Home Gujarat Rajkot Rajkot Builder Son Volvo Car Accident Ring Road

રાજકોટમાં દેખાયો બીજો 'તથ્ય પટેલ'! : નશાની હાલતમાં વોલ્વો કારથી પાંચ વાહનોને મારી ટક્કર

રાજકોટ માર્ગ અકસ્માતના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 13, 2026, 09:19 AM IST

રાજકોટ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 150 ફૂટ રીંગ રોડ પર આજે ભરબપોરે એક બેફામ કાર ચાલકે ભારે આતંક મચાવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડરપુત્ર ગણાતો યુવક નશાની હાલતમાં પૂરપાટ ઝડપે વોલ્વો કાર દોડાવી રહ્યો હતો અને નિયંત્રણ ગુમાવતા રસ્તા પરના અનેક વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.

આ ભયાનક અકસ્માતમાં પાંચ જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાના વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગની આશંકા

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વોલ્વો કાર ખૂબ જ ઝડપથી દોડી રહી હતી અને અચાનક એક પછી એક વાહનોને ટક્કર મારતી આગળ વધી હતી. પ્રાથમિક તપાસમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકો અને વાહનચાલકોએ કાર ચાલકને ઝડપી લીધો હતો. ઘટનાસ્થળે જ લોકોએ તેની ધોલાઈ કરી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી.

150 ફૂટ રીંગ રોડ પર ટ્રાફિક જામ

અકસ્માતના કારણે 150 ફૂટ રીંગ રોડ પર ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત વાહનો રસ્તા વચ્ચે જ અટવાઈ જતા વાહન વ્યવહાર પર મોટી અસર પડી હતી.

સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તો ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય બાદ ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય કરવામાં આવ્યો હતો.
વડોદરામાં નબીરાઓનો આતંક: તરસાલીમાં નશામાં ધૂત શખ્સોએ લક્ઝરી કાર ઠોકી, અકસ્માત બાદ દારૂની બોટલો મૂકીને નાસી છૂટ્યા

પોલીસે શરૂ કરી તપાસ

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ હવે ડ્રાઈવર મદિરાના નશામાં હતો કે અન્ય કોઈ નશીલા પદાર્થના પ્રભાવ હેઠળ હતો તે જાણવા માટે મેડિકલ ટેસ્ટ કરાવશે. સાથે જ આસપાસના CCTV ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે અકસ્માતની સંપૂર્ણ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કારની સ્પીડ, ડ્રાઈવિંગ પેટર્ન અને અકસ્માતની પરિસ્થિતિ અંગે ફોરેન્સિક તપાસ પણ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now