હાલમાં રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર છે અને એમાંય રણનીકાંધીએ આવેલા બનાસકાંઠા જિલ્લામાં તો તાપમાન ચાર-પાંચ ડિગ્રી વધુ જ અનુભવાતું હોય છે. ત્યારે આવા ધોમધખતા તાપમાં ડીસાના વડાવળ ગામમાં એક અદ્ભુત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ગામના લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે સનાતન ધર્મના રક્ષણ, રાષ્ટ્રભાવના અને સમગ્ર વિશ્વના કલ્યાણના ઉમદા હેતુથી સંત મુકેશગિરિ બાપુ 84 ધૂણા ધખાવીને અગ્ની તપ કરી રહ્યા છે.
84 અગ્નિ કુંડ વચ્ચે અગ્નિ તપસ્યા
વૈશાખ વદ અમાસ અને શનિવારના પવિત્ર દિવસથી શરૂ થયેલા આ ધાર્મિક અનુષ્ઠાનનો આજે ચોથો દિવસ છે, જે 11 દિવસ ચાલશે. સંત મુકેશગિરિ બાપુ ધોમધખતી ગરમી વચ્ચે સતત બીજા વર્ષે પણ પ્રભુ ભક્તિમાં લીન થયા છે. આ વર્ષે મંદિર પરિસરમાં આજુબાજુ ચારેય તરફ લાકડા અને છાણાંના ધગધગતા 84 અગ્નિ કુંડ પ્રગટાવવામાં આવ્યા છે. આ અગ્નિની પ્રચંડ જ્વાળાઓ અને અસહ્ય તાપની વચ્ચે, અર્ધ નગ્ન શરીરે માત્ર એક કંતાન પાથરીને બાપુ યજ્ઞકુંડની સામે કઠોર તપસ્યા કરી રહ્યા છે.
છેલ્લા નવ વર્ષથી કઠોર તપ
મુકેશગીરી બાપુ છેલ્લા નવ વર્ષથી વિવિધ સ્થળે આવું તપ કરે છે. ડીસાના વડાવળ ગામમાં તેઓ સતત બીજા વર્ષે તપ કરી રહ્યા છે. તપ અંગે મુકેશગિરિ બાપુએ જણાવ્યું કે, આ કઠોર તપસ્યા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. સમસ્ત માનવજાત, અબોલા જીવજંતુઓ અને જીવાત્માઓના સુખ-શાંતિ માટે હું આ સિદ્ધિ અગ્નિ તપ કરવા બેઠો છું.
આ પણ વાંચો: હજુ પણ શેકાશે ગુજ્જુઓ! : હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે મળશે રાહત
'અહીં દૃશ્ય ખરેખર વંદન કરવા જેવું છે'
અહીં બાપુના દર્શનાર્થે આવેલા એક ભક્તે જણાવ્યું કે, મારા મિત્રએ મને બાપુના તપ વિષે વાત કરી તો શરૂઆતમાં મને આશ્ચર્ય થયું. જે બાદ હું અહીં આવ્યો અને મેં જે દૃશ્ય જોયું એ ખરેખર વંદન કરવા જેવું છે. હાલ અહીં 45 ડિગ્રી તાપમાન છે, છાંયડે બેઠા-બેઠા પણ ચામડુ બળી જાય છે અને બાપુ ચારે બાજુ 84 ધૂણા ધખાવીને તપસ્યા કરી રહ્યા છે. આવા સાચા સંતોને વંદન છે.
'અમારા ગામ માટે સૌભાગ્યની વાત'
વડાવળ ગામના અગ્રણીએ જણાવ્યું કે, અમારા ગામમાં મુકેશગિરિ બાપુએ ગયા વર્ષે 11 ધૂણા પર તપસ્યા કરી હતી અને આ વર્ષે 84 ધૂણા પર જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં પોતે જે તપ કરી રહ્યા છે એ અમારા ગામ માટે સૌભાગ્યની વાત છે.






