ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે યોજાયેલા ગૌરવપૂર્ણ સમારોહમાં નિવૃત્ત ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના નવા લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજ્યના વહીવટી અને રાજકીય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવતી આ નિમણૂક સાથે હવે રાજ્યમાં લોકાયુક્ત સંસ્થાને નવું નેતૃત્વ મળ્યું છે.
શપથવિધિ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ સંકર ચૌધરી, DyCM હર્ષ સંઘવી, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ M.K. દાસ તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમારોહ દરમિયાન રાજ્યપાલ અને અન્ય મહાનુભાવોએ નવા લોકાયુક્તને પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવનો લોકાયુક્ત તરીકેનો કાર્યકાળ પદભાર સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષ માટે રહેશે.
લોકાયુક્ત પદ રાજ્યની મહત્વપૂર્ણ બંધારણીય અને કાનૂની સંસ્થાઓમાંનું એક માનવામાં આવે છે. આ પદનું મુખ્ય કાર્ય સરકારી તંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થાને મજબૂત બનાવવાનું છે. સામાન્ય નાગરિકો તેમજ જાહેર પ્રતિનિધિઓ સામે આવતા ભ્રષ્ટાચાર સંબંધિત આક્ષેપોની તપાસમાં લોકાયુક્ત સંસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગુજરાત પ્રશાસનમાં મોટી ઉથલપાથલ: એકસાથે 72 IAS અધિકારીઓની બદલી, જાણો કયા જિલ્લાને મળ્યા નવા કલેક્ટર
કોણ છે જસ્ટિસ બિરેન વૈષ્ણવ?
નિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યા છે. કાનૂની ક્ષેત્રમાં તેમના લાંબા અનુભવ અને વિવિધ મહત્વપૂર્ણ કેસોમાં આપેલા નિર્ણયો માટે તેઓ જાણીતા રહ્યા છે.
કાનૂની અને વહીવટી વર્તુળોમાં તેમની નિમણૂકને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી પારદર્શિતા અને જવાબદારી અંગે ચર્ચાઓ વચ્ચે લોકાયુક્ત પદે અનુભવી ન્યાયિક વ્યક્તિની નિમણૂકને સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
મહેસાણા વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: મ્યુનિસિપલ કોર્પોરેશન અને UGVCLમાં નવા સુકાની, જાણો સમગ્ર વિગત
લોકાયુક્ત સંસ્થાની ભૂમિકા શું?
ગુજરાતમાં લોકાયુક્ત સંસ્થા સરકારી અધિકારીઓ, જાહેર પ્રતિનિધિઓ અને કેટલાક કિસ્સાઓમાં મંત્રીઓ સામેના ભ્રષ્ટાચાર સંબંધિત આક્ષેપોની તપાસ માટે રચવામાં આવી છે. આ સંસ્થા સામાન્ય નાગરિકોને સરકારી તંત્ર સામે ફરિયાદ કરવાની વ્યવસ્થા પૂરી પાડે છે.





