Home Gujarat Rajkot Jagdish Fofandi Veraval Pm Modi Europe Tour Seafood Industry

PM મોદીના યુરોપ પ્રવાસમાં વેરાવળના આ અગ્રણી ઉદ્યોગપતિને સ્થાન : ખારવા સમાજ અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ

વેરાવળના જગદીશ ફોફંડી PM મોદી સાથે યુરોપ પ્રવાસે
Published by: Viral Patel
Last Updated: May 19, 2026, 01:08 PM IST

Veraval News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસમાં દેશના પ્રતિનિધિમંડળમાં વેરાવળના અગ્રણી ઉદ્યોગપતિને સ્થાન મળતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લા સહિત ગુજરાતભરમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. વડાપ્રધાનના આગામી યુરોપ પ્રવાસ માટે વેરાવળના જાણીતા સીફૂડ ઉદ્યોગપતિ અને વેરાવળ-પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ વેલજીભાઈ ફોફંડીને ભારત સરકાર અને PMO (Prime Minister's Office) દ્વારા વિશેષ આમંત્રણ આપીને ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.

16 મે થી 22 મે દરમિયાન યુરોપ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૧૬ મે થી ૨૨ મે દરમિયાન યુરોપ અને અન્ય દેશોનો મહત્વપૂર્ણ પ્રવાસ યોજાઈ રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશોની રાજદ્વારી મુલાકાત લેવાના છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસમાં નોર્વે ખાતેના વિવિધ સત્તાવાર કાર્યક્રમો અને બેઠકોમાં વેરાવળના જગદીશ ફોફંડી ભારતીય ડેલિગેશનના ભાગરૂપે સામેલ થયા છે.

રાજકોટમાં લાલબત્તી સમાન કિસ્સો : દીકરીઓ માટે સોશિયલ મીડિયા બન્યું ખતરો, સગીરા પર 7 નરાધમોએ માણ્યું શરીરસુખ

વેપાર, બ્લુ ઇકોનોમી અને સીફૂડ નિકાસ અંગે થશે ચર્ચા

આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન ભારત અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર-વાણિજ્ય વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ખાસ કરીને 'બ્લુ ઇકોનોમી' (સમુદ્રી સંસાધનોનો ટકાઉ વિકાસ) અને સીફૂડ નિકાસ (Seafood Export) જેવા મહત્વના મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચાઓ થવાની છે. જગદીશભાઈ ફોફંડી સીફૂડ સેક્ટરના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા હોવાથી, તેમનું આ પ્રતિનિધિમંડળમાં હોવું ભારત અને ખાસ કરીને ગુજરાતના મત્સ્યોદ્યોગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જગદીશભાઈ ફોફંડીનું ગૌરવવંતું બેકગ્રાઉન્ડ

જગદીશભાઈ ફોફંડી માત્ર વેરાવળ જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે સીફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવે છે. તેઓ 'સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા' (Seafood Exporters Association of India) ના પૂર્વ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય સ્તરે સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ વેરાવળ-પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય રહ્યા છે.

ગુજરાતના આ જિલ્લામાં ઈંધણની ભારે કટોકટી! : પેટ્રોલ-ડીઝલ ખૂટી જતાં પંપો બંધ, વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો

ખારવા સમાજ અને વેરાવળ શહેરમાં હર્ષોલ્લાસ

વડાપ્રધાનના આટલા મહત્વના પ્રવાસમાં વેરાવળના પનોતા પુત્રની પસંદગી થતાં સ્થાનિક ખારવા સમાજ માટે આ ઐતિહાસિક ગૌરવ અને સન્માનની ક્ષણ બની રહી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર વેરાવળ શહેરમાં તેમજ મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા વેપારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને જગદીશભાઈ પર ઠેર-ઠેરથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now