Whiskey War: આજના સમયમાં વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો પછી તે પૂર્વ યુરોપ હોય કે મધ્ય પૂર્વ વિનાશ, હિંસા અને માનવિય દુઃખની ભયાનક છબીઓ ઉભી કરે છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો કે કોઈ યુદ્ધ એવું પણ હોઈ શકે જ્યાં સૈનિકો ગોળીબારને બદલે એકબીજાને દારૂની બોટલ ભેટ આપે? ઇતિહાસમાં નોંધાયેલું એવું જ એક અનોખું પ્રકરણ છે ‘વ્હિસ્કી વોર’, જે કેનેડા અને ડેનમાર્ક વચ્ચે 38 વર્ષ સુધી ચાલ્યું હતું, પણ એક પણ ગોળી ચલાવ્યા વિના.
કેનેડા અને ડેનમાર્ક વચ્ચેનું ‘વ્હિસ્કી વોર’ વિશ્વના ઇતિહાસમાં સૌથી અલગ અને શાંતિપૂર્ણ યુદ્ધ તરીકે જાણીતું છે. આ યુદ્ધમાં કોઈ ટેન્ક, બંદૂક કે ગોળીબાર નહોતો. લડાઈ થઈ હતી માત્ર આલ્કોહોલની બોટલો અને ધ્વજો વડે!
એક નાનકડા ટાપુને લઈને શરૂ થયો વિવાદ
આર્કટિક મહાસાગરમાં આવેલો હાન્સ આઇલેન્ડ (Hans Island) માત્ર 1.3 ચોરસ કિલોમીટરનો નિર્જન ખડકાળ ટાપુ છે. કેનેડા અને ડેનમાર્ક (ગ્રીનલેન્ડ) બંને આ ટાપુ પર પોતાનો અધિકાર જમાવવા માંગતા હતા. 1973માં સરહદ સંધિ થઈ ત્યારે પણ આ ટાપુ વહેંચાયો નહોતો, જેના કારણે વિવાદ ચાલુ રહ્યો.
1984માં થઈ ‘દારૂની લડાઈ’ની શરૂઆત
વર્ષ 1984માં કેનેડિયન સૈનિકોએ ટાપુ પર પહોંચીને કેનેડાનો ધ્વજ લગાવ્યો અને ત્યાં કેનેડિયન વ્હિસ્કીની એક બોટલ મૂકી દીધી. આ એક સ્પષ્ટ સંદેશ હતો – “આ જમીન અમારી છે!”ડેનમાર્કે આનો જવાબ તરત આપ્યો. ડેનિશ અધિકારીઓએ કેનેડાનો ધ્વજ ઉતારીને પોતાનો ધ્વજ લગાવ્યો અને ત્યાં ડેનિશ સ્ક્નાપ્સની બોટલ મૂકી. સાથે એક મજાકિયા નોટ પણ મૂકી જેમાં લખ્યું હતું:
“ડેનમાર્કના ટાપુ પર આપનું સ્વાગત છે!”
38 વર્ષ સુધી ચાલ્યું ‘બોટલ યુદ્ધ’
ત્યારબાદ આ અનોખી પરંપરા 38 વર્ષ સુધી ચાલુ રહી. જ્યારે કેનેડિયન ટુકડીઓ ટાપુ પર જતી, ત્યારે ડેનિશ દારૂ પીને ખાલી બોટલ પાછી મૂકી અને તેની જગ્યાએ તાજી વ્હિસ્કીની બોટલ છોડી આવતી. ડેનિશ સૈનિકો પણ એ જ રીતે વ્હિસ્કી પીને પોતાની સ્ક્નાપ્સની બોટલ મૂકતા. બંને દેશો વચ્ચે આ ‘મહેમાનગતિ’ની લડાઈ ચાલુ રહી. કોઈ હિંસા નહીં, કોઈ ગુસ્સો નહીં – માત્ર વ્યંગ્ય, મજાક અને દારૂની બોટલો!
2022માં થયો શાંતિપૂર્ણ અંત
છેવટે 14 જૂન 2022ના રોજ બંને દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ. હાન્સ આઇલેન્ડને લગભગ અડધો-અડધો વહેંચી દેવામાં આવ્યો. કુદરતી ભૌગોલિક લાઇન અનુસાર ટાપુનો એક ભાગ કેનેડાને અને બીજો ભાગ ડેનમાર્ક (ગ્રીનલેન્ડ)ને મળ્યો.સમજૂતીની ઉજવણીમાં બંને દેશોના વિદેશ મંત્રીઓએ એકબીજાને વ્હિસ્કી અને સ્ક્નાપ્સની બોટલો ભેટમાં આપી. આ કરાર સાથે વિશ્વનું સૌથી ‘નશીલું’ અને શાંતિપૂર્ણ યુદ્ધ સમાપ્ત થયું.
એક મહત્વનો પાઠ
વ્હિસ્કી વોર એક મજાક નથી, પરંતુ એક મોટો પાઠ છે – જટિલ વિવાદોને હિંસા વગર, વાતચીત, આદર અને આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા ઉકેલી શકાય છે. જ્યારે આજે ઘણા યુદ્ધો વિનાશ ફેલાવી રહ્યા છે, ત્યારે આ વાર્તા આશાનું કિરણ છે કે સારી ઇચ્છા અને સંવાદથી દરેક સમસ્યાનો હલ શક્ય છે.





