Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા જ્વેલરી શોરૂમમાંથી સેલ્સ ગર્લ દ્વારા અંદાજે 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર “Stay Loyal” સ્ટેટસ મૂક્તી અને સહકર્મીઓ વચ્ચે હસતાં-બોલતાં રહેતી યુવતીએ જ શોરૂમમાંથી કિંમતી દાગીના સેરવી લીધા હોવાનું CCTV ફૂટેજમાં સામે આવ્યું છે. સમગ્ર બનાવ બાદ આરોપી યુવતી ફરાર થઈ ગઈ છે અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ કૃષ્ણનગર વિસ્તારના નયનનગર સોસાયટીમાં રહેતા દર્શનભાઈ શાહ નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં “આભૂષણ” નામનો સોના-ચાંદીનો શોરૂમ ચલાવે છે. શોરૂમમાં મેનેજર, સેલ્સમેન અને માર્કેટિંગ સ્ટાફ સહિત કુલ 19 કર્મચારીઓ કામ કરે છે. લગભગ 11 મહિના પહેલાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે શોરૂમમાં જોડાઈ હતી.
અમદાવાદમાં કરોડોના દાગીનાની ચોરી: હસતા-હસતા શો રૂમમાંથી સોનાના ઘરેણાં પર હાથ સાફ કરી ગઇ સેલ્સ ગર્લ
CCTVમાં કેદ થઈ ચોરીની ત્રણ સ્ટેપની પ્લાનિંગ
11 મે 2026ના રોજ બપોરના સમયે શોરૂમ માલિક દર્શનભાઈ ઘરે જમવા માટે ગયા હતા. તે દરમિયાન શોરૂમમાં મેનેજર અને અન્ય સ્ટાફ હાજર હતો. પ્રાથમિક તપાસ મુજબ આ જ સમયગાળામાં હર્ષિદાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. CCTV ફૂટેજમાં આરોપી યુવતી ખૂબ શાંતિથી અને કોઈને શંકા ન જાય તે રીતે દાગીના ચોરતી જોવા મળી હતી. ફૂટેજ મુજબ તેણે પહેલા તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના બ્લેઝરના ખિસ્સામાં મૂક્યા હતા. ત્યારબાદ બ્લેઝર સરખું કરીને સામાન્ય રીતે વર્તન કરતી રહી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે દાગીના સેરવ્યા બાદ પણ તે સ્ટાફ સાથે હસતી-બોલતી રહી જેથી કોઈને શંકા ન જાય. પોલીસ સૂત્રો મુજબ આરોપીએ ખૂબ ગણિતપૂર્વક આખી ઘટના અંજામ આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્ટાફની અવરજવર, માલિકની ગેરહાજરી અને CCTVના એંગલનો પણ તેણે અભ્યાસ કર્યો હોવાની શક્યતા તપાસમાં જોવામાં આવી રહી છે.
અચાનક VIP કાફલો છોડીને કેમ માત્ર બે જ ગાડીઓ લઈને રાજુલા પહોંચ્યા CM?: રાજ્યપાલ, DyCM અને મંત્રીઓએ પણ લીધો મોટો નિર્ણય
એક લકી ઓછી દેખાતાં ખુલ્યો આખો ભાંડો
સાંજે લગભગ 5 વાગ્યે દર્શનભાઈ શોરૂમ પર પરત આવ્યા હતા. તે દરમિયાન એક ગ્રાહક દાગીના ખરીદવા આવ્યો હતો. ખરીદી દરમિયાન સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી. શરૂઆતમાં ગેરસમજ લાગી હતી, પરંતુ ગ્રાહક જતાં સ્ટાફે ફરી ચકાસણી કરતાં મામલો ગંભીર હોવાનું સામે આવ્યું. તે સમયે શોરૂમમાં કામ કરતી હર્ષિદા હાજર નહોતી. પૂછપરછ કરતાં સ્ટાફે જણાવ્યું કે હર્ષિદાએ ઇમરજન્સી કામ હોવાનું કહી 4:30 વાગ્યે રજા લઈને નીકળી ગઈ હતી. જોકે, દર્શનભાઈએ કોઈ સત્તાવાર રજા આપી નહોતી. જેના કારણે શંકા વધુ ઘેરી બની હતી. ત્યારબાદ તરત જ શોરૂમમાં લાગેલા CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં હર્ષિદા સાંજે 4 થી 4:30 દરમિયાન બેઠક પાછળના કબાટમાંથી સોનાના દાગીના કાઢતી સ્પષ્ટ જોવા મળી હતી. બાદમાં તે શોરૂમના બીજા માળે આવેલા સ્ટોર રૂમમાં ગઈ હતી અને પોતાની બેગ લઈને બહાર નીકળી ગઈ હતી.
1.66 કરોડના દાગીના લઈને ફરાર
ઘટના બાદ સમગ્ર શોરૂમમાં સોનાના દાગીનાની ફરી ગણતરી કરવામાં આવી હતી. જેમાં સોનાની ચેઇન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ સહિત કુલ અંદાજે 1.66 કરોડ રૂપિયાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. શોરૂમ માલિક અને સ્ટાફે તરત જ હર્ષિદાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ CCTV ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેલ્સ, આરોપીની છેલ્લી લોકેશન અને તેની ઓળખીતાઓ અંગે માહિતી એકત્રિત કરી રહી છે. ઉપરાંત આરોપીએ અગાઉ કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
અમદાવાદીઓ સાવધાન: હવે 4 ભાગમાં કચરો અલગ નહીં હોય તો ડોર-ટુ-ડોર ગાડી કચરો નહીં લે, થશે દંડનીય કાર્યવાહી
સોશિયલ મીડિયા સ્ટેટસ પણ ચર્ચામાં
ઘટના બાદ આરોપી યુવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ચર્ચામાં આવ્યા છે. “Stay Loyal” જેવા સ્ટેટસ અને સ્ટાઇલિશ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકોમાં ચર્ચા છે કે બહારથી સામાન્ય અને વિશ્વાસપાત્ર દેખાતી યુવતીએ જ કરોડોની ચોરીને અંજામ આપ્યો. આ ઘટનાએ જ્વેલરી વેપારીઓમાં પણ ચિંતા વધારી છે. ખાસ કરીને મોટા શોરૂમોમાં આંતરિક સુરક્ષા વ્યવસ્થા, કર્મચારીઓની વેરિફિકેશન પ્રક્રિયા અને સ્ટોક મેનેજમેન્ટ સિસ્ટમ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. વેપારીઓ હવે CCTV મોનિટરિંગ અને સ્ટાફ બેકગ્રાઉન્ડ ચેકને વધુ મજબૂત બનાવવા તરફ ધ્યાન આપી રહ્યા છે.





