Home Gujarat Ahmedabad Ahmedabad Rath Yatra Route Two Private Drones Brought Down

Rath Yatra 2026અમદાવાદ રથયાત્રા દરમિયાન પ્રતિબંધ છતાં ઉડ્યા બે ડ્રોન : એન્ટી-ડ્રોન સિસ્ટમ થઈ સક્રિય, પોલીસે ડ્રોન ઉતરાવાયા

રથયાત્રા 2026
Published by: Chintan Chavda
Last Updated: Jul 16, 2026, 04:09 AM IST

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને શહેરમાં સુરક્ષાના અત્યંત કડક બંદોબસ્ત વચ્ચે રથયાત્રાના માર્ગ પર ઉડતા બે ખાનગી ડ્રોનને પોલીસે તાત્કાલિક નીચે ઉતરાવી લીધા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર પૂર્વ મંજૂરી વિના કોઈપણ પ્રકારનો ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમ છતાં બે ખાનગી ડ્રોન હવામાં ઉડી રહ્યા હોવાનું એન્ટી-ડ્રોન સિસ્ટમમાં જણાતા સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા ખામી ન રહે તે માટે સમગ્ર રૂટ પર આધુનિક એન્ટી-ડ્રોન ટેકનોલોજી તૈનાત કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા હવામાં ઉડતા શંકાસ્પદ ડ્રોનની ઓળખ થતાં જ સંબંધિત ટીમે કાર્યવાહી કરીને બંને ડ્રોનને સુરક્ષિત રીતે નીચે ઉતરાવ્યા હતા. ત્યારબાદ ડ્રોન કોના હતા અને તેઓ મંજૂરી વિના કેમ ઉડાડવામાં આવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'પહિંદ' વિધિ કરીને કરાવ્યું પ્રસ્થાન

સુરક્ષા વ્યવસ્થામાં ટેકનોલોજીનો ઉપયોગ

અમદાવાદની રથયાત્રા રાજ્યના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંની એક હોવાથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ તેમાં જોડાય છે. આ વખતે પણ સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ, એન્ટી-ડ્રોન સિસ્ટમ, કંટ્રોલ રૂમ અને મોટી સંખ્યામાં પોલીસ તથા અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

પોલીસે અગાઉથી જ જાહેરનામું બહાર પાડી સ્પષ્ટ કર્યું હતું કે રથયાત્રાના રૂટ પર ડ્રોન ઉડાડવા માટે સત્તાવાર પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: જગન્નાથ પુરીનું સૌથી મોટું રહસ્ય 'બ્રહ્મ પદાર્થ' શું છે? : જાણો નવકલેબર વિધિ સાથે જોડાયેલું સદીઓ જૂનું રહસ્ય

તપાસ બાદ થશે આગળની કાર્યવાહી

હાલ પોલીસે બંને ડ્રોનના સંચાલકોની ઓળખ અને ડ્રોન ઉડાડવાના હેતુ અંગે તપાસ શરૂ કરી છે. જો નિયમોના ઉલ્લંઘન અથવા સુરક્ષા સંબંધિત કોઈ બેદરકારી સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ નાગરિકોને પણ અપીલ કરી છે કે રથયાત્રા દરમિયાન જાહેર કરાયેલા તમામ સુરક્ષા નિયમોનું પાલન કરે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now