Ahmedabad News: અમદાવાદ જિલ્લાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હિટ એન્ડ રનની એક અત્યંત આઘાતજનક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ગાંગડથી કોઠ જવાના માર્ગ પર દાતાર નજીક એક અજ્ઞાત વાહને મોટરસાયકલને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે.
બાવળાથી પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનનાર યુવક શિહોરી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. તે બાવળાથી નીકળીને પોતાના ગામ શિહોરી તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન ગાંગડ-કોઠ રોડ પર દાતાર નજીક કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહનના ચાલકે તેની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
અમદાવાદમાં ગ્રાહક બનીને આવ્યો અને સોનાનું કડુ લઈ ચોર ફરાર : જુઓ CCTV ફૂટેજ કેવી રીતે કર્યો હાથ ફેરો
108ની ટીમ પહોંચી, પરંતુ જીવ ન બચી શક્યો
આ અકસ્માત અંગે આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે, ગંભીર ઈજાઓના કારણે યુવકે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવકના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને તેના પરિવારજનોને આ અંગે જાણ કરી છે. હાલમાં કોઠ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછના આધારે ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદમાં NRI પરિવારના ઘરમાંથી ₹21 લાખના દાગીના ગાયબ : ઘરકામ કરતી મહિલા શંકાના ઘેરામાં






