PM Modi West Bengal Rally: પશ્ચિમ બંગાળમાં આગામી 23 અને 29 એપ્રિલના રોજ યોજાનારા અંતિમ તબક્કાના મતદાન પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પૂર્વ બર્ધમાન જિલ્લાના કાટવા ખાતે એક વિશાળ જનસભાને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે બંગાળની ધરતી પર ગેરકાયદેસર રીતે વસેલા ઘૂસણખોરોએ હવે જવાનો સમય પાકી ગયો છે, જ્યારે વર્ષોથી આશરો લઈ રહેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે 'મોદીની ગેરંટી' હેઠળ CAA પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.
PM મોદીએ પોતાના ભાષણમાં શરણાર્થી સમુદાયો ખાસ કરીને મતુઆ અને નામશુદ્ર પરિવારોને ભરોસો આપ્યો હતો કે ભાજપ સરકાર તેમની સાથે છે. તેમણે ભ્રષ્ટાચાર અને રાજકીય હિંસા મુદ્દે પણ મમતા સરકારને ઘેરી હતી અને જાહેરાત કરી હતી કે રાજ્યમાં ભાજપની સરકાર બનતાની સાથે જ હિંસાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવશે. બંગાળમાં પરિવર્તનનો નારો લગાવતા મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર સત્તા મેળવવા માટે નહીં પણ TMC ના ભયમાંથી મુક્તિ મેળવવા માટે છે.
CAA પર મોટી જાહેરાત: મતુઆ-નામશુદ્ર પરિવારોને મળશે ઝડપી નાગરિકતા
વડાપ્રધાન મોદીએ કાટવાની રેલીમાં મતુઆ અને નામશુદ્ર શરણાર્થી પરિવારોને સંબોધતા કહ્યું કે, "તમે દેશના બંધારણના રક્ષણ હેઠળ છો. મોદીએ CAA કાયદો એટલે બનાવ્યો છે જેથી તમને અને તમામ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકે." તેમણે વધુમાં ઉમેર્યું કે બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ, તમામ પાત્ર અરજદારો માટે CAA હેઠળ નાગરિકતા આપવાની પ્રક્રિયામાં અનેકગણી ગતિ લાવવામાં આવશે. આ નિવેદનને બંગાળના સરહદી વિસ્તારોના મતો મેળવવા માટે માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે.
ઘૂસણખોરો પર આકરા પ્રહાર: 'બિસ્તરા-પોટલાં બાંધી લો'
ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દે વડાપ્રધાને કડક વલણ અપનાવતા કહ્યું કે, "ઘૂસણખોરોએ હવે તેમના બેગ પેક કરવાનું શરૂ કરી દેવું જોઈએ; આ તેમના જવા માટેનો સમય છે." તેમણે TMC પર નિશાન સાધતા કહ્યું કે જે લોકોએ આ ઘૂસણખોરોને મદદ કરી છે તેમને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. પીએમએ આડકતરી રીતે મમતા બેનર્જી પર તુષ્ટિકરણની રાજનીતિનો આક્ષેપ લગાવ્યો હતો.





