Home Gujarat Protest Against Ias Officer Nitin Sangwan In Gandhinagar

'હું તમને જીવતા જમીનમાં દાટી દઈશ' : ગાંધીનગરમાં IAS અધિકારીએ ધમકી આપતા કર્મચારીઓ મેદાને, કહ્યું- 'સરકાર પગલાં નહીં ભરે તો જોયા જેવી થશે'

વરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ
Published by: Vishal Chaudhary
Last Updated: May 20, 2026, 08:51 AM IST

વર્ષ 2023માં સાબરકાંઠામાં થયેલા કથિત હુમલાથી ચર્ચામાં આવેલા IAS અધિકારી નીતિન સાંગવાન ફરી વિવાદમાં આવ્યા છે. હાલ ગાંધીનગર ખાતે રોજગાર અને તાલીમ કચેરીના નિયામક તરીકે ફરજ બજાવતા IAS નીતિન સાંગવાન સામે તેમની જ કચેરીના કર્મચારીઓએ બાંયો ચડાવી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, નીતિન સાંગવાન કર્મચારીઓને જીવતા જમીનમાં દાટી દેવાની ધમકીઓ સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છે.

કર્મચારીઓએ નીતિન સાંગવાન સામે વિરોધ નોંધાવ્યો

મૂળ હરિયાણાના અને વર્ષ 2016ની બેચના IAS અધિકારી નીતિન સાંગવાન હાલ ગાંધીનગર ખાતે રોજગાર અને તાલીમ કચેરીના નિયામક તરીકે ફરજ બજાવે છે. જેમના દ્વારા તેમની કચેરીના કર્મચારીઓને ગર્ભિત ધમકીઓ આપતા હોવાના આક્ષેપ થયા હોવાની ઘટના સામે આવી છે. કર્મચારીઓ જણાવી રહ્યા છે કે, નીતિન સાંગવાન વારંવાર તેમની સાથે અસભ્ય ભાષામાં વર્તન અને ધમકીઓ આપે છે. આજે કર્મચારીઓએ ભેગા મળીને સરકારમાં આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે અને જો IAS નીતિન સાંગવાન સામે પગલાં નહીં ભરવામાં આવે તો મોટાપાયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'તમને રુમમાં પુરીને ગોંધીને રાખીશ' જેવી ધમકીનો આક્ષેપ

આ અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના મહાપ્રમુખ ગુંજન પટેલે જણાવ્યું કે, IAS અધિકારી નીતિન સાંગવાન દ્વારા અચાનક જ ગર્ભિત રીતે અને કોઇપણ પ્રકારની ચકાસણી વગર અમારી બદલી કરી દેવામાં આવે છે. નીતિન સાંગવાન દ્વારા એકવાર નહીં પણ અનેકવાર અમને સસ્પેન્ડ કરવાની કે બદલી કરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. અમારા ઉપરી અધિકારીઓને પણ 'હું તમને જીવતા જમીનમાં દાટી દઈશ, તને બારીની બહાર ફેંકી દઇશ, તમને ચૂંટણીની કોઇપણ કાર્યવાહીમાં જવા જ નહીં દઉ, તમને આખી રાત રુમમાં પુરીને ગોંધીને રાખીશ સહિતની ધમકીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: PM મોદીએ મેલોનીને આપી 'Melodi'! : રોમમાં બંને નેતાઓની ખાસ સેલ્ફી, ઇટાલીના PMએ ફોટો શેર કરીને કહ્યું- 'Thank YOU


નીતિન સાંગવાન પર વર્ષ 2023માં હુમલો થયો હતો

વર્ષ 2023માં ગુજરાતના ડિરેક્ટર ઑફ ફિશરિઝ તરીકે ફરજ બજાવતા નીતિન સાંગવાન વર્ષ 2023ના માર્ચ મહિનામાં સાબરકાંઠાના ધરોઈ ડેમ ખાતે ફિશરિઝ પ્રોજેક્ટમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ માટે ગયા હતા. જે દરમિયાન તેમના પર બાબુ પરમાર નામના વ્યક્તિએ ટોળા સાથે કથિતપણે હુમલો કર્યો હતો. કથિત હુમલા બાદ વડાલી પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી બાબુ પરમાર સહિત 15થી 17 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. બીજી તરફ સામા પક્ષે આરોપી બાબુ પરમારે પણ IAS નીતિન સાંગવાન અને તેમની ટીમ સામે જાતિસૂચક શબ્દો બોલી અને મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો હતો.

કોણ છે IAS અધિકારી નીતિન સાંગવાન?

મૂળ હરિયાણાના નીતિન સાંગવાન વર્ષ 2016ની બેચના IAS છે. જેઓ હાલ ગાંધીનગર ખાતે રોજગાર અને તાલીમ કચેરીના નિયામક તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં તેઓ ગુજરાતના ડિરેક્ટર ઑફ ફિશરિઝ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 2019માં એક ટ્વીટના કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. જેમાં તેમણે બોર્ડની પરીક્ષામાં પોતે મેળવેલ પરિણામ અંગે માહિતી આપી હતી. ટ્વીટ અનુસાર તેમને ધોરણ 12ની કૅમિસ્ટ્રીની લેખિત પરીક્ષામાં 24 માર્ક્સ મેળવ્યા હતા જે પાસિંગ માર્ક્સ કરતાં માત્ર એક માર્ક વધુ હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now