Delhi CM Rekha Gupta Latest News: બુધવારે એટલેકે, આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા મુખ્યમંત્રી નિવાસ પર જનતા દરબાર લઈને બેઠાં હતાં. જેમાં તેઓ જનતાના પ્રશ્નોને સાંભળીને ત્વરિત તેનું નિરાકરણ થાય તે આશયથી આ જનતા દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે, આ જનતા દરબાર દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરવામાં આવ્યો. શખ્સ દ્વારા મુખ્યમંત્રીને દસ્તાવેજ બતાવવા અને રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી. બાદમાં ડોક્યુમેન્ટ બતાવવાના બહાને આ શખ્સે સીએમ પર હુમલો કરી દીધો.
CM રેખા ગુપ્તા પર હુમલાની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર શખ્સ ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેને પગલે દિલ્હી પોલીસે સમગ્ર મામલે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે.
રાજકોટ પોલિસ દ્વારા પણ રાજેશ સાકરીયા અંગે તપાસ શરુ કરવામાં આવી છે. હત્યાં કેસના એક આરોપી ના મામલા ને લઇ રાજેશ રજુઆત કરવા પહોંચ્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એક કેસ સંદર્ભે રજુઆત માટે રાજેશ સાકરિયા સીએમના નિવાસસ્થાને પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પહેલાં તે બેગમાંથી ડોક્યુમેન્ટ કાઢીને કાગળીયા બતાવવાના બહારને સીએમની નજીક જાય છે. ત્યાર બાદ તે શખ્સ અચાનક જ સીએમ પર હુમલો કરી દે છે.
"કૂતરા માટે દિલ્હી જવાનું કિધું હતું"
સમગ્ર મામલે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ સાકરિયાના માતા ભાનુબેન સાકરિયાનું નિવેદન સામે આવ્યું છે. ભાનુબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, રાજેશને પહેલાંથી જ કૂતરાઓ અને પ્રાણીઓ પ્રત્યે ખુબ પ્રેમ છે. એવામાં દિલ્હીની સરકારે કંઈક નિર્ણય લીધો છેકે, કૂતરાઓને કાઢી મુકો. જેને કારણે તેને ખુબ દુઃખ પહોંચ્યું છે. તે ઘરેથી દિલ્હી જવાનું કહીને અહીંથી નીકળ્યો હતો. રાજેશ રિક્ષા ચલાવે છે. તેને 16 વર્ષનો એક છોકરો પણ છે. તે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નથી. તેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. તેણે માત્રને માત્ર કૂતરાઓ માટે જ આ પગલું ભર્યું છે.