Home Gujarat Ahmedabad Ahmedabad Naranpura Jewellery Shop Gold Bangle Theft

અમદાવાદમાં ગ્રાહક બનીને આવ્યો અને સોનાનું કડુ લઈ ચોર ફરાર : જુઓ CCTV ફૂટેજ કેવી રીતે કર્યો હાથ ફેરો

નારણપુરા ચોરીના CCTV
Play Video
Published by: Chintan Chavda
Last Updated: May 20, 2026, 12:36 PM IST

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીની ઘટનાએ વેપારીઓમાં ચિંતા ફેલાવી છે. નારણપુરા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક શખ્સે દુકાનદારની નજર ચૂકવીને અંદાજે ₹1.50 લાખ કિંમતનું સોનાનું કડું ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મહત્વની વાત એ છે કે આરોપી અગાઉ પણ બે વખત દુકાને આવી દાગીના જોઈ ગયો હતો અને ત્રીજી વખત મોકાનો ફાયદો ઉઠાવીને ચોરીને અંજામ આપ્યો હતો.

આ મામલે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને જ્વેલર્સની દુકાન ચલાવતા 48 વર્ષીય કેતનકુમાર રમણલાલ પટેલે Ghatlodia Police Station માં ફરિયાદ નોંધાવી છે. ઘટના 14 મેના રોજ બની હતી, જ્યારે ફરિયાદ 19 મેની સાંજે નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ગ્રાહક બનીને આવ્યો, વાતોમાં ઉલઝાવી ચોરી કરી

ફરિયાદ મુજબ, 14 મેના રોજ બપોરના સમયે કેતનભાઈ પોતાની દુકાનમાં હાજર હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને દુકાનમાં આવ્યો હતો. તેણે અગાઉ જોયેલી સોનાની વીંટી બતાવવા કહ્યું અને ત્યારબાદ ચેઇન જોવા માંગ કરી હતી.

દુકાનદાર ગ્રાહકને દાગીના બતાવવામાં વ્યસ્ત હતા ત્યારે આરોપીએ તેમની સાથે વાતચીત શરૂ કરી અને તેમને વાતોમાં ઉલઝાવી દીધા. ત્યારબાદ જ્યારે કેતનભાઈ સેફ લોકરમાંથી ચેઇન લેવા માટે પાછળ વળ્યા, ત્યારે આરોપીએ તકનો લાભ લઈ વજન કાંટાની ડિસ્પ્લે પર પડેલું 11.230 ગ્રામ વજનનું સોનાનું કડું ચોરી લીધું હતું.

આ કડું અગાઉ એક મહિલા ગ્રાહકે રિપેરિંગ માટે દુકાનમાં આપેલું હોવાનું સામે આવ્યું છે. તેની અંદાજિત કિંમત રૂપિયા 1.50 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અગાઉ પણ બે વખત દુકાનમાં આવ્યો હતો આરોપી

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આરોપી 7 અને 8 મેના રોજ પણ આ જ દુકાનમાં આવ્યો હતો. તે સમયે તેણે સોનાની વીંટી અને ચેઇન ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. એટલું જ નહીં, ઓનલાઈન પેમેન્ટ કરવા માટે તેણે દુકાનદાર પાસેથી બેંક ડિટેલ્સ પણ મેળવી હતી.

આ રીતે આરોપીએ અગાઉથી જ દુકાન અને દુકાનદારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસના મતે આરોપીએ પૂર્વ આયોજન સાથે આ ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતા છે.

આ પણ વાંચો: PM મોદીએ મેલોનીને આપી 'Melody'! : રોમમાં બંને નેતાઓની ખાસ સેલ્ફી, ઇટાલીના PMએ ફોટો શેર કરીને કહ્યું- 'Thank YOU

દુકાનદાર પાછળ દોડ્યા છતાં આરોપી ફરાર

ચોરી કર્યા બાદ આરોપી તરત જ દુકાનની બહાર દોડી ગયો હતો. દુકાનદારને ઘટનાની જાણ થતાં તેઓ પણ તેની પાછળ દોડ્યા હતા. જોકે આરોપી રોડ ક્રોસ કરીને પલ્લવ ચાર રસ્તા તરફ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

ઘટના બાદ ફરિયાદી તેમના વતનમાં લગ્ન પ્રસંગમાં ગયા હોવાથી તાત્કાલિક ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફર્યા અને સમગ્ર મામલે અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો

આ મામલે Rajkot Crime Branch એ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PI મુજબ, ચોરીને અંજામ આપ્યા બાદ આરોપી રાજકોટ ભાગી ગયો હતો. ત્યારબાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે.

હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ પૂર્ણ થયા બાદ આરોપીને અમદાવાદ પોલીસને સોંપવામાં આવશે. પોલીસ હવે આરોપી પાસેથી ચોરી કરાયેલ સોનાનું કડું અને અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: GCAS પોર્ટલની ખામીઓ મુદ્દે ABVP નો ઉગ્ર વિરોધ : અમદાવાદમાં KCG ઓફિસે તોડફોડ, સવાલો પૂછતાં અધિકારીએ ચાલતી પકડી

શહેરમાં વધતી ચોરીની ઘટનાઓથી વેપારીઓમાં ચિંતા

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી જ્વેલર્સ અને વેપારીઓને નિશાન બનાવી ચોરી અને ઠગાઈની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી ચોરી કરવાના બનાવો વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે.

પોલીસ વેપારીઓને સીસીટીવી વ્યવસ્થા મજબૂત બનાવવા, અજાણ્યા ગ્રાહકો પર નજર રાખવા અને કિંમતી દાગીના ખુલ્લા ન રાખવાની સલાહ આપી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now