રાજકોટ: મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે લેવાતી દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાંની એક NEET-UG 2026 પરીક્ષા પેપર લીકના આક્ષેપો બાદ રદ થતાં દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાંથી પેપર લીક અને “ગેસ પેપર” કૌભાંડ સામે આવ્યા બાદ National Testing Agency (NTA)એ 3 મેના રોજ લેવામાં આવેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે હવે રાજકીય અને વિદ્યાર્થી સંગઠનો પણ આક્રમક બન્યા છે.
આ દરમિયાન આજે 13 મેના રોજ રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI કાર્યકર્તાઓએ NTA ની પ્રતિકાત્મક નનામી કાઢી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન “જુતે મારો સાલો કો, શિક્ષણ કે દલાલો કો”, “ધર્મેન્દ્ર પ્રસાદ રાજીનામું આપો” અને “હાય રે ભાજપ” જેવા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.
રસ્તા રોકો આંદોલન દરમિયાન પોલીસે કરી અટકાયત
પ્રદર્શન દરમિયાન NSUI કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રદેશ પ્રમુખ સહિત અંદાજે 12 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઘટનાસ્થળે થોડા સમય માટે ભારે હોબાળો અને ટ્રાફિક અવરોધની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં પેપર લીક થવું દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય સમાન છે. તેમના જણાવ્યા મુજબ લગભગ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને હવે પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં ભારે માનસિક તણાવ અને અનિશ્ચિતતા ઉભી થઈ છે.
“નોકરી આપવાનું કહ્યું, પરંતુ 11 મહિના બાદ પણ કોઈ જવાબ નહીં”: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પીડિત પરિવારની ન્યાય માટેની ઝંખના!
“વારંવાર પેપર લીકથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ”
નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી NEET સહિત વિવિધ સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના બનાવો સામે આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને સુરક્ષાનો અભાવ છે.
તેમણે કહ્યું કે માતા-પિતા લાખો રૂપિયા ખર્ચીને બાળકોને તૈયાર કરે છે, પરંતુ વારંવાર થતા પેપર લીકને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. NSUIએ NTA પર પ્રતિબંધ મૂકવાની અને પેપર લીકમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રાજસ્થાનથી શરૂ થયો હતો વિવાદ
NEET-UG 2026 પેપર લીક મામલો રાજસ્થાનથી સામે આવ્યો હતો, જ્યાં “ગેસ પેપર” તરીકે ફરતા પ્રશ્નપત્ર અને વાસ્તવિક પરીક્ષાના પ્રશ્નોમાં મોટા પ્રમાણમાં સમાનતા મળી આવી હતી. તપાસ દરમિયાન રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ અનેક લોકોની અટકાયત કરી હતી. ત્યારબાદ મામલો CBIને સોંપવામાં આવ્યો હતો.
અહેવાલો મુજબ લીક થયેલા પ્રશ્નપત્ર માટે લાખો રૂપિયાની લેવડદેવડ થઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. NTAએ પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો અને ફરી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
રાજકોટમાં દેખાયો બીજો 'તથ્ય પટેલ'!: નશાની હાલતમાં વોલ્વો કારથી પાંચ વાહનોને મારી ટક્કર
વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા અને રોષ
પરીક્ષા રદ થતાં દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ઘણા વિદ્યાર્થીઓએ એક વર્ષથી વધુ સમય સુધી તૈયારી કરી હતી અને હવે ફરી પરીક્ષા આપવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.
વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે પરીક્ષા સિસ્ટમમાં વારંવાર ઉભી થતી ગડબડીઓથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટી રહ્યો છે. સાથે જ, પરીક્ષા સુરક્ષા અને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી રહી છે.
રાજકોટમાં થયેલું આ પ્રદર્શન હવે ગુજરાતમાં પણ NEET વિવાદને લઈને રાજકીય ગરમાવો વધતો હોવાના સંકેત આપી રહ્યું છે.





