દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહેલા ‘વન નેશન, વન ઈલેકશન’ મુદ્દે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) હવે રાજ્યોમાં જઈને વિવિધ રાજકીય પક્ષો, વહીવટી અધિકારીઓ અને સામાજિક આગેવાનો સાથે સીધી ચર્ચા કરી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે JPCના સભ્યો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. અમદાવાદના ગિફ્ટ સિટી ક્લબમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત સરકારના પ્રેઝન્ટેશનને સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ “મોડલ” ગણાવતાં જણાવ્યું કે હવે આ પ્રકારના પ્રેઝન્ટેશન અન્ય રાજ્યોને પણ તૈયાર કરવા માટે મોકલવામાં આવશે.
ગુજરાતમાં શરૂ થયો ‘વન નેશન, વન ઈલેકશન’ પર મેરાથોન ચર્ચાનો દોર
‘વન નેશન, વન ઈલેકશન’ પ્રસ્તાવને લઈને કેન્દ્ર સરકાર ગંભીરતાથી આગળ વધી રહી છે. આ મુદ્દે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દેશના વિવિધ રાજ્યોમાં જઈને મંતવ્યો એકત્ર કરી રહી છે. આજથી ત્રણ દિવસ માટે JPCના સભ્યો ગુજરાતમાં રોકાયા છે.
અમદાવાદના ગિફ્ટ સિટી ક્લબ ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, કાયદા વિભાગના સચિવ ઉપેન્દ્ર ભટ્ટ તેમજ રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન. રાવ સહિત અનેક ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
માહિતી મુજબ, ગુજરાત સરકારના કુલ 10 વરિષ્ઠ અધિકારીઓએ વહીવટી વ્યવસ્થા, ચૂંટણી ખર્ચ, પોલીસ બંદોબસ્ત, શિક્ષણ અને વિકાસ કાર્યો પર પડતી અસર સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર રજૂઆત કરી હતી. અંદાજે અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં JPCના સભ્યો દ્વારા પણ અનેક પ્રશ્નો પૂછાયા હતા.
ગુજરાતના પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઈ JPC
જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ અને જાણીતા કાયદા નિષ્ણાત પી.પી. ચૌધરીએ ગુજરાત સરકારના પ્રેઝન્ટેશનની ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી અનેક રાજ્યોમાં બેઠક યોજાઈ હોવા છતાં આ પ્રકારનું સંકલિત અને મુદ્દાસર પ્રેઝન્ટેશન પહેલીવાર જોવા મળ્યું છે.
ચૌધરીએ કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા કેટલાક મુદ્દાઓ એવા હતા જે અગાઉ સમિતિ સમક્ષ આવ્યા જ નહોતા. હવે આ પ્રેઝન્ટેશનને વધુ સુધારી દેશના અન્ય રાજ્યો માટે મોડલ તરીકે મોકલવામાં આવશે જેથી તમામ રાજ્ય સરકારો સમાન માળખામાં પોતાના અહેવાલો તૈયાર કરી શકે.
તેમણે ખાસ કરીને ગુજરાતના મુખ્ય સચિવ અને તેમની ટીમના કાર્યની પ્રશંસા કરતાં કહ્યું કે રાજ્યએ માત્ર રાજકીય દૃષ્ટિકોણ નહીં પરંતુ વહીવટી અને આર્થિક અસરના મુદ્દાઓ પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે.
‘1967 પછી દેશ સતત ચૂંટણીના ચક્રમાં ફસાયો’
પી.પી. ચૌધરીએ બેઠક દરમિયાન ‘વન નેશન, વન ઈલેકશન’ના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે 1967 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી. પરંતુ ત્યારબાદ કેટલીક વિધાનસભાઓ સમય પહેલા ભંગ થવા લાગી અને ઇમરજન્સી જેવી પરિસ્થિતિઓને કારણે ચૂંટણી ચક્રમાં ફેરફાર થયો.
તેમણે યાદ અપાવ્યું કે ઇમરજન્સી દરમિયાન લોકસભાનો કાર્યકાળ પણ એક વર્ષ માટે વધારવામાં આવ્યો હતો. ત્યારથી દેશ ધીમે ધીમે સતત ચૂંટણીના મોડમાં જતો રહ્યો.
ચૌધરીએ જણાવ્યું કે 1983માં ચૂંટણી આયોગે પણ એકસાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી. ત્યારબાદ અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. 2015ની લો એન્ડ જસ્ટિસ કમિટી અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશો દ્વારા પણ આ વિચારને સમર્થન મળ્યું હતું.
‘18 હજાર પાનાનો રિપોર્ટ તૈયાર થયો’
JPC અધ્યક્ષે જણાવ્યું કે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કુલ 8 અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી હતી. આ સમિતિઓએ મળીને અંદાજે 18 હજાર પાનાનો વિશાળ રિપોર્ટ તૈયાર કર્યો છે.
આ રિપોર્ટમાં ચૂંટણી ખર્ચ, વહીવટી અસર, પોલીસ બંદોબસ્ત, શિક્ષણ વ્યવસ્થા, સરકારી યોજનાઓના અમલીકરણ અને આર્થિક પ્રવૃત્તિઓ પર પડતી અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ચૌધરીના જણાવ્યા અનુસાર જો સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજાય તો વહીવટી તંત્રને બાકીના સમયગાળા દરમિયાન વિકાસ અને જનહિતના કામો માટે વધુ સમય મળશે.
‘દેશ સતત ઇલેક્શન મોડમાં રહે છે’
પી.પી. ચૌધરીએ દાવો કર્યો કે હાલ દેશ દર વર્ષે 5થી 6 વિધાનસભા ચૂંટણીનો સામનો કરે છે, જેના કારણે સમગ્ર વહીવટી તંત્ર સતત ચૂંટણીના માહોલમાં જ રહે છે.
તેમણે કહ્યું કે ચૂંટણીને કારણે પોલીસ, શિક્ષકો, વહીવટી અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ લાંબા સમય સુધી ચૂંટણી ફરજમાં વ્યસ્ત રહે છે. જેના કારણે સામાન્ય સરકારી કામગીરી અને વિકાસ પ્રોજેક્ટ પર અસર પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત સહિતના અનેક રાજ્યોના અધિકારીઓને દેશના અન્ય ભાગોમાં ચૂંટણી ફરજ માટે મોકલવામાં આવે છે, જેના કારણે તેમના મૂળ વિભાગોના કામો પ્રભાવિત થાય છે.
‘7 લાખ કરોડ રૂપિયાની બચત શક્ય’
ચૌધરીએ આર્થિક દૃષ્ટિકોણથી પણ ‘વન નેશન, વન ઈલેકશન’ને મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ જો તમામ ચૂંટણી એકસાથે યોજાય તો દેશને આશરે 7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે.
તેમણે એક રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો કે દેશના અંદાજે 5 કરોડ મજૂરો મતદાન માટે પોતાના વતન પરત જાય છે અને ઘણા વખત સુધી પાછા ન ફરતા હોવાથી ઉત્પાદન અને રોજગારી પર અસર પડે છે.
ઉત્તરાખંડનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે રાજ્યની 43 ટકા અર્થવ્યવસ્થા પ્રવાસન પર આધારિત છે. જો પ્રવાસન સીઝનમાં ચૂંટણી યોજાય તો પ્રવાસીઓની સંખ્યા ઘટે છે અને રાજ્યની આવકને નુકસાન થાય છે.
રાજકીય પક્ષો સાથે પણ થશે બેઠક
JPC દ્વારા આગામી 20 મેના રોજ સવારે 10થી 12 વાગ્યા દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજાશે. તેમાં વિવિધ પક્ષોના મંતવ્યો લેવામાં આવશે.
સમિતિના સભ્યોમાં રાજ્યસભાના સાંસદ ઘનશ્યામ તિવારી, પરસોત્તમ રૂપાલા, મુકુલ વાસનિક અને રાજ્ય ચૂંટણી કમિશનર સંદીપ સાગલે સહિતના અગ્રણીઓ સામેલ છે.
રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ વર્ષો જૂનું ‘વન નેશન, વન ઈલેકશન’નું સ્વપ્ન રજૂ કર્યું હતું અને હવે ભારત સરકાર તેને સાકાર કરવા મક્કમતાથી આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે આ પ્રણાલીથી સમય, નાણાં અને વહીવટી શક્તિની મોટી બચત થશે અને દેશ સતત ચૂંટણી મોડમાંથી બહાર આવી પાંચ વર્ષ સુધી વિકાસ મોડમાં રહી શકશે.





