Rajkot news: હાલના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક અને અજાણ્યા લોકો સાથેની મિત્રતા સગીરવયની દીકરીઓ માટે કેટલો મોટો ખતરો બની શકે છે, તેનો જીવતોજાગતો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની એક માત્ર ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ૭ જેટલા નરાધમોએ પોતાનો શિકાર બનાવી હોવાની હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ઇન્સ્ટાગ્રામ' પર થયેલી મિત્રતા આ માસૂમ બાળકી માટે કાળ સાબિત થઈ છે.
ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ નરાધમોએ આચર્યું પાપ
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર 15 વર્ષની સગીરાનો સંપર્ક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયો હતો. સગીરાની જ એક સહેલીએ (મિત્ર) આ શખ્સો સાથે તેની ઓળખાણ કરાવી હોવાનું સામે આવ્યું છે. પ્રેમની ખોટી જાળમાં ફસાવીને આ નરાધમોએ સગીરાને પોતાનો શિકાર બનાવી હતી. આ નરાધમોએ માનવતાની તમામ હદો વટાવીને હોટેલ, બંધ ઘર અને ચાલતી કારમાં સગીરા પર અવારનવાર અત્યાચાર ગુજાર્યો હતો. સગીરાનો આક્ષેપ છે કે આરોપીઓએ તેને છરીની અણીએ ડરાવી-ધમકાવીને શારીરિક સંબંધો બાંધ્યા હતા.
કુખ્યાત મિહિર કુગશીયા સહિત 8 સામે ફરિયાદ: પોક્સો હેઠળ ગુનો દાખલ
આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કુખ્યાત મિહિર કુગશીયા સહિત કુલ ૮ વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ચોપડે ચડેલા આરોપીઓના નામ અને વિગતો નીચે મુજબ છે. જેમાં ડેવિલ ઉર્ફે સાહીલ, સાહીલ ઉર્ફે ઝેરી, મિહીર કુગશીયા (કુખ્યાત ગુનેગાર), રજાક ઠેબા, ધવલ, આશીફ શાહમદાર. આરોપીઓ પૈકી રજાક ઠેબા, ધવલ અને આશીફ શાહમદારે ચાલતી કારમાં સગીરા પર શરીરસુખ માણી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની ત્વરિત કાર્યવાહી: ૪ આરોપીઓ ઝડપાયા, સહેલીની ભૂમિકાની તપાસ
ઘટનાની ગંભીરતાને જોતાં ભક્તિનગર પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે સઘન તપાસ આદરીને અત્યાર સુધીમાં મુખ્ય આરોપીઓ સહિત ચાર નરાધમોને ઝડપી પાડ્યા છે અને બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટવાસીઓને મોટી રાહત : કરોડોના ખર્ચે બનેલો નવો સાંઢીયા પુલ ટૂંક સમયમાં ખુલશે
સહેલી પણ શંકાના દાયરામાં
આ સમગ્ર ગુનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સગીરાની સહેલીએ જ આ નરાધમો સાથે તેનો સંપર્ક કરાવ્યો હતો. આથી, આ આખી ઘટનામાં તે સહેલીની ભૂમિકા શું હતી, શું તે પણ આ ગુનાહિત કાવતરામાં સામેલ હતી કે કેમ, તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
રાજકોટની આ ઘટના એ તમામ માતા-પિતા માટે એક ખૂબ જ મોટો ચેતવણીરૂપ કિસ્સો છે, જેમના સંતાનો સોશિયલ મીડિયા પર સક્રિય છે. સગીર વયના બાળકો સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં છે, કેવા મિત્રો બનાવે છે અને તેમનું વર્તન કેવું છે, તેના પર વાલીઓએ સતત નજર રાખવી અનિવાર્ય બની ગઈ છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ગંભીર ઘટનાનો ભોગ બનતા માસૂમોને બચાવી શકાય.
હાશ..! હવે અગનગોળા ફેંકતી ગરમીથી મળશે રાહત : જાણો હવામાન વિભાગની 'ટાઢક' આપતી આગાહી





