Home Gujarat Ahmedabad Chemist Strike Against Online Pharmacy India Gujarat

દેશવ્યાપી કેમિસ્ટ હડતાળમાં ગુજરાતના 35 હજાર મેડિકલ બંધ! : રાજ્યના અનેક જિલ્લાઓમાં ઉગ્ર વિરોધ

રાષ્ટ્રવ્યાપી મેડિકલ હડતાળ
Play Video
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 20, 2026, 07:19 AM IST

દેશભરમાં આજે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (AIOCD)ના આહ્વાન પર એક દિવસીય પ્રતીક બંધ પાળવામાં આવ્યો હતો. ઓનલાઈન ફાર્મસી દ્વારા ગેરકાયદેસર રીતે દવાઓ વેચાતી હોવાના આરોપો, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટ અને નકલી દવાઓના વધતા વેપાર સામે કેમિસ્ટ સંગઠનો રસ્તા પર ઉતર્યા હતા. ગુજરાત સહિત દેશભરમાં લાખો મેડિકલ સ્ટોરોએ ટોકન બંધમાં ભાગ લીધો હતો.

એસોસિએશનના જણાવ્યા મુજબ દેશભરના અંદાજે 12.30 લાખથી વધુ કેમિસ્ટ સભ્યો આ વિરોધમાં જોડાયા હતા. ગુજરાતમાં આશરે 35 હજાર અને અમદાવાદમાં 3 હજાર જેટલા વેપારીઓએ હડતાળને સમર્થન આપ્યું હતું. જોકે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં હોસ્પિટલ નજીકના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ગામડાઓમાં પણ ઇમરજન્સી માટે એક-એક દુકાન ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઓનલાઈન ફાર્મસી સામે મુખ્ય આક્ષેપો

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન સરકારે GSR 220E સહિતના કેટલાક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યા હતા જેથી સંક્રમણના સમયમાં લોકોને હોમ ડિલિવરી દ્વારા દવા મળી રહે. પરંતુ કોરોનાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ નોટિફિકેશન હજી પાછાં ખેંચાયા નથી અને ઓનલાઈન ફાર્મસી કંપનીઓ તેનો દુરુપયોગ કરી રહી છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે AI અને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાઈ રહી છે. ગર્ભપાત જેવી ગંભીર દવાઓ અને નશાકારક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થતી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. એસોસિએશનના દાવા મુજબ છેલ્લા છ મહિનામાં ₹150 કરોડથી વધુની નકલી દવાઓ ઝડપાઈ છે, છતાં કડક કાર્યવાહી થતી નથી.

જસુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે D&C Act મુજબ કેમિસ્ટોના માર્જિન નક્કી થયેલા છે, છતાં કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપી નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મૂકી રહી છે. તેમના મતે આવા ડિસ્કાઉન્ટના કારણે ડુપ્લિકેટ દવાઓના વેપારને પ્રોત્સાહન મળે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે.

અમદાવાદમાં વિરોધ પ્રદર્શન અને બ્લડ ડોનેશન કેમ્પ

અમદાવાદમાં ટાઉનહોલ ખાતે સવારે 10:30 થી 12 વાગ્યા સુધી પ્રતીકાત્મક વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ થેલેસેમિયા દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એસોસિએશને જણાવ્યું હતું કે આ એક દિવસીય બંધ અંગે એક મહિના પહેલાંથી લોકોને જાણ કરવામાં આવી હતી જેથી નિયમિત દવાઓ લેતા દર્દીઓ પૂર્વ તૈયારી કરી શકે.
જરૂરિયાતમંદ દર્દીઓને દવા મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા હતા. એસોસિએશનના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે વર્ષોથી કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

તેમણે પૂર્વ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ઓનલાઈન ફાર્મસી વેચાણને મંજૂરી ન આપી હોવાનો પણ દાવો કર્યો હતો. સાથે જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે બેઠક બાદ આગામી 10 દિવસમાં વધુ ચર્ચાની ખાતરી અપાઈ હોવાનું જણાવ્યું હતું.


રાજકોટમાં 1600 મેડિકલ સ્ટોર્સ બંધ

રાજકોટમાં પણ કેમિસ્ટ એસોસિએશન દ્વારા વ્યાપક વિરોધ નોંધાયો હતો. શહેરના અંદાજે 1600 નાના-મોટા મેડિકલ સ્ટોર્સ અને હોલસેલ વેપારીઓએ હડતાળમાં ભાગ લીધો હતો. રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 2019થી તેઓ સરકાર સમક્ષ ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ રજૂઆતો કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે કોરોનાકાળ દરમિયાન બહાર પડાયેલા GSR 220Eનો ઓનલાઈન કંપનીઓ દુરુપયોગ કરી રહી છે. હાઈકોર્ટ દ્વારા ઓનલાઈન ફાર્મસી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ઓનલાઈન દવાઓના વેચાણથી સામાન્ય લોકોને નકલી દવાઓ મળવાની શક્યતા વધી રહી છે.

જોકે વિરોધ વચ્ચે કેટલાક લોકોનો મત એવો પણ રહ્યો કે ઓનલાઈન દવાઓ સસ્તી મળતી હોવાથી પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વેપાર પર અસર પડી છે અને તેનો પણ આ વિરોધ પાછળ મોટો મુદ્દો છે.

બનાસકાંઠા, વેરાવળ અને અમરેલીમાં પણ બંધ

બનાસકાંઠાના પાલનપુર સહિત જિલ્લાભરમાં અંદાજે 1400થી 1500 મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. એસોસિએશનના આગેવાનો ગિરીશ પટેલ અને મફતલાલ ફોસીએ ઓનલાઈન ફાર્મસી, નશાકારક દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટનો વિરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાતી હોવાથી યુવાધન પર ખોટી અસર પડી રહી છે. સાથે જ સ્પુરિયસ ડ્રગ્સ એટલે કે નકલી દવાઓનો ખતરો પણ વધી રહ્યો છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા.

વેરાવળમાં ટાવરચોક ખાતે કેમિસ્ટોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે અમરેલી, સાવરકુંડલા, બાબરા અને વડીયા સહિતના શહેરોમાં પણ મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા.

આ પણ વાંચો: ‘હું કોઈ વિદેશી જાસૂસ નથી’ : PM મોદીને સવાલ પૂછનાર નોર્વેની પત્રકાર હેલ લિંગે આપી સ્પષ્ટતા

સુરતમાં પણ વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી

સુરતમાં પણ દેશવ્યાપી બંધને સમર્થન મળ્યું હતું. કેમિસ્ટ સંગઠનોએ ઓનલાઈન ફાર્મસી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ સાથે કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટનો વિરોધ કર્યો હતો.

એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે નશાકારક અને નકલી દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે, જે દેશના યુવાધન અને સામાન્ય જનતાના આરોગ્ય માટે ગંભીર ખતરો છે.

સંગઠને ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now