Touska Ship: અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્ષો જૂનો વિવાદ હવે સમુદ્રના મોજાઓ પર વધુ તેજ બન્યો છે. તાજેતરમાં જ ઓમાનની ખાડીમાં અમેરિકી મરીન સૈનિકોએ ઈરાની કન્ટેનર જહાજ 'ટુસ્કા' (Touska) પર હુમલો કરી તેને પોતાના કબજામાં લઈ લેતા વૈશ્વિક સ્તરે તણાવ ફાટી નીકળ્યો છે. ઈરાને આ ઘટનાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને 'દરિયાઈ લૂંટ' ગણાવી છે, જ્યારે અમેરિકાનો દાવો છે કે આ જહાજ પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરી રહ્યું હતું. આ ઘટનાએ માત્ર બંને દેશોના સંબંધો જ નહીં, પરંતુ આગામી સમયમાં થનારી શાંતિ વાટાઘાટો પર પણ જોખમ ઊભું કર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જહાજ પર એવો સામાન લદાયેલો છે જેને અમેરિકા 'ડ્યુઅલ-યુઝ' (Dual-use) એટલે કે બેવડા ઉપયોગ વાળી વસ્તુઓ માને છે. આ એવી સામગ્રી છે જેનો ઉપયોગ સામાન્ય ઉદ્યોગોમાં પણ થઈ શકે છે અને ઘાતક મિસાઈલ કે સૈન્ય સાધનો બનાવવામાં પણ થઈ શકે છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ની નજર આ જહાજ પર ઘણા સમયથી હતી, અને જ્યારે તેણે ચેતવણીઓને અવગણી ત્યારે મરીન સૈનિકોએ ઓપરેશન હાથ ધરીને જહાજને પોતાના નિયંત્રણમાં લીધું હતું.
શું છે 'ડ્યુઅલ યુઝ' સામાન? શા માટે અમેરિકાને લાગ્યો ડર?
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના અહેવાલ મુજબ, 'ટુસ્કા' જહાજ પરથી ધાતુના પાઈપો, ઈલેક્ટ્રોનિક ઘટકો અને વિશિષ્ટ ધાતુઓ મળી આવી છે.
સૈન્ય ઉપયોગ: આ વસ્તુઓનો ઉપયોગ ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ અને ડ્રોન ટેકનોલોજી વિકસાવવા માટે થઈ શકે છે.
ઔદ્યોગિક ઉપયોગ: બીજી તરફ, ઈરાનનો દાવો છે કે આ માત્ર વ્યાપારી સામાન છે જે ચીનથી લાવવામાં આવી રહ્યો હતો. અમેરિકાએ 2019થી જ 'ઇસ્લામિક રિપિલ્બિક ઓફ ઈરાન શિપિંગ લાઇન્સ' (IRISL) પર પ્રતિબંધ મુકેલો છે, કારણ કે તે ઈરાનની સેના માટે ખરીદ એજન્ટ તરીકે કામ કરતી હોવાનું મનાય છે.
ચીન અને મલેશિયા થઈને આવ્યું હતું જહાજ: સેટેલાઈટ ડેટામાં ખુલાસો
સેટેલાઈટ એનાલિસિસ કંપની 'સીનમેક્સ'ના રિપોર્ટ પ્રમાણે, આ જહાજની મુસાફરી શંકાસ્પદ રહી છે.
ચીનથી શરૂઆત: 25 માર્ચે આ જહાજ ચીનના તાઈચાંગ અને ત્યારબાદ ગાઓલાન બંદર પર જોવા મળ્યું હતું, જ્યાંથી મોટા પ્રમાણમાં કન્ટેનર લોડ કરાયા હતા.
મલેશિયામાં સ્ટોપ: એપ્રિલના મધ્યમાં જહાજ મલેશિયાના પોર્ટ ક્લાંગ પહોંચ્યું અને ત્યાંથી વધુ સામાન ભરીને ઓમાનની ખાડી તરફ આગળ વધ્યું.
અમેરિકી કાર્યવાહી: રવિવારે જ્યારે જહાજ ઈરાનના ચાબહાર બંદરની નજીક પહોંચ્યું, ત્યારે અમેરિકી દળોએ છ કલાકની ચેતવણી બાદ ગોળીબાર કર્યો અને જહાજ પર કબજો કરી લીધો.
ઈરાનનો વળતો પ્રહાર: "પરિવારો સાથે હતા એટલે સંયમ રાખ્યો"
ઈરાનના વિદેશ મંત્રાલયે આ ઘટનાને અમાનવીય ગણાવી છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, જહાજ પર નાવિકોના પરિવારો અને બાળકો પણ સવાર હતા. ઈરાની સેનાએ જણાવ્યું કે તેઓ અમેરિકી દળોનો સામનો કરવા સક્ષમ હતા, પરંતુ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે સંયમ જાળવ્યો હતો. ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો જહાજ અને નાવિકોને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે, તો ઉભી થનારી કોઈપણ ગંભીર પરિસ્થિતિ માટે વોશિંગ્ટન જવાબદાર રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર: "અમે જોઈ રહ્યા છીએ કે અંદર શું છે"
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે કડક વલણ અપનાવતા સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ જહાજનો ઈતિહાસ ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ભરેલો છે. અમેરિકી નૌસેનાએ પહેલા જ એડવાઈઝરી જાહેર કરી હતી કે ઈરાન પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીનો ભંગ કરનાર કોઈપણ જહાજની તપાસ અને તલાશી લેવામાં આવશે. હાલમાં અમેરિકી નિષ્ણાતો જહાજ પરના દરેક કન્ટેનરની તપાસ કરી રહ્યા છે જેથી ઈરાનના સૈન્ય ઈરાદાઓનો પર્દાફાશ થઈ શકે.





