અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક દબાણ, બેફામ ડ્રાઇવિંગ અને ખામીયુક્ત રોડ ડિઝાઇનને કારણે અનેક જંક્શન હવે “મોતના ઝોન” બની રહ્યા છે. શહેરના કેટલાક મુખ્ય ટ્રાફિક જંક્શન પર દરરોજ સર્જાતી અવ્યવસ્થા અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA)ના ડેટા અનુસાર, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અનેક જંક્શનને હાઈ-રિસ્ક “બ્લેક સ્પોટ” તરીકે ઓળખવામાં આવ્યા છે. ખાસ કરીને નરોડા પાટિયા, પકવાન જંક્શન, YMCA જંક્શન, થલતેજ અંડરપાસ અને ઓઢવ રિંગ રોડ BRTS વિસ્તાર અકસ્માત માટે સૌથી વધુ જોખમી બની રહ્યા છે.
નરોડા પાટિયા શહેરનું સૌથી જોખમી જંક્શન
GRSAના અહેવાલ મુજબ, નરોડા પાટિયા જંક્શન હાલ અમદાવાદનું સૌથી જોખમી ટ્રાફિક જંક્શન માનવામાં આવે છે. અહીં 2019થી અત્યાર સુધીમાં 14 લોકોના મોત નોંધાયા છે. ટ્રાફિક સિગ્નલની ખામી, ઈકો વાન અને રિક્ષાની વધુ અવરજવર તથા સતત ટ્રાફિક જામના કારણે અહીં સ્થિતિ અત્યંત જોખમી બની રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં નિયમોના અમલમાં ઢીલાશ જોવા મળે છે. રસ્તા ઓળંગતા પાદયાત્રીઓ અને ઝડપથી દોડતા વાહનો વચ્ચે વારવાર અથડામણની સ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ સંકટથી ખાનગી બસ સેવા થઈ પ્રભાવિત : અનેક રૂટ કરાયા બંધ, કેટલાક રૂટ કરાયા ટૂંકા
SG હાઈવે અને પકવાન જંક્શન પર પણ ખતરો
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું પકવાન જંક્શન પણ અત્યંત જોખમી ગણાઈ રહ્યું છે. અહીં ફ્લાયઓવર હોવા છતાં 7 જેટલા જીવલેણ અકસ્માતો નોંધાયા છે. રોડ ડિઝાઈનમાં રહેલી ખામીઓ અને અસ્પષ્ટ એન્ટ્રી પોઈન્ટ અકસ્માતનું મોટું કારણ બની રહ્યા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
YMCA જંક્શન અને થલતેજ અંડરપાસ વિસ્તારમાં નિર્માણકાર્ય ચાલુ હોવાનાં કારણે ટ્રાફિક વધી જાય છે. ખાસ કરીને ચેઈન-લિંક ફેન્સિંગ અને સુરક્ષા બેરિકેડના અભાવે અહીં અકસ્માતની સંભાવના વધુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
શહેરમાં 33 હાઈ-રિસ્ક બ્લેક સ્પોટ
તાજેતરના GRSA ઓડિટમાં અમદાવાદ શહેરના કુલ 33 જંક્શનને હાઈ-રિસ્ક ક્રોસિંગ તરીકે દર્શાવાયા છે. જેમાં ઓઢવ રિંગ રોડ BRTS, નરોડા પાટિયા, પિરાણા ચોકડી અને નરોલ સર્કલ જેવા વિસ્તારોમાં ભારે વાહનવ્યવહાર વચ્ચે સતત અકસ્માત સર્જાઈ રહ્યાં છે. રિપોર્ટ મુજબ, મેટ્રો અને ફ્લાયઓવર પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ પણ અકસ્માતમાં વધારો કરી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે રિફ્લેક્ટિવ શીટિંગ વગરના પિલર અને ડાયવર્ઝન જોખમ ઉભું કરે છે.
ટ્રાફિક સેન્સ અને અમલ બંને જરૂરી
સોશિયલ મીડિયા અને સ્થાનિક ચર્ચાઓમાં પણ અમદાવાદના ટ્રાફિકને લઈને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અનેક લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન ન થવું, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવાની ટેવ અને બેફામ રિક્ષા-બાઈક ચાલકોને શહેરની મોટી સમસ્યા ગણાવી રહ્યા છે. માત્ર ફ્લાયઓવર અથવા રોડ વિસ્તરણથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. અસરકારક ટ્રાફિક અમલ, પદયાત્રીઓની સુરક્ષા, યોગ્ય રોડ ડિઝાઈન અને ડ્રાઈવિંગ સેન્સ અંગે જાગૃતિ પણ અત્યંત જરૂરી બની ગઈ છે.






