Home Gujarat Ahmedabad Ahmedabad Nri Family Gold Jewellery Theft Akhbarnagar

અમદાવાદમાં NRI પરિવારના ઘરમાંથી ₹21 લાખના દાગીના ગાયબ : ઘરકામ કરતી મહિલા શંકાના ઘેરામાં

NRI ના ઘરમાં ચોરી
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 20, 2026, 10:46 AM IST

અમદાવાદ શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. અમેરિકામાં સ્થાયી થયેલા NRI પરિવારના ઘરમાંથી આશરે ₹21 લાખની કિંમતના સોનાના દાગીના રહસ્યમય રીતે ગાયબ થઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ખાસ વાત એ છે કે આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર પોતે જ ઘરમાં હાજર હતો. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, દેવાંગભાઈ ભટ્ટ અને તેમના પત્ની પ્રીતિબેન ભટ્ટ અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરે છે અને સમયાંતરે અમદાવાદ સ્થિત પોતાના ઘરે આવતા રહે છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં તેઓ અમદાવાદ આવ્યા ત્યારે બેંક લોકરમાં રહેલા સોનાના દાગીના ઘરના સેફમાં રાખ્યા હતા. ત્યારબાદ તેઓ ફરી અમેરિકા પરત ગયા હતા.

આ પણ વાંચો: 'હું તમને જીવતા જમીનમાં દાટી દઈશ' : ગાંધીનગરમાં IAS અધિકારીએ ધમકી આપતા કર્મચારીઓ મેદાને, કહ્યું- 'સરકાર પગલાં નહીં ભરે તો જોયા જેવી થશે'

અમેરિકા જવા પહેલાં થયો ચોંકાવનારો ખુલાસો

ગત 16 એપ્રિલે પ્રીતિબેન અમેરિકા જવા માટે પોતાના સામાનનું પેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન જ્યારે તેમણે કબાટ ખોલ્યું ત્યારે અંદર રાખેલા સોનાના દાગીના ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું. અચાનક આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

તે જ દિવસે અમેરિકાની ફ્લાઇટ હોવાથી દંપતી તાત્કાલિક સંપૂર્ણ પોલીસ ફરિયાદ નોંધાવી શક્યું નહોતું. જોકે, તેઓએ વાડજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી અને બાદમાં અમેરિકા જવું પડ્યું હતું. થોડા દિવસ પહેલાં તેઓ ફરી અમદાવાદ પરત ફર્યા બાદ ઘરની વિગતવાર તપાસ કરી, પરંતુ દાગીના ક્યાંય ન મળતાં આખરે સત્તાવાર રીતે FIR નોંધાવવામાં આવી છે.

ઘરકામ કરતી મહિલા પર પોલીસની નજર

પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પરિવાર જ્યારે પણ અમેરિકાથી અમદાવાદ આવતો, ત્યારે ઘરની સાફસફાઈ અને ઘરકામ માટે પાયલ પરમાર નામની મહિલાને રાખવામાં આવતી હતી. ઘટનાસ્થળે કોઈ તોડફોડના નિશાન ન મળતાં અને પરિવાર ઘરમાં હાજર હોવા છતાં દાગીના ગાયબ થતાં પોલીસ હવે અંદરના વ્યક્તિની સંડોવણીની દિશામાં પણ તપાસ કરી રહી છે.

તપાસ સાથે જોડાયેલા સૂત્રો મુજબ, ઘરમાં પ્રવેશનો કોઈ બળજબરીનો પુરાવો ન હોવાથી “ઇન્સાઇડ ઍંગલ”ને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. પોલીસે ઘરકામ કરતી મહિલા સહિત પરિવાર સાથે સંપર્કમાં રહેલા કેટલાક લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.


આ પણ વાંચો: PM મોદીએ મેલોનીને આપી 'Melodi'! : રોમમાં બંને નેતાઓની ખાસ સેલ્ફી, ઇટાલીના PMએ ફોટો શેર કરીને કહ્યું- 'Thank YOU

શહેરમાં સક્રિય ગેંગ હોવાની આશંકા

આ ઘટનાએ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વધી રહેલી ઘરફોડ અને ચોરીની ઘટનાઓને લઈને પણ ચિંતા વધારી છે. અખબારનગરની આસપાસ આવેલા નારણપુરા અને શાસ્ત્રીનગર વિસ્તારોમાં પણ તાજેતરમાં મોટી ચોરીની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. ત્રણેય વિસ્તારો એકબીજાથી બહુ નજીક આવેલા હોવાથી પોલીસ હવે કોઈ સંગઠિત પ્રોફેશનલ ગેંગ સક્રિય હોવાની સંભાવનાને પણ નકારી રહી નથી.

સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાંબા સમય માટે વિદેશ રહેતા NRI પરિવારોના ઘરો ગુનેગારોના નિશાન પર હોવાની ચર્ચા શરૂ થઈ છે. પોલીસ હવે CCTV ફૂટેજ, મોબાઈલ લોકેશન અને ઘર સાથે સંપર્કમાં રહેલા લોકોની વિગતોના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

વાડજ અને નારણપુરા પોલીસ માટે આ કેસ હવે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિકોમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ટેક્નિકલ સર્વેલન્સ અને પૂછપરછના આધારે જલ્દી જ આરોપીઓ સુધી પહોંચવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now