અમદાવાદ શહેરમાં ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન મારફતે વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવરંગપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતીને એક યુવકે પોતાને ક્રાઈમ બ્રાંચના સાયબર સેલમાં ફરજ બજાવતા પીએસઆઈ તરીકે ઓળખાવી પહેલા મિત્રતા વધારી, ત્યારબાદ લગ્નના નામે વિશ્વાસ જીત્યો અને અંતે રૂપિયા 80 હજાર પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે. આરોપી સતત વધુ પૈસાની માંગણી કરતો હોવાથી યુવતીને શંકા ગઈ હતી. ત્યારબાદ થયેલી તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ પર પોલીસ અધિકારી હોવાનો દેખાવ કરીને યુવતીઓને નિશાન બનાવતો હતો.
પોલીસ યુનિફોર્મના ફોટાથી જીત્યો વિશ્વાસ
મળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં રહેતી યુવતી એક જાણીતી ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત છે. લગ્ન માટે યોગ્ય જીવનસાથીની શોધ દરમિયાન તેણે એક ડેટિંગ એપ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. થોડા દિવસો પહેલા તેની પ્રોફાઈલ ‘રોકી પંચાલ’ નામના યુવક સાથે મેચ થઈ હતી. શરૂઆતમાં રોકીએ લગ્ન માટે ગંભીર ઇરાદો દર્શાવતા મેસેજ કર્યા હતા.
યુવતીએ જ્યારે રોકીની પ્રોફાઈલ તપાસી ત્યારે તેમાં પોલીસ યુનિફોર્મમાં ફોટોગ્રાફ્સ જોવા મળ્યા હતા. સાથે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાને “ક્રાઈમ બ્રાંચ સાયબર સેલ ઓફિસર” તરીકે દર્શાવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ સાથે જોડાયેલ વ્યક્તિ હોવાનું માનતા યુવતીનો વિશ્વાસ મજબૂત બન્યો હતો. બાદમાં બંનેએ ઇન્સ્ટાગ્રામ આઈડી અને મોબાઈલ નંબરની આપ-લે કરી અને નિયમિત વાતચીત શરૂ થઈ હતી.
ત્રણથી ચાર દિવસ સુધી ફોન કોલ, વીડિયો કોલ અને મેસેજિંગ દ્વારા સંપર્કમાં રહેલા આરોપીએ પોતાને ગુજરાત પોલીસમાં PSI તરીકે રજૂ કર્યો હતો. વિશ્વાસ વધારવા માટે તેણે પોલીસ વિભાગ સાથે જોડાયેલા હોવાના અનેક દાવા પણ કર્યા હતા.
આ પણ વાંચો: દવા વિક્રેતાઓની દેશવ્યાપી હડતાળ! : મેડિકલ સ્ટોર્સને તાળા, જાણો શું છે માંગ
ઘરે પહોંચી ભાવનાત્મક નાટક કરી પડાવ્યા રૂપિયા
ફરિયાદ મુજબ, 16 મેના રોજ આરોપી યુવતીને મળવા તેના ઘરે ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ તેણે પોતાનું મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાનું કહી અચાનક આર્થિક મુશ્કેલી ઉભી થઈ હોવાનું જણાવ્યું હતું. આરોપીએ ભાવુક બનીને રડવાનું નાટક પણ કર્યું હતું જેથી યુવતી વધુ વિશ્વાસમાં આવી ગઈ હતી.
આરોપીની વાતોમાં આવી યુવતીએ તાત્કાલિક તેના ખાતામાં રૂપિયા 80 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. યુવતીને લાગ્યું હતું કે થોડા દિવસોમાં રૂપિયા પરત મળી જશે અને બંને વચ્ચે લગ્નની વાત આગળ વધશે. પરંતુ પૈસા મળ્યા બાદ આરોપીનું વર્તન બદલાતો ગયો હતો.
બીજા દિવસે આરોપીએ યુવતીને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા હિલ્લોક ખાતે મળવા બોલાવી હતી. ત્યારબાદ બંને એક કેફેમાં ગયા હતા જ્યાં આરોપીએ વધુ એક માંગણી મૂકી હતી.
વધુ રૂપિયા અને દસ્તાવેજોની માંગણીથી ઊભી થઈ શંકા
કેફેમાં બેઠા દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગના ઓફિશિયલ કામ માટે તેને તાત્કાલિક બે નવા મોબાઈલ ફોનની જરૂર છે. તેણે મોબાઈલ ખરીદવા માટે વધુ રૂપિયા 60 હજાર માંગ્યા હતા. જોકે, યુવતીએ ફરીથી રોકડા રૂપિયા આપવા ઇન્કાર કર્યો હતો.
આ પછી આરોપીએ નવો ઉપાય અજમાવ્યો હતો. તેણે કહ્યું હતું કે જો રોકડા રૂપિયા ન આપી શકે તો યુવતી પોતાના નામે લોન પર મોબાઈલ અપાવી દે. તેના માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવી ઓળખ પુરવાર કરતી દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી.
વારંવાર પૈસા અને વ્યક્તિગત દસ્તાવેજોની માંગણી થતાં યુવતીને ગંભીર શંકા ગઈ હતી. યુવતીએ સાવચેતી રાખીને પોતાના આધાર કાર્ડ અને પાનકાર્ડની નકલ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ નિર્ણય બાદ તેણે પોતાના સ્તરે આરોપીની માહિતી ચકાસવાનું શરૂ કર્યું હતું.
‘રોકી પંચાલ’ નહીં પરંતુ ‘હિમાંશુ પંચાલ’
યુવતી દ્વારા કરાવવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ‘રોકી પંચાલ’ નામનો કોઈ વ્યક્તિ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતો જ નથી તે ખુલ્યું હતું. વધુ તપાસમાં આરોપીનું અસલી નામ હિમાંશુ પંચાલ હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીએ પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ ઉભી કરી હતી અને યુવતીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરી હતી. પોલીસે હવે આ કેસમાં આરોપીની ભૂમિકા, અગાઉની આવી ફરિયાદો અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: વન નેશન, વન ઈલેકશન પર ગુજરાતમાં JPCની મહત્વપૂર્ણ બેઠક : ગુજરાત મોડલને દેશભરમાં લાગુ કરવાની તૈયારી
ઓનલાઈન ડેટિંગ એપ્સ પર વધતા ફ્રોડના કેસ
તાજેતરના સમયમાં ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા મારફતે ઓળખ બનાવી છેતરપિંડીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સરકારી અધિકારી, સૈનિક અથવા પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ ઉભી કરીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારબાદ આર્થિક મદદ, ઇમરજન્સી અથવા રોકાણના બહાને પૈસા પડાવવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે.
નવરંગપુરા પોલીસે હાલ આરોપી હિમાંશુ પંચાલને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આરોપીએ અન્ય કોઈ મહિલાઓને પણ આ જ રીતે નિશાન બનાવી છે કે નહીં.






