Home Gujarat Rajkot Rajkot Jangleshwar Demolition Water Bottle Bill Controversy

રૂ. 5ની બોટલ માટે રૂ. 8નું બિલ? : રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનમાં પાણી અને મંડપના લાખોના ખર્ચે મચ્યો નવો વિવાદ

ડિમોલિશનની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 27, 2026, 05:52 AM IST

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનને લઈને વિવાદોનો દોર યથાવત છે. અગાઉ ડિમોલિશન દરમિયાન કર્મચારીઓ માટે કરાયેલા ભોજન, નાસ્તા અને ચાના અંદાજે રૂ. 27.20 લાખના બિલને લઈને પ્રશ્નો ઊભા થયા હતા, ત્યારે હવે પાણીની બોટલ અને મંડપ વ્યવસ્થાના લાખો રૂપિયાના ખર્ચને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. ખાસ કરીને 200 એમએલની મિનરલ વોટરની બોટલ બજારમાં રૂ. 5 આસપાસ મળતી હોવા છતાં મહાનગરપાલિકાએ રેટ કોન્ટ્રાક્ટ હેઠળ પ્રતિ બોટલ રૂ. 8ના ભાવે ખરીદી હોવાનું બિલ વાયરલ થતાં ચર્ચા તેજ બની છે.

મળતી માહિતી મુજબ જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન પાણીની બોટલો માટે અંદાજે રૂ. 12.40 લાખનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને તેની ચુકવણી પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ડિમોલિશન દરમિયાન ઉભા કરાયેલા મંડપો માટે અંદાજે રૂ. 7 લાખનો ખર્ચ પણ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને ખર્ચને લઈને હવે રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: ભાવનગરની ITI યુવાનો માટે બની રોજગારીનું કેન્દ્ર : 16 ભરતી મેળામાં 343ને નોકરી અને 763ને એપ્રેન્ટિસશિપની મળી તક

કોન્ટ્રાક્ટરનો ખુલાસો: "અમે બજારમાંથી સસ્તા ભાવે બોટલો ખરીદી"

આ સમગ્ર વિવાદ વચ્ચે ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2023માં મહાનગરપાલિકા તરફથી મળેલા રેટ કોન્ટ્રાક્ટમાં 200 એમએલની પાણીની બોટલનો દર રૂ. 8 નક્કી કરવામાં આવ્યો હતો અને તેમણે એ જ દર મુજબ બિલ રજૂ કર્યું છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ બજારમાંથી પાણીની બોટલો અંદાજે રૂ. 3.50થી રૂ. 4ના ભાવે ખરીદતા હતા, પરંતુ મહાનગરપાલિકા સાથે થયેલા રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ પુરવઠો આપવો અને તે મુજબ જ બિલ રજૂ કરવું તેમની જવાબદારી હતી. તેમના કહેવા મુજબ બિલમાં દર્શાવેલા દર અંગે કોઈ અધિકારીની વ્યક્તિગત ભૂમિકા નથી અને સમગ્ર પ્રક્રિયા રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ હાથ ધરવામાં આવી છે.

"અધિકારીઓનો કોઈ રોલ નથી"

શૈલેષ દેસાઈએ વધુમાં જણાવ્યું કે મહાનગરપાલિકા સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ ગયો હતો. જોકે નવો રેટ કોન્ટ્રાક્ટ જાહેર ન થાય ત્યાં સુધી જૂના કોન્ટ્રાક્ટર તરીકે સેવા આપવાની જવાબદારી તેમની હતી. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવાથી નવો કોન્ટ્રાક્ટ સમયસર મંજૂર થઈ શક્યો નહોતો અને જૂના કરાર હેઠળ જ પુરવઠો કરવામાં આવ્યો હતો.

તેમણે દાવો કર્યો કે હાલ નવા રેટ કોન્ટ્રાક્ટમાં 200 એમએલની પાણીની બોટલનો દર ઘટાડીને અંદાજે રૂ. 4.50 નક્કી કરવામાં આવ્યો છે અને હવે તેઓ એ જ દર મુજબ પુરવઠો કરી રહ્યા છે. તેથી જૂના અને નવા દર વચ્ચેનો તફાવત સમયગાળાના આધારે સમજવો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: ચોમાસા માટે રાજ્યની તમામ સ્કૂલો માટે એલર્ટ : સરકારે જાહેર કરી નવી સેફ્ટી ગાઈડલાઈન

ફૂડ બિલ બાદ હવે પાણી અને મંડપનો ખર્ચ ચર્ચામાં

જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન કોર્પોરેશન, પોલીસ, પીજીવીસીએલ અને અન્ય વિભાગોના કર્મચારીઓ માટે છ દિવસ સુધી ભોજન, નાસ્તા અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે રજૂ થયેલું અંદાજે રૂ. 27.20 લાખનું બિલ હાલમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી માટે પેન્ડિંગ રાખ્યું છે.

બીજી તરફ પાણીની બોટલોના રૂ. 12.40 લાખના બિલની ચુકવણી થઈ ગઈ હોવાનું સામે આવતાં વિવાદ વધુ ગાઢ બન્યો છે. આ ઉપરાંત શેઠ હાઈસ્કૂલ, શાળા નંબર-70 અને વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ ખાતે ઉભા કરાયેલા મંડપો માટે અંદાજે રૂ. 7 લાખનો ખર્ચ પણ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. આમ, પાણી અને મંડપના ખર્ચનો કુલ આંકડો અંદાજે રૂ. 19 લાખથી વધુ પહોંચ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રેટ કોન્ટ્રાક્ટની પ્રક્રિયા પર ચર્ચા

મહાનગરપાલિકા વિવિધ સામગ્રી અને સેવાઓ માટે અગાઉથી રેટ કોન્ટ્રાક્ટ જાહેર કરતી હોય છે. એકવાર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરોને મંજૂરી મળી જાય પછી તે સમયગાળા દરમિયાન જરૂરિયાત મુજબ પુરવઠો મેળવવામાં આવે છે અને દરેક ખરીદી માટે અલગથી મંજૂરી લેવાની જરૂર રહેતી નથી.

જંગલેશ્વર ડિમોલિશન કેસમાં પણ પાણીની બોટલો અને મંડપ સહિત લગભગ 200 જેટલી વસ્તુઓ માટે અગાઉથી મંજૂર કરાયેલા રેટ કોન્ટ્રાક્ટના આધારે જ પુરવઠો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જોકે બજાર ભાવ અને કરારના દર વચ્ચેનો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં વ્યસ્ત રસ્તા પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ : વાઘોડિયા ચોકડીમાં યુવકને ગોળી મારી હુમલાખોરો ફરાર

તપાસની માંગ ઉઠી

આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ઘવાએ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ડિમોલિશન દરમિયાન ભોજન, પાણી અને અન્ય વ્યવસ્થાઓ માટે દર્શાવાયેલા ખર્ચની સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરી છે.

તેમણે જણાવ્યું છે કે સમગ્ર ખર્ચની વિજિલન્સ અથવા અન્ય સક્ષમ એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ માંગણી બાદ હવે આ મામલો વધુ રાજકીય રંગ પકડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવે તપાસ અને સ્પષ્ટતા પર નજર

જંગલેશ્વર ડિમોલિશનને લઈને અગાઉ ફૂડ બિલ ચર્ચામાં આવ્યું હતું અને હવે પાણીની બોટલો તથા મંડપના ખર્ચને લઈને નવા પ્રશ્નો ઉભા થયા છે. બીજી તરફ કોન્ટ્રાક્ટર પોતાનો બચાવ કરતાં કહી રહ્યા છે કે સમગ્ર બિલ રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ રજૂ કરવામાં આવ્યું છે અને તેમાં અધિકારીઓની કોઈ વ્યક્તિગત ભૂમિકા નથી.હવે મહાનગરપાલિકા આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરે છે કે નહીં, તપાસની માંગ પર શું નિર્ણય લેવાય છે અને સમગ્ર ખર્ચની ચકાસણી થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now