16 જુલાઈથી શરૂ થનારી વિશ્વવિખ્યાત જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ સર્વધર્મ સમભાવ અને નિષ્કપટ ભક્તિનું જીવંત પ્રતીક છે. પુરીમાં આજે પણ ભગવાન જગન્નાથનો રથ ભક્ત સાલબેગની મજાર પાસે રોકાય છે, જે પાછળ એક અનોખી અને પ્રેરણાદાયી કથા જોડાયેલી છે. ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદ સહિત દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનો મહાપર્વ માનવામાં આવે છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ભવ્ય રથમાં આરુઢ થઈ શ્રીમંદિરથી ગુંડીચા મંદિર તરફ પ્રસ્થાન કરે છે. લાખો ભક્તો ભગવાનના રથને ખેંચીને પોતાને ધન્ય માને છે. જગન્નાથ રથયાત્રા સાથે અનેક ઐતિહાસિક પ્રસંગો અને લોકમાન્યતાઓ જોડાયેલી છે, પરંતુ તેમાં સૌથી વધુ પ્રેરણાદાયી કથા ભક્ત સાલબેગની છે. સાલબેગ મુસ્લિમ પરિવારમાં જન્મેલા હોવા છતાં ભગવાન જગન્નાથના એવા અનન્ય ભક્ત બન્યા કે આજે પણ રથયાત્રા દરમિયાન ભગવાનનો રથ તેમની મજાર સામે થોડી ક્ષણો માટે રોકાય છે. આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ભક્તિ અને માનવતાના ઊંડા સંદેશનું પ્રતીક માનવામાં આવે છે.
કોણ હતા ભક્ત સાલબેગ?
ભક્ત સાલબેગનો જન્મ 17મી સદી દરમિયાન મુઘલકાળમાં થયો હોવાનું માનવામાં આવે છે. તેમના પિતા લાલબેગ મુઘલ સૈન્યમાં ઉચ્ચ અધિકારી હતા, જ્યારે તેમની માતા હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી હતાં. બાળપણથી જ સાલબેગ બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે ઉછર્યા હતા. લોકપ્રચલિત કથા મુજબ, એક યુદ્ધ દરમિયાન સાલબેગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અનેક પ્રયાસો છતાં તેઓ સ્વસ્થ થઈ શક્યા નહીં. તે સમયે તેમની માતાએ ભગવાન જગન્નાથનું સ્મરણ કરવાની સલાહ આપી. સાલબેગે પૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનને પ્રાર્થના કરી અને ધીમે-ધીમે તેઓ સ્વસ્થ થતા ગયા.
આ ઘટનાએ તેમના જીવનમાં આધ્યાત્મિક પરિવર્તન લાવ્યું અને તેઓ ભગવાન જગન્નાથના પરમ ભક્ત બની ગયા. ત્યારબાદ તેમણે પુરી જઈ ભગવાનના દર્શન કરવાનો સંકલ્પ કર્યો. જોકે તે સમયની પરંપરા મુજબ મુસ્લિમ હોવાના કારણે તેમને જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી નહોતી. મંદિરના દ્વાર તેમના માટે બંધ રહ્યા, પરંતુ તેમની ભક્તિ ક્યારેય ઓછી થઈ નહીં. તેઓ મંદિરની બહાર રહીને ભગવાનના ભજન ગાતા, કવિતાઓ રચતા અને જીવનભર ભગવાનનું સ્મરણ કરતા રહ્યા.ઓડિયા સાહિત્યમાં ભક્ત સાલબેગનું વિશેષ સ્થાન છે. તેમના દ્વારા રચાયેલા અનેક ભક્તિગીતો આજે પણ ઓડિશાના મંદિરો અને ધાર્મિક કાર્યક્રમોમાં ગવાય છે.
આ પણ વાંચો: ગત વર્ષની ઘટનાથી લીધો બોધપાઠ! : આ વખતે હાથીઓ સાથે ખુદ આગળ ચાલ્યા મહંત દિલીપદાસજી
રથ અચાનક કેમ રોકાઈ ગયો?
ભક્ત સાલબેગ સાથે જોડાયેલી સૌથી જાણીતી લોકમાન્યતા ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે સંબંધિત છે. કહેવાય છે કે એક વખત સાલબેગ વૃંદાવનની યાત્રાએ ગયા હતા. પરત ફરતી વખતે તેમને ખબર પડી કે રથયાત્રા શરૂ થઈ ગઈ છે અને તેઓ સમયસર પુરી પહોંચી શકશે નહીં. તેમણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે તેઓ એકવાર દર્શન કરવા ઈચ્છે છે. તે દરમિયાન ભગવાન જગન્નાથનો રથ શ્રીમંદિરથી ગુંડીચા મંદિર તરફ આગળ વધી રહ્યો હતો. હજારો ભક્તો રથ ખેંચી રહ્યા હતા, પરંતુ અચાનક રથ એક સ્થળે આવીને સંપૂર્ણપણે અટકી ગયો. હજારો લોકોના પ્રયાસો છતાં રથ એક ઈંચ પણ આગળ વધ્યો નહીં.
તે સમયે હાજર એક વૃદ્ધ ભક્તે જણાવ્યું કે આ સ્થળ ભક્ત સાલબેગ સાથે જોડાયેલું છે. ત્યારબાદ ભક્તોએ ભગવાન જગન્નાથની સાથે 'જય ભક્ત સાલબેગ'ના જયઘોષ કર્યા. લોકમાન્યતા મુજબ, ત્યાર પછી જ રથ ફરી આગળ વધ્યો.
આ ઘટનાને ભગવાન દ્વારા પોતાના ભક્તને અપાયેલા વચન સાથે જોડવામાં આવે છે. ત્યારથી દર વર્ષે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથનો રથ ભક્ત સાલબેગની મજાર સામે થોડો સમય રોકાય છે. આ પરંપરા આજે પણ પુરીમાં યથાવત્ છે અને લાખો ભક્તો આ ક્ષણના સાક્ષી બનવા ઉમટી પડે છે.
ભક્તિ ધર્મથી મોટી હોવાનો સંદેશ
ભક્ત સાલબેગની કથા માત્ર ધાર્મિક લોકવાયકા નથી, પરંતુ ભારતીય આધ્યાત્મિક પરંપરાની વિશાળતાનું પ્રતિબિંબ પણ છે. સમાજે તેમને મંદિરની અંદર પ્રવેશવાની મંજૂરી આપી નહોતી, પરંતુ લોકમાન્યતા મુજબ ભગવાને તેમને પોતાના પરમભક્ત તરીકે સ્વીકાર્યા. આ કથા એ વાતનો સંદેશ આપે છે કે ઈશ્વર માટે કોઈ વ્યક્તિનો ધર્મ, જાતિ કે જન્મ મહત્વનો નથી. નિષ્કપટ ભક્તિ, સમર્પણ અને પ્રેમ જ સૌથી મોટું સાધન છે. તેથી જ આજે પણ હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો ભક્ત સાલબેગને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે.
રથયાત્રાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ
જગન્નાથ રથયાત્રા વિશ્વના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક છે. પુરીમાં યોજાતી રથયાત્રાનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા 3 અલગ-અલગ ભવ્ય રથોમાં આરુઢ થઈ ગુંડીચા મંદિર સુધીની યાત્રા કરે છે. લાખો ભક્તો રથ ખેંચવાનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી આવે છે. ગુજરાતમાં પણ અમદાવાદની જગન્નાથ રથયાત્રા દેશની સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ રથયાત્રાઓમાંની એક છે. અહીં પણ લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે. રથયાત્રા દરમિયાન શહેરમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આજના સમયમાં પણ પ્રાસંગિક છે સાલબેગની ગાથા
આજના સમયમાં જ્યારે સમાજમાં ધર્મ અને ઓળખના આધારે અનેક ચર્ચાઓ થતી હોય છે, ત્યારે ભક્ત સાલબેગની ગાથા સર્વધર્મ સમભાવ અને સહઅસ્તિત્વનો અનોખો સંદેશ આપે છે. તેમની ભક્તિ દર્શાવે છે કે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ કોઈ એક ઓળખથી નક્કી થતો નથી, પરંતુ હૃદયની નિર્મળતા અને સમર્પણથી નક્કી થાય છે. પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથનો રથ ભક્ત સાલબેગની સમાધિ સામે રોકાય છે, તે માત્ર પરંપરા નથી પરંતુ એ માનવતા, સહિષ્ણુતા અને ભક્તિનું જીવંત પ્રતીક છે. આ પ્રસંગ લાખો લોકોને યાદ અપાવે છે કે સાચી આસ્થા કોઈ ભેદભાવને માનતી નથી.
ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના એવા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ભક્તિ દરેક ભેદભાવથી ઉપર સ્થાન પામે છે. ભક્ત સાલબેગની ગાથા આજે પણ એટલા માટે જીવંત છે કે તે આપણને શીખવે છે. ભગવાન માટે સૌથી મોટો ધર્મ માત્ર અને માત્ર સાચી ભક્તિ છે.





