ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં જ અનેક જિલ્લાઓમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. જામનગર, મહીસાગર અને નર્મદા જેવા વિસ્તારોમાં સિનિયર નેતાઓએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રાજીનામા આપ્યા છે. ટિકિટ વિતરણને લઈને ઉભેલા આ વિવાદે રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે.
જામનગરમાં કેશુ માડમનો બળવો
જામનગર શહેરમાં ભાજપના સિનિયર કોર્પોરેટર કેશુ માડમે પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. વોર્ડ નંબર 4 વિસ્તારમાં પોતાનું મજબૂત વચસ્વ ધરાવતા કેશુ અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. આ વખતે ટિકિટ ન મળતા તેઓ ખુલ્લેઆમ નારાજ થયા હતા. લાંબા સમયથી પાર્ટીમાં કોઈ મહત્વનો હોદ્દો ન મળવાથી તેઓ અસંતુષ્ટ હતા. ટિકિટ કપાતા જ તેમણે ભાજપ છોડીને બસપામાં જોડાવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ “હાથી”ના પ્રતીક સાથે ચૂંટણી લડશે. કેશુભાઈએ ફિલ્મી અંદાજમાં ભાજપને પડકાર આપતા નિવેદન આપ્યું, જેના કારણે શહેરના રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે વોર્ડ નંબર 4માં ભાજપ, કોંગ્રેસ અને બસપા વચ્ચે ત્રિપક્ષીય મુકાબલો થવાનો છે.
મહીસાગર જિલ્લામાં ભાજપમાં ભડકો
મહીસાગર જિલ્લામાં ભાજપની યાદી જાહેર થતાં જ પાર્ટીમાં આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો છે. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રણજીતસિંહ બારીયાએ પોતાના તમામ હોદ્દા અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રણજીતસિંહે પોતાના રાજીનામામાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે પાર્ટી એક તરફ સિદ્ધાંતોની વાત કરે છે, પરંતુ ટિકિટ વહેંચણીમાં એ જ સિદ્ધાંતોને અવગણવામાં આવ્યા છે. વર્ષ 1992થી ભાજપ સાથે જોડાયેલા અને અગાઉ જિલ્લા મંત્રી તરીકે સેવા આપનાર રણજીતસિંહે પક્ષની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે શિક્ષિત અને અનુભવી કાર્યકરોને સાઈડલાઇન કરીને અન્ય લોકોને ટિકિટ આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, જેના કારણે જિલ્લામાં રાજકારણ વધુ ગરમાયું છે.
આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં બળવો : 12 વર્ષ બાદ કાર્યકરોમાં ઉગ્ર નારાજગી, ટિકિટ વિતરણ પર વિવાદ
નર્મદા જિલ્લામાં આદિવાસી મુદ્દે અસંતોષ
નર્મદા જિલ્લામાં પણ ભાજપ માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના નજીકના ગણાતા સુરેશ વસાવાએ ભાજપના સક્રિય સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુરેશ વસાવાએ ટિકિટ ફાળવણીને લઈને ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને નાંદોદ તાલુકા પંચાયતની પોઇચા બેઠક પર આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આદિવાસી સમાજના ઉમેદવારને બદલે અન્ય સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે, જે યોગ્ય નથી. આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સાથે જ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આદિવાસી સમાજની એક યુવતીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા બાદ તેને ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે સમાજમાં વધુ નારાજગી ઊભી થઈ છે.





