Home Gujarat Ahmedabad Mahant Dilipdasji Walks With Elephants Ahmedabad Jagannath Rath Yatra 2026

Rath Yatra 2026અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન જોવા મળ્યો એક અજુક્તો નજારો : શા માટે આ વખતે હાથીઓ સાથે ખુદ આગળ ચાલતા દેખાયા મહંત દિલીપદાસજી?

Ahmedabad Rath Yatra 2026
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jul 16, 2026, 06:20 AM IST

Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન આ વર્ષે એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પરંપરાગત રીતે રથયાત્રાના અગ્રભાગમાં હાથીઓ સાથે ચાલતા જોવા મળ્યા. દર વર્ષે રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સ્વાગત સમારોહોમાં મહંત થોડીવાર માટે રોકાતા હોય છે, પરંતુ આ વખતે તેમણે સમગ્ર ધ્યાન રથયાત્રાની વ્યવસ્થા અને હાથીઓની સુરક્ષા પર કેન્દ્રિત રાખ્યું હતું. ગત વર્ષની રથયાત્રા દરમિયાન હાથી બેકાબુ થવાની ઘટના બાદ આ વર્ષે તંત્ર અને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. તેના ભાગરૂપે મહંત દિલીપદાસજી મહારાજ પોતે હાથીઓની નજીક રહી તેમની સાથે અગ્રભાગમાં સતત ચાલતા રહ્યા. તેમના આ નિર્ણયને કારણે સમગ્ર યાત્રા દરમિયાન હાથીઓની હિલચાલ પર નજીકથી નજર રાખવામાં આવી હતી.

ગત વર્ષની ઘટનાથી લીધો બોધપાઠ

ગયા વર્ષે રથયાત્રા દરમિયાન બાબુ નામનો હાથી બેકાબુ બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી, તેમ છતાં આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા હતા. આ વર્ષે આવી કોઈ સ્થિતિ સર્જાય નહીં તે માટે મંદિર ટ્રસ્ટ, વન વિભાગ અને પોલીસ તંત્રે અગાઉથી જ વિશેષ આયોજન કર્યું હતું. મહંત દિલીપદાસજી મહારાજ પણ આ આયોજનનો મહત્વપૂર્ણ ભાગ બન્યા અને સમગ્ર સમય હાથીઓની સાથે રહી યાત્રા આગળ વધારતા રહ્યા.

આ પણ વાંચો: અમદાવાદની 149મી રથયાત્રા : સરસપુરના મોસાળમાં ભગવાન જગન્નાથના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ, હજારો ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા

હાથીઓને પગમાં બેડી બાંધી રાખવામાં આવી

રથયાત્રા દરમિયાન હાથીઓ સંપૂર્ણ નિયંત્રણમાં રહે તે માટે તેમના પગમાં સુરક્ષાત્મક બેડી બાંધવામાં આવી હતી. આ વ્યવસ્થા માત્ર સુરક્ષાના હેતુથી કરવામાં આવી હોવાનું મંદિર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. હાથીઓ પણ સમગ્ર યાત્રા દરમિયાન શાંતિપૂર્વક આગળ વધતા જોવા મળ્યા અને કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

પ્રથમ વખત સ્વાગત કાર્યક્રમોમાં રોકાયા નહીં

દર વર્ષે રથયાત્રાના રૂટ પર અનેક સામાજિક, ધાર્મિક અને વેપારી સંસ્થાઓ દ્વારા મહંતનું સ્વાગત કરવામાં આવે છે, જ્યાં તેઓ થોડો સમય રોકાઈ આશીર્વાદ આપતા હોય છે. જોકે આ વર્ષે એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો. મહંત દિલીપદાસજી મહારાજ કોઈપણ સ્વાગત સ્થળે રોકાયા નહોતા. તેઓ સીધા જ રથયાત્રાની સાથે આગળ વધ્યા અને સમગ્ર સમય યાત્રાની ગતિ તથા હાથીઓની સ્થિતિ પર નજર રાખતા રહ્યા. તેમની આ પ્રાથમિકતા સુરક્ષા અને વ્યવસ્થાને વધુ મહત્વ આપવાના સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત CM અને DyCM એ એક સાથે કરી પહિંદ વિધિ : ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સોનાની સાવરણીથી સ્વચ્છ કર્યો ભગવાનનો માર્ગ

ભક્તોમાં પણ ચર્ચાનો વિષય બન્યો મહંતનો નિર્ણય

રથયાત્રા નિહાળવા આવેલા અનેક ભક્તો માટે મહંત દિલીપદાસજી મહારાજનો આ અંદાજ ચર્ચાનો વિષય બન્યો હતો. ઘણા શ્રદ્ધાળુઓએ તેને ગત વર્ષની ઘટનામાંથી લેવાયેલો મહત્વપૂર્ણ બોધપાઠ ગણાવ્યો, જ્યારે કેટલાકે તેને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતું પગલું ગણાવ્યું. 149મી રથયાત્રા દરમિયાન મહંતની આ સક્રિય હાજરી અને તંત્રની ચુસ્ત વ્યવસ્થાના કારણે સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં આગળ વધી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now