર સજા આપવાની નહીં.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અને ગુજરાતમાં પણ આરોપીઓને જાહેરમાં ફરવવા, માર મારવા અથવા માફી મંગાવવાના બનાવો સામે આવ્યા હતા. આવા વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ કાર્યવાહી અને માનવ અધિકારો અંગે ચર્ચા ઉઠતી રહી છે.
રાજકોટમાં નીકળી NTA ની નનામી!: NEET-UG 2026 ના પેપર કૌભાંડ બાદ NSUIનો ઉગ્ર વિરોધ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
પોલીસ તંત્ર માટે તાલીમ અને જવાબદારી વધશે
સૂત્રોના જણાવ્યા અનુસાર હવે રાજ્યભરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આ નવી માર્ગદર્શિકા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવશે. માનવ અધિકાર, કસ્ટોડિયલ વ્યવહાર અને કાયદાકીય મર્યાદાઓ અંગે વધુ સંવેદનશીલતા લાવવા માટે તાલીમ કાર્યક્રમો પણ યોજાઈ શકે છે.
જો કોઈ પોલીસ કર્મચારી આ નવા આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે વિભાગીય કાર્યવાહી થઈ શકે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આવી ઘટનાઓ સામે સખત દેખરેખ રાખવા જણાવાયું છે.
રાજકોટમાં નીકળી NTA ની નનામી!: NEET-UG 2026 ના પેપર કૌભાંડ બાદ NSUIનો ઉગ્ર વિરોધ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
માનવ અધિકાર સંગઠનો દ્વારા આવકાર
આ નિર્ણયને કેટલાક માનવ અધિકાર સંગઠનો અને કાનૂની વર્તુળોએ આવકાર્યો છે. તેમનું કહેવું છે કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જાહેર અપમાન અથવા હિંસક વર્તન કાયદાની ભાવનાને વિરુદ્ધ છે.
સાથે જ, કેટલાક લોકોનું માનવું છે કે ગંભીર ગુનાઓમાં પોલીસ પર જનતાનો દબાણ વધતો હોવાથી ઘણીવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. હવે નવા આદેશ બાદ પોલીસ માટે કાયદાકીય પ્રક્રિયાનો કડક પાલન વધુ જરૂરી બનશે.
ગુજરાત પોલીસના આ નિર્ણયને રાજ્યના કાયદો અને વ્યવસ્થા તંત્રમાં “પ્રોફેશનલ પોલીસિંગ” તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.





