Home Gujarat Gujarat Supports One Nation One Election Jpc Meeting

વન નેશન, વન ઇલેક્શન મુદ્દે ગુજરાત સરકારનો મજબૂત ટેકો : JPC સમક્ષ રજૂઆતમાં અનેક મહત્વના મુદ્દાઓ ઉઠ્યા

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: May 20, 2026, 01:46 PM IST

Gandhinagar News: દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે ગુજરાત સરકારે હવે વધુ સ્પષ્ટ અને મજબૂત વલણ દર્શાવ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલી JPC બેઠકમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરતા મંત્રીઓ અને સાંસદોએ દલીલ કરી કે વારંવારની ચૂંટણીના કારણે શાસન, વિકાસ કામો અને સામાન્ય જનજીવન પર મોટો પ્રભાવ પડે છે. સરકારનું માનવું છે કે એક સાથે ચૂંટણી યોજવાથી સમય, માનવશક્તિ અને ખર્ચમાં મોટો ઘટાડો થશે તેમજ પ્રજાને પણ વારંવારની ચૂંટણી પ્રક્રિયાથી મુક્તિ મળશે.

ગુજરાત સરકાર દ્વારા ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે સંસદીય સમિતિ સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યના વિવિધ વિભાગો, મંડળો અને રાજકીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર આ દિશામાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે અને રાજ્યમાં આ માટે પ્રાથમિક તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પૂરક પરીક્ષાની તારીખો જાહેર : જાણો ક્યારે લેવાશે પરીક્ષા

હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક જ દિવસે આયોજન કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી માત્ર મતદાનનો દિવસ નથી પરંતુ તેની પૂર્વ તૈયારીઓમાં મહિનાઓનો સમય અને વિશાળ તંત્ર કામે લાગે છે. એક વિધાનસભા ચૂંટણી દરમિયાન આશરે 50 લાખ કલાકનો માનવબળ ઉપયોગમાં લેવાય છે અને ચૂંટણી જાહેર થતાં જ સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જતા હોવાથી સામાન્ય પ્રજાના કામો પ્રભાવિત થાય છે. તેમણે વધુમાં કહ્યું કે એક ચૂંટણી પ્રક્રિયામાં આશરે 80થી 85 દિવસનો સમય વહીવટી વ્યવસ્થામાં જતો રહે છે. અલગ અલગ ચૂંટણી યોજવાના બદલે એક સાથે ચૂંટણી યોજવામાં આવે તો વિકાસના કામો ઝડપથી થઈ શકે અને પ્રજાને વારંવાર મતદાન માટે ઓફિસો બંધ રહેવા, લાંબી લાઇનોમાં ઉભા રહેવા જેવી મુશ્કેલીઓમાંથી રાહત મળશે.

વારંવારની ચૂંટણીથી વિકાસ કાર્યો પર અસર

રાજ્ય સરકારનું માનવું છે કે દેશમાં ઘણી વખત એક જ વર્ષમાં અનેક સ્તરની ચૂંટણી યોજાતી હોવાથી આચાર સંહિતા વારંવાર લાગુ પડે છે. જેના કારણે નવી યોજનાઓ, ટેન્ડર પ્રક્રિયા અને વિકાસ કાર્યોમાં વિલંબ થાય છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે કોડ ઓફ કન્ડક્ટ ઘણી વખત ત્રણ માસ સુધી અસરકારક રહે છે અને સરકારના અનેક નિર્ણયો અટકી જાય છે. તેમણે કહ્યું કે ‘વન નેશન, વન ઇલેક્શન’ માત્ર લોકસભામાં કાયદો પસાર કરવાનો મુદ્દો નથી, પરંતુ દેશવ્યાપી વહીવટી અને રાજકીય સુધારાનો પ્રયાસ છે. જો અમલીકરણ દરમિયાન સમસ્યાઓ આવશે તો ચર્ચા અને સહમતિથી ઉકેલ લાવવામાં આવશે. જીતુ વાઘાણીએ દાવો કર્યો કે ગુજરાત સરકારે કમિટી સમક્ષ મજબૂત અને તથ્યાધારિત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેને કમિટીએ સરાહ્યું છે. કમિટીએ ગુજરાત સરકાર પાસેથી વધારાના ડેટા પણ માંગ્યા હોવાનું તેમણે જણાવ્યું.

કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટના : બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

અનુરાગ ઠાકુરનો કોંગ્રેસ પર પ્રહાર

બેઠક બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને નેહરુ પરિવાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે વર્ષો સુધી ભારતીય બંધારણ અને લોકતંત્રને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ઇન્દિરા ગાંધીના સમયમાં 1976 દરમિયાન લોકતંત્ર પર ગંભીર પ્રહાર થયા હતા અને બાબાસાહેબ આંબેડકરને સત્તાથી દૂર રાખવામાં કોંગ્રેસની ભૂમિકા રહી હતી. તેમણે કોંગ્રેસ પર RSS અંગે સતત આક્ષેપો કરવાના આરોપ પણ લગાવ્યા. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણીમાં હાર મળ્યા પછી કોંગ્રેસ EVM અને ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે વધતી લોકપ્રિયતાને કારણે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. હર્ષ સંઘવીએ પણ વિપક્ષને સંબોધતા કહ્યું કે પ્રજા કોને સત્તા સોંપવી તે નક્કી કરે છે. જિલ્લા પંચાયત અને તાલુકા સ્તરે અલગ અલગ પક્ષોને જીત મળવી એ લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે.

પેટ્રોલ-ડીઝલ મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા

રાજ્ય કેબિનેટ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પુરવઠાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચીફ સેક્રેટરી દ્વારા સરકારને જરૂરી ઇનપુટ આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે ગુજરાત પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની જરૂર નથી. સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ સંગ્રહખોરી રોકવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે. સરકારના જણાવ્યા પ્રમાણે હાલ પેટ્રોલ અને ડીઝલની માંગમાં આશરે 35થી 40 ટકા વધારો નોંધાયો છે. છતાં રાજ્ય સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સક્રિય રીતે કામગીરી કરી રહી છે. કેબિનેટ બેઠકમાં આગામી દોઢ માસમાં 670 નવા DPNG કનેક્શન આપવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોટો નિર્ણય : 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની પરીક્ષા કરાઈ મોકૂફ, જાણો શું છે કારણ

વતન પ્રેમ યોજના અને ગામડાંના વિકાસને પ્રોત્સાહન

રાજ્ય સરકારે ‘વતન પ્રેમ યોજના’ હેઠળ નવા વિકાસ કાર્યો ઉમેરવાનો નિર્ણય લીધો છે. સરકારની યોજના મુજબ શાળાઓ, કોમ્પ્યુટર ક્લાસરૂમ, આરોગ્ય કેન્દ્રો, પશુ દવાખાના, પુસ્તકાલય અને દૂધ મંડળીઓ માટે 664 ચોરસ ફૂટ સુધીના બાંધકામની જોગવાઈ કરવામાં આવશે. આ યોજના હેઠળ જો દાતા 60 ટકા રકમ આપશે તો તેઓ કામ કરાવી શકશે, જ્યારે સરકાર 60 ટકા રકમ આપશે તો સરકાર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત ગામડાંઓમાં ‘અટલ વાડી કોમ્યુનિટી હોલ’ બનાવવાની યોજના પણ આગળ વધી રહી છે, જે તમામ સમાજના લોકો માટે ઉપયોગી બનશે. સરકારે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિસ્તારમાં આવી વાડીની શરૂઆત થઈ ચૂકી છે અને હવે તેને વિસ્તૃત સ્તરે અમલમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે.

EV વાહનોને પ્રોત્સાહન અને નવી પોલિસીની તૈયારી

રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સબસિડી યોજના ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. હાલમાં EV વાહનો પર 10 હજારથી દોઢ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે. સરકાર વધુ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની દિશામાં પણ કામ કરી રહી છે. નવી EV પોલિસી પર કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું છે અને નજીકના સમયમાં તેની વિગત જાહેર કરવામાં આવશે. સરકારે લાંબા ગાળે ટકાઉ પરિવહન વ્યવસ્થા ઊભી કરવા માટે EV ક્ષેત્રમાં વધુ રોકાણ અને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરવાની વાત કરી છે.

ડીસાના વડાવળમાં સંતની અગ્નિ તપસ્યા : એક તો આગ ઝરતી ગરમી અને ચારેબાજુ 84 અગ્નિકુંડ, જગતના કલ્યાણ માટે મુકેશગિરિ બાપુનું કઠોર તપ

શા માટે મહત્વપૂર્ણ છે ‘વન નેશન, વન ઇલેક્શન’?

દેશમાં દર વર્ષે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી યોજાતી રહે છે. જેના કારણે રાજકીય વાતાવરણ સતત ગરમ રહે છે અને વિકાસના મુદ્દાઓ પાછળ ધકેલાઈ જાય છે. સરકારનું માનવું છે કે એકસાથે ચૂંટણી યોજવાથી શાસન વધુ અસરકારક બની શકે, ખર્ચમાં ઘટાડો થશે અને સરકારી મશીનરી વધુ સમય જનહિતના કામોમાં લગાડી શકાશે. પરંતુ વિપક્ષી પક્ષો દ્વારા આ મુદ્દે વિવિધ શંકાઓ અને પ્રશ્નો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આ મુદ્દે દેશવ્યાપી રાજકીય ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now