અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ વર્ષે એક ઐતિહાસિક અને વિશેષ નોંધપાત્ર ક્ષણ સર્જાઈ હતી. વર્ષોથી ચાલી આવતી પહિંદવિધિની પરંપરામાં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. બંને મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના રથ સમક્ષ સોનાની સાવરણી વડે માર્ગ સાફ કરીને સેવાના ભાવનું પ્રતિક ગણાતી પવિત્ર વિધિ નિભાવી હતી.
મંગળા આરતી પૂર્ણ થયા બાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં પહિંદવિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેએ પરંપરા અનુસાર ભગવાનના રથનો માર્ગ પ્રતીકાત્મક રીતે સાફ કર્યો અને ત્યારબાદ રથનું દોરડું ખેંચીને ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. મંદિર પરિસરમાં હાજર સંતો, મહંતો અને હજારો શ્રદ્ધાળુઓએ આ ક્ષણને તાળીઓ અને 'જય જગન્નાથ'ના જયઘોષ સાથે વધાવી હતી.
આ પણ વાંચો: જગન્નાથ પુરીનું સૌથી મોટું રહસ્ય 'બ્રહ્મ પદાર્થ' શું છે? : જાણો નવકલેબર વિધિ સાથે જોડાયેલું સદીઓ જૂનું રહસ્ય
પહિંદવિધિને માત્ર ધાર્મિક વિધિ તરીકે જ નહીં પરંતુ વિનમ્રતા, સમાનતા અને સેવાભાવના પ્રતિક તરીકે પણ જોવામાં આવે છે. રાજકીય હોદ્દા કે સામાજિક સ્થાનથી ઉપર ઉઠીને ભગવાન સમક્ષ સૌ સમાન છે તે સંદેશ આ પરંપરા આપે છે. સોનાની સાવરણી વડે માર્ગ સાફ કરવાની આ વિધિ ભગવાનની સેવા સાથે સમાજને નમ્રતા અને લોકસેવાનો સંદેશ પણ આપે છે.
અમદાવાદની જગન્નાથ રથયાત્રાના ઇતિહાસમાં અનેક મહાનુભાવોએ પહિંદવિધિ નિભાવી છે, પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા પ્રથમ વખત સંયુક્ત રીતે આ વિધિ કરાતાં 149મી રથયાત્રાને એક નવી ઐતિહાસિક ઓળખ મળી છે. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ ક્ષણ રથયાત્રાની યાદગાર ઘટનાઓમાં સ્થાન પામી છે.





