અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં થયેલી Air India AI-171 વિમાન દુર્ઘટનાને લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, છતાં હજુ અનેક પીડિત પરિવારો ન્યાય અને વળતરની રાહ જોઈ રહ્યા છે. બુધવારે અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર મુસાફરો અને અન્ય પીડિતોના પરિવારજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પરિજનો દ્વારા બ્લેક બોક્સના “Raw Data” જાહેર કરવાની, બાકી રહેલું વળતર ચૂકવવાની અને એરલાઇન કંપનીએ આપેલા વચનો પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
પરિવારજનોનું કહેવું છે કે ઘટનાને 11 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી ઘણા લોકોને સંપૂર્ણ વળતર મળ્યું નથી, તો કેટલાક કેસોમાં કંપની તરફથી કોઈ સ્પષ્ટ જવાબ પણ આપવામાં આવી રહ્યો નથી. સાથે જ, ક્રેશ પાછળનું સાચું કારણ જાણવા માટે બ્લેક બોક્સનો મૂળ ડેટા જાહેર કરવાની માંગ પણ વધુ ઉગ્ર બની રહી છે.
12 જૂને ક્રેશ સાઈટ પર થશે સર્વધર્મ પ્રાર્થના
પીડિત પરિવારોના પ્રતિનિધિ અને કવિરાજ કુલદીપ ઇશરાણીએ જણાવ્યું કે 12 જૂન 2026ના રોજ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. તે દિવસે મેઘાણીનગર સ્થિત ક્રેશ સાઈટ પર સર્વધર્મ પ્રાર્થના અને ધાર્મિક વિધિ યોજવાની તૈયારી ચાલી રહી છે.
તેમણે જણાવ્યું કે વિવિધ ધર્મોના લોકો પોતાના સ્વજનની યાદમાં સ્થળનું શુદ્ધિકરણ અને ધાર્મિક વિધિઓ કરવા માંગે છે. આ માટે સરકાર અને સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે.
કુલદીપ ઇશરાણીએ વધુમાં કહ્યું કે લગભગ 200 જેટલા પરિવારો સાથે તેઓ સતત સંપર્કમાં છે અને મોટાભાગના પરિવારોની એક જ માંગ છે - બ્લેક બોક્સનો રો ડેટા જાહેર કરવામાં આવે જેથી દુર્ઘટનાના સાચા કારણોની જાણ થઈ શકે.
“બ્લેક બોક્સ ડેટા આપો”: પરિવારોની મુખ્ય માંગ
પરિવારજનોનું કહેવું છે કે તેમણે PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, DGCA અને Aircraft Accident Investigation Bureau (AAIB)ને પણ લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી.
કુલદીપ ઇશરાણીએ જણાવ્યું કે Federation of Indian Pilots (FIP)ના પ્રમુખ સી.એસ. રંધાવા દ્વારા પણ AAIB India અને AAIB UKને પત્ર લખવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
પરિવારોનું માનવું છે કે બ્લેક બોક્સ ડેટા બહાર આવશે તો જ દુર્ઘટનાની પાછળનું સત્ય બહાર આવી શકશે અને પીડિતોને માનસિક શાંતિ મળશે.
“મને હજુ સુધી વળતર મળ્યું નથી”: પીડિત પિતાનો આક્ષેપ
દુર્ઘટનામાં પોતાના પુત્ર ફૈઝાનને ગુમાવનાર મોહમ્મદ રફીકે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે હજુ સુધી તેમને કોઈ વળતર આપવામાં આવ્યું નથી.
તેમણે જણાવ્યું કે તેઓ અનેક વખત સંબંધિત ઓફિસોમાં ગયા છતાં કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. તેમનો આક્ષેપ છે કે હવે કંપની તરફથી ફોન અને ઇમેઇલનો પણ જવાબ આપવામાં આવતો નથી.
મોહમ્મદ રફીકે કહ્યું કે ઘણા પરિવારોને ઇન્ટરિમ વળતર મળી ગયું છે, પરંતુ હજુ કેટલાક પરિવારો એવા છે જેમને કંઈ મળ્યું નથી. “અમને માત્ર ન્યાય જોઈએ છે અને જાણવું છે કે આખરે એ દિવસે શું બન્યું હતું,” એમ તેમણે કહ્યું.
"જિંદગીમેં જો હોના થા હો ચુકા, અબ વો હોગા જો હમ ચાહેંગે": આવું સ્ટેટસ મુકી હસીનાએ કેવી રીતે આપ્યો કરોડોના દાગીનાની ચોરીને અંજામ?
“નોકરી આપવાનું કહ્યું, પરંતુ 11 મહિના બાદ પણ કોઈ જવાબ નહીં”
દુર્ઘટનામાં પોતાના પતિ મહેશ જીરાવાલાને ગુમાવનાર હેતલ પ્રજાપતિએ પણ એરલાઇન કંપની અને Tata Group સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
તેમણે જણાવ્યું કે તેમના પતિ પાલડીમાં મિટિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મેઘાણીનગર ક્રેશમાં તેમની મોત થઈ હતી. શરૂઆતમાં પોલીસ તરફથી યોગ્ય સહકાર ન મળ્યાનો પણ તેમણે આક્ષેપ કર્યો. પરિવારજનોને પોતે CCTV ફૂટેજ અને અન્ય વિગતો શોધવી પડી હતી.
હેતલ પ્રજાપતિએ જણાવ્યું કે Tata Group અને એરલાઇન કંપનીના પ્રતિનિધિઓ વડોદરા ખાતે મળવા આવ્યા હતા અને ભવિષ્યમાં નોકરી તથા અન્ય સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ 11 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ મદદ મળી નથી.
તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન પોતાનો અકસ્માત પણ થયો હતો અને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. “હવે જવાબદાર કોણ?” એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો.
ગુજરાતને મળ્યા નવા લોકાયુક્ત: નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, જાણો શું છે તેમની સત્તાઓ
એક વર્ષ બાદ પણ અનેક પ્રશ્નો અકબંધ
AI-171 પ્લેન ક્રેશની ઘટના રાજ્ય અને દેશ માટે મોટી દુર્ઘટના તરીકે યાદ કરવામાં આવે છે. ઘટનાના બાદ શરૂઆતમાં તપાસ અને વળતરની પ્રક્રિયા ઝડપી ચાલતી જોવા મળી હતી, પરંતુ હવે અનેક પરિવારો પોતાને અવગણના અનુભવતા હોવાનું જણાવી રહ્યા છે.
પીડિત પરિવારોનું કહેવું છે કે વળતર, નોકરી અને માનસિક સહાય જેવા મુદ્દાઓ પર હજુ પણ સ્પષ્ટતા નથી. સૌથી મોટો પ્રશ્ન બ્લેક બોક્સ ડેટાને લઈને છે, જેને લઈને પરિવારો સતત પારદર્શિતા અને સત્ય બહાર લાવવાની માંગ કરી રહ્યા છે.
આગામી 12 જૂને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે હવે ફરી આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.





