અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં દુકાનના ભાડા અને સ્ટીકર ફાડવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રેડીમેડ ગારમેન્ટ્સના ધંધા માટે ભાડે લેવામાં આવેલી દુકાનમાં રીનોવેશન દરમિયાન અગાઉના ભાડુઆત અને તેના સાગરીતો ધસી આવી હુમલો કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે વેજલપુર પોલીસે સાત લોકો વિરૂદ્ધ હત્યાની કોશિષ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર સરખેજ-જુહાપુરા રોડ પર ફતેહવાડી વિસ્તારમાં રહેતા મોહમદ રફસાન મંડલી વ્યવસાયે વકીલ છે અને પરિવાર સાથે રહે છે. જુહાપુરાના હિમાલયા ફુલકનુમા બિલ્ડિંગમાં આવેલી દુકાન નંબર 120 અગાઉ ઈલીયાસ શેખને ભાડેથી આપવામાં આવી હતી. જોકે સમયસર ભાડું ન ભરાતા દુકાનના માલિક સૈફભાઈએ ઈલીયાસને દુકાન ખાલી કરવા જણાવ્યું હતું.
ત્યારબાદ રફસાને રેડીમેડ કપડાંના વ્યવસાય માટે આ દુકાન ભાડે લેવાની તૈયારી દર્શાવી હતી. અગાઉના ભાડુઆતે દુકાન ખાલી કર્યા બાદ રફસાન દ્વારા દુકાનમાં રીનોવેશન અને મરામતનું કામ શરૂ કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન જ સમગ્ર વિવાદ ઉગ્ર બન્યો હતો.
‘ત્રણ હજાર રૂપિયાનો દંડ આપવો પડશે’ કહી શરૂ થયો વિવાદ
ઘટના દરમિયાન રફસાનના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ દુકાનમાં રીનોવેશન ચાલી રહ્યું હતું ત્યારે અગાઉના ભાડુઆત ઈલીયાસ શેખ, તેનો ભત્રીજો રીયાન અને અન્ય કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ દુકાનમાં કામ કરતા લોકોને રોકીને કહ્યું હતું કે “તમારે ત્રણ હજાર રૂપિયાનો દંડ આપવો પડશે.”
જ્યારે રફસાનના ભાઈએ આ દંડ શા માટે માંગવામાં આવી રહ્યો છે તે અંગે પૂછપરછ કરી ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. આ દરમિયાન રીયાને આક્ષેપ કર્યો હતો કે દુકાનના દરવાજા પર લગાવવામાં આવેલા ટ્યુશન ક્લાસિસના સ્ટીકર ફાડી નાખવામાં આવ્યા છે અને તેના બદલામાં રૂપિયા ચૂકવવા પડશે.
વિવાદ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી વધતા વાતાવરણ તંગ બની ગયું હતું. ફરિયાદ મુજબ આરોપીઓએ ધમકીભર્યા શબ્દોમાં “આજ તો ઇનકો જાન સે માર હી દેતે હે” કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પેવરબ્લોક અને લોખંડની પાઈપથી હુમલો
બોલાચાલી બાદ મામલો હિંસક અથડામણમાં ફેરવાયો હતો. ફરિયાદ મુજબ ઈલીયાસ અને તેના સાગરીતોએ રફસાન, તેના ભાઈ તેમજ દુકાનમાં કામ કરતા મજૂરો પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ પેવરબ્લોક અને લોખંડની પાઈપ વડે માર મારતા લોકોમાં ભગદડ મચી ગઈ હતી.
હુમલામાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ જતા વિસ્તારનો માહોલ ગરમાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ હુમલા દરમિયાન આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. વ્યસ્ત વિસ્તારમાં બનેલી ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક અને લોકોની અવરજવર પણ અસરગ્રસ્ત બની હતી.
વેજલપુર પોલીસે 7 આરોપીઓ સામે નોંધ્યો ગુનો
સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઈલીયાસ, નાઝીમાબાનુ, રીયાન, મુનાવર, તારીખ સહિત કુલ સાત લોકો વિરૂદ્ધ હત્યાની કોશિષ, મારામારી, ધમકી અને ગેરકાયદે ટોળું એકત્રિત કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન અને સ્થળ પરથી મળેલા પ્રાથમિક પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં નાના વિવાદો હિંસક સ્વરૂપ ધારણ કરવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને વેપારી વિસ્તારોમાં ભાડા, માલિકી અને વ્યવસાયિક હક્કોને લઈને થતા વિવાદોમાં પોલીસને વારંવાર હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે.





