Dharmasthala Case Update :કર્ણાટકના ધર્મસ્થળમાં સેંકડો મૃતદેહો દફનાવવામાં આવ્યા હોવાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે આ મુદ્દો ઉઠાવનાર સફાઈ કામદારની ધરપકડ કરી છે. તેના પર ખોટા દાવા કરીને SIT ટીમને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. ધર્મસ્થળ મંદિરની સફાઈ કરનાર એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેને અલગ-અલગ સ્થળોએ 70 થી 80 મૃતદેહો દફનાવ્યા હતા.
SIT એ રાતોરાત સફાઈકર્મીની પૂછપરછ કરી. પોલીસનો દાવો છે કે શરૂઆતમાં સફાઈકર્મી દ્વારા બતાવવામાં આવેલી ખોપડી નકલી હતી. SIT અને તેના વડાએ શુક્રવારે મોડી રાત સુધી ફરિયાદીની પૂછપરછ કરી. ફરિયાદીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂરા પાડવામાં આવેલા નિવેદનો અને દસ્તાવેજોમાં વિસંગતતાઓ જોવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે SIT કેસની તપાસ ચાલુ રાખી રહી છે અને ફરિયાદી-સાક્ષીને કલાકોની પૂછપરછ પછી મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સફાઈકર્મીનો દાવો શું હતો?
ફરિયાદી ભૂતપૂર્વ સફાઈકર્મી છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે તેને 1995 થી 2014 દરમિયાન મંદિરમાં કામ કર્યું હતું, અને તેને મંદિરમાં મહિલાઓ અને સગીરો સહિત અનેક લોકોના મૃતદેહોને દફનાવવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક મૃતદેહો પર જાતીય હુમલાના નિશાન જોવા મળ્યા હતા. તેને આ સંદર્ભમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ આપ્યું છે.
તપાસના ભાગ રૂપે, SIT એ ધર્મસ્થલમાં નેત્રાવતી નદીના કિનારે જંગલ વિસ્તારોમાં ફરિયાદી દ્વારા ઓળખાયેલા અનેક સ્થળોએ ખોદકામ કર્યું હતું, જ્યાં અત્યાર સુધીમાં બે સ્થળોએ કેટલાક હાડપિંજરના અવશેષો મળી આવ્યા છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે તાજેતરમાં વિધાનસભામાં કહ્યું હતું કે જો SIT ફરિયાદીના આરોપો ખોટા હોવાનું જણાશે, તો કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી ફક્ત ખોદકામ જ કરવામાં આવ્યું છે, તપાસ "હજી સુધી શરૂ પણ થઈ નથી" અને સરકાર નહીં, કેસની તપાસ કરી રહેલી SIT જ વધુ ખોદકામની જરૂરિયાત અંગે નિર્ણય લેશે.