Home National Meerut Skeleton Case Father Daughter Body Perfume Mystery Mental Illness

દીકરીના મૃતદેહ સાથે 4 મહિના સુધી ઘરમાં રહ્યા પિતા : દુર્ગંધ છુપાવવા પરફ્યુમનો ખેલ અને પછી જે મળ્યું તે જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ

Meerut Skeleton Case
Published by: Nirali Gohil
Last Updated: Apr 11, 2026, 09:34 AM IST

Meerut Skeleton Case: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણના રૂંવાડા ઉભા થઈ જાય. એક લાચાર પિતા પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુને સ્વીકારી ન શક્યા અને તેના મૃતદેહ સાથે ચાર મહિના સુધી એક જ ઘરમાં રહ્યા. આ ઘટના માત્ર આશ્ચર્યજનક નથી, પરંતુ માનસિક આઘાત અને એકલતાની પરાકાષ્ઠા દર્શાવે છે. દીકરીના મૃતદેહમાંથી આવતી દુર્ગંધ પડોશીઓ સુધી ન પહોંચે તે માટે પિતા સતત પરફ્યુમ છાંટતા રહ્યા, પરંતુ કુદરત આગળ લાચાર બનેલા પિતાનો આ ભયાનક રહસ્યનો અંત ત્યારે આવ્યો જ્યારે સંબંધીઓ અચાનક ઘરે પહોંચ્યા.

જ્યારે પોલીસ અને સંબંધીઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે દ્રશ્યો અત્યંત બિહામણા હતા. દીકરીનું આખું શરીર હાડપિંજર બની ગયું હતું અને માત્ર પગના ભાગે જ માંસ બચ્યું હતું. પિતા ઉદય ભાનુ બિસ્વાસ પોતાની દીકરી પ્રિયંકાથી અલગ થવા માંગતા ન હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ વિચિત્ર કિસ્સો અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શિક્ષિકા દીકરીનું બીમારીમાં મોત અને પિતાનો અટ્ટહાસ્ય જેવો સંકલ્પ

મૂળ બંગાળના અને શિક્ષણ વિભાગના નિવૃત્ત અધિકારી ઉદય ભાનુ બિસ્વાસ પોતાની 35 વર્ષીય દીકરી પ્રિયંકા સાથે મેરઠના સદર વિસ્તારમાં રહેતા હતા. પ્રિયંકા પોતે કમ્પ્યુટર શિક્ષિકા હતી. 1 ડિસેમ્બર 2025ના રોજ પ્રિયંકાનું કમળાની બીમારીને કારણે અવસાન થયું હતું. પત્નીના વર્ષો પહેલા થયેલા મૃત્યુ બાદ ઉદય ભાનુ માટે દીકરી જ સર્વસ્વ હતી. દીકરીના મોતના આઘાતમાં તેઓ એટલા પાગલ થઈ ગયા કે, તેમણે અંતિમ સંસ્કાર કરવાને બદલે મૃતદેહને ઘરમાં જ રાખવાનો નિર્ણય કર્યો.

પરફ્યુમની બોટલો અને કચરાના ઢગલા વચ્ચે છુપાયેલું રહસ્ય

પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, શરૂઆતના પાંચ દિવસ તેઓ મૃતદેહ પાસે જ બેસી રહ્યા. જ્યારે મૃતદેહ સડવા લાગ્યું અને દુર્ગંધ આવવા માંડી, ત્યારે તેઓ બજારમાંથી પરફ્યુમની બોટલો લઈ આવ્યા અને સતત છાંટતા રહ્યા. એટલું જ નહીં, મૃતદેહ કોઈને દેખાય નહીં તે માટે તેમણે ઘરની અંદર કચરાના ઢગલા કરી દીધા હતા. થોડો સમય તેઓ ઘર બંધ કરીને દેહરાદૂન પણ ચાલ્યા ગયા અને જ્યારે કોઈ સંબંધી ફોન કરે ત્યારે દીકરી હોસ્પિટલમાં દાખલ હોવાનું જુઠ્ઠાણું ચલાવતા રહ્યા.

આ પણ વાંચો: સંસદમાં PM મોદી અને રાહુલ વચ્ચે જામી 'ગૂફ્તગૂ' : મહાત્મા ફૂલેની પ્રતિમા પાસે સર્જાયા દુર્લભ દ્રશ્યો

ચાની દુકાને પિતા ઝડપાયા અને પાપનો ઘડો ફૂટ્યો

જો કે, ઘણા સમયથી પ્રિયંકાનો પતો ન મળતા પિતરાઈ ભાઈ સુનીલમલ બિસ્વાસને શંકા ગઈ હતી. જેથી શુક્રવારે સાંજે ઉદય ભાનુને એક ચાની દુકાને જોવામાં આવ્યા અને સંબંધીઓએ તેમને પકડી પાડ્યા. જ્યારે તેમને પરાણે ઘરે લાવવામાં આવ્યા અને ઘરનો દરવાજો ખોલ્યો, ત્યારે અંદરથી આવતી ભયાનક દુર્ગંધથી લોકો દૂર ભાગવા લાગ્યા હતા. જો કે, પોલીસની ટીમે અંદર જઈને તપાસ શરૂ કરતા રૂમની અંદર પલંગ પર પડેલું હાડપિંજર જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

પરિવારનો કરુણ ઇતિહાસ: પત્નીએ પણ કરી હતી આત્મહત્યા

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, વર્ષ 2013માં ઉદય ભાનુની પત્ની શર્મિષ્ઠાએ આર્થિક અને પારિવારિક કારણોસર ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. માતાના મૃત્યુ બાદ પ્રિયંકા પણ આઘાતમાં હતી અને પિતા-પુત્રી ખૂબ જ એકલવાયું જીવન જીવતા હતા. કદાચ આ જ એકલતાએ પિતાને આટલી હદે માનસિક રીતે વિચલિત કરી દીધા કે, તેઓ મૃત દીકરીને પણ છોડવા તૈયાર ન હતા. હાલ પોલીસે પિતાની અટકાયત કરી છે અને હાડપિંજરને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now